ઘટિયા પાનનો રોગ : વનસ્પતિ કે પાકનાં પાન પર સૂક્ષ્મ વ્યાધિજંતુનું આક્રમણ થવાથી થતો રોગ. તેનાથી પાનની સપાટી જાડી થાય છે અને ઘેરા લીલા રંગનાં ધાબાંવાળા પાનની વૃદ્ધિ અટકી જવાથી તે નાનું રહે છે. આવા પાનનો પર્ણદંડ ટૂંકો રહે છે અને પાનની નવી નીકળતી ડાળી જાડી અને ટૂંકી થાય છે.

આ રોગ રીંગણમાં માઇક્રૉપ્લાઝ્મા નામના સૂક્ષ્મ વ્યાધિજંતુથી થાય છે. રોગવાળા છોડની નવી કૂંપળની ડાળીઓ ટૂંકી અને જાડી તથા પર્ણદંડ ટૂંકો અને પાન ઘેરા લીલા રંગનાં ધાબાંવાળાં નાનાં રહે છે. આવા છોડ વૃદ્ધિ પામતા નથી અને છોડના દરેક ભાગ નાના, જાડા થઈ વિકૃતિ પામે છે. આવી રોગવાળી ડાળી પર ભાગ્યે જ ફૂલ બેસે છે. ફૂલ બેસે તો લીલા રંગનાં થઈ ખરી પડે છે. ક્યારેક ફળ બેસે તો તે નાનાં હોય છે અને તેનો માવો સખત થઈ જાય છે.

માઇક્રૉપ્લાઝ્માનું પ્રસરણ તડતડિયાથી થયું હોય તો શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરી નિયંત્રણ કરી શકાય છે. આ વ્યાધિજંતુનું ટ્રેટ્રાસાઇક્લિન પ્રકારની દવાથી નિયંત્રણ થાય છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ