ઘનતાવાદ (Cubism) : વીસમી સદીનો ચિત્રકલા અને શિલ્પકલા ક્ષેત્રનો એક પ્રભાવશાળી પ્રવાહ અને વાદ. કેટલાક આધુનિક ઍબ્સ્ટ્રૅક્ટ ઝુંબેશોનું આદ્ય પ્રેરણાસ્થાન બની રહ્યો છે. તે ઇમ્પ્રેશનિસ્ટ અભિગમમાંથી મુક્ત થવા તથા પ્રવૃત્તિઓની નરી ર્દશ્યાત્મકતાનું સ્થાન લેવા પિકાસો તથા બ્રાક જેવા કલાકારોએ જે ચિત્રશૈલી પ્રયોજી તેમાંથી ‘ક્યૂબિઝમ’ નામે ઓળખાતી ચિત્રશૈલીનો 1907થી 1914 દરમિયાન પૅરિસમાં પ્રારંભ થયો. આ શૈલીમાં પદાર્થના આકાર અને રંગછટા વિશે વધારે બુદ્ધિગમ્ય અને તર્કસંગત નિરૂપણ હોય છે. એમાં ચિત્રફલકની સમતલ દ્વિપરિમાણી સપાટીનો સ્વીકાર કરાયો છે; જ્યારે યથાર્થ ચિત્રણ, મૉડલિંગ અને છાયાપ્રકાશનું આલેખન જેવી પરંપરાગત ટૅકનિકનો છેદ ઉડાવી દેવામાં આવ્યો છે. કલા એ કુદરતની અનુકૃતિ છે એવા વર્ષોથી સ્વીકારાયેલા કલાવિષયક સિદ્ધાંતોની અવગણના કરવામાં આવી છે. અલબત્ત, તેમની કલાપ્રવૃત્તિ હતી તો પ્રકૃતિનિર્ભર, પણ ઘનતાવાદી કલાકારો પ્રકૃતિગત આકાર, રચના (composition), પોત (texture), રંગ તથા અવકાશનું કેવળ અનુકરણ કરવામાં માનતા ન હતા. વસ્તુત: આ ચિત્રકારોએ તેમનાં ચિત્રોમાં એક નવી જ વાસ્તવિકતા પ્રયોજી અને ઉપસાવી.
ચિત્રની દ્વિપરિમાણી એકતાના ખ્યાલને તથા આકારના પૃથક્કરણ અને તેના આંતરસંબંધના ખ્યાલને ઘનતાવાદીઓએ વિશેષ વિકસાવ્યો. પદાર્થના સમગ્ર માળખા કે બંધારણનો તેમજ સમસ્ત અવકાશમાંના તેના સ્થાનનો ચિતાર આપી શકાય એ માટે તેમણે વસ્તુઓ જેવી દેખાય છે તેવી રીતે રજૂ કરવાની શૈલીનો ઇરાદાપૂર્વક ત્યાગ કર્યો. વ્યવહારમાં તેમણે પદાર્થને અનેકવિધ પરિપ્રેક્ષ્યમાં જોઈને તેનું ચિત્રણ કરવાનું રાખ્યું, અલબત્ત, આ બધાં જ પરિપ્રેક્ષ્ય સહજ સ્વાભાવિક ન હતાં. પરિણામે, તેમની ચિત્રશૈલીમાં પદાર્થના કોઈ પાસાનું નહિ પણ ખ્યાલનું જ નિરૂપણ થતું.
આવાં ચિત્રોનું સર્વપ્રથમ પ્રદર્શન 1907માં પૅરિસમાં યોજાયું. આંરી માતીસ (Henri Matisse) જેવા ચિત્રકારે તથા લૂઈ વૉસેલ (Vauxcelles) જેવા વિવેચકે આ પ્રવાહને ‘ક્યૂબિઝમ’ નામ આપ્યું. અલબત્ત, ઇમ્પ્રેશયોનિઝમની જેમ જ આ નામ પણ ઉપહાસસૂચક હતું. સ્વાભાવિક રીતે જ આ પ્રદર્શન પ્રસંગે ભારે વિવાદ અને વિરોધ જન્મ્યા હતા. ક્યૂબિઝમ પર નિગ્રો કલાનો ભારે પ્રભાવ પડ્યો હતો, કેમ કે પિકાસોને પોતાને આઇબેરિયન શિલ્પકલામાં અનહદ રસ હતો. આ ઉપરાંત, ફૉવિઝમના પૅટર્ન-નિર્માણ પ્રત્યેની પ્રતિક્રિયાએ પણ તેમાં ખાસ્સો ભાગ ભજવ્યો હતો. વળી, પ્રારંભિક તબક્કે પૉલ સેઝાંનાં ર્દશ્યચિત્રોમાંથી પણ તેમણે પરોક્ષ સંસ્કાર ઝીલ્યા જણાય છે. સેઝાંના પ્રભાવ હેઠળ આ વાદનું ચલણ 1906થી 1909 સુધી રહ્યું.
આ વાદનો બીજો તબક્કો ‘ઍનલિટિકલ ક્યૂબિઝમ’ નામે ઓળખાય છે. 1909થી 1912 સુધી એ ઝુંબેશનો પ્રભાવ રહ્યો. આ ગાળાનાં ચિત્રોમાં આકારનું વિરૂપણ (breaking down) અથવા પૃથક્કરણ આલેખવાની શૈલી પ્રચલિત હતી. એમાં કાટકોણીય રચનાઓ તથા રેખીય આકૃતિઓ વિશેષ પસંદગી પામતી. વળી રંગછટાઓ પણ સાવ સાદાઈપૂર્વક યોજવામાં આવતી – જાણે ચિત્ર એકરંગી (monochromatic) ન હોય એવું પણ લાગે ! પણ ચિત્રકારને મૂળભૂત રીતે રંગોમાં નહિ, પણ આકાર અને આકૃતિમાં જ રસ છે એવું દર્શકને ચિત્ર જોઈને મનમાં ઠસવું તો જોઈએ જ ! આ એકરંગી યોજના પદાર્થનાં સંકુલ તથા બહુવિધ ર્દશ્યપાસાંને આલેખવા માટે ખૂબ અનુકૂળ હતી.
ક્યુબિઝમનો 1912થી 1914 સુધીનો છેલ્લો તબક્કો ‘સિન્થેટિક ક્યૂબિઝમ’ નામે ઓળખાય છે. એમાં કલાકૌશલની ઉત્કૃષ્ટતા, રંગો તેમજ તેની મિલાવટ અને તેનો ખૂબીપૂર્વકનો ઉપયોગ પ્રચારમાં આવે છે. ચિત્રકારનો ઝોક હવે ચિત્રોમાં આકારોના સંયોજન અને સંકલન તરફ વળે છે. આકાર હજુ અગાઉની જેમ સપાટ અને છિન્નભિન્ન જ રહેલા છે; પરંતુ હવે તે મોટા કદમાં અને સુશોભિત રીતે આલેખાય છે. પદાર્થોની સુંવાળી અને ખરબચડી સપાટીના વિરોધભાવ પણ આસ્વાદવા મળે છે. આ ઉપરાંત, રંગચિત્રણવાળા ચિત્રના વિસ્તારની સાથોસાથ તેમાં છાપાંના ટુકડા, દીવાસળી, સિગારેટ વીંટવાના કાગળ વગેરે જેવા ચિત્રેતર (foreign) પદાર્થો પણ સંયોજન રૂપે લગાડવામાં આવે છે. ચિત્રકલામાં આ રીતે માધ્યમોનું સંયોજન પ્રયોજવાની ટૅકનિક ‘કોલાજ’ નામે જાણીતી છે.
આ નવી ર્દશ્યભાષા સર્જવાનો યશ પિકાસો અને બ્રાકના ફાળે જાય છે; પણ ત્યારપછી સંખ્યાબંધ ચિત્રકારોએ એ શૈલી અપનાવીને ક્યૂબિઝમમાં નવી નિજી સિદ્ધિ હાંસલ કરી. મુખ્યત્વે આ શૈલી ચિત્રકલા સાથે જ સંકળાયેલી હોવા છતાં, વીસમી સદીની શિલ્પકળા તથા સ્થાપત્યકલા પરત્વે ક્યૂબિઝમનો ગાઢ પ્રભાવ પડ્યો હતો. કાર્બૂઝિયે જેવા સ્થપતિએ પણ ક્યૂબિઝમની સૌંદર્યવિભાવના અપનાવી હતી. તેની પ્રતીતિ તેમણે 1920 પછીના દશકા દરમિયાન નિર્માણ કરેલાં મકાનોનાં આકાર-આકૃતિ પરથી મળી રહે છે.
મહેશ ચોકસી