ઘટિકાકોણ (hour angle) : અવલોકનસ્થળના ખગોલીય યામ્યોત્તરવૃત્ત (meridian) અને ખગોલીય પદાર્થના ઘટિકાવૃત્ત (hour circle) વચ્ચેનો કોણ. યામ્યોત્તરવૃત્તથી પશ્ચિમ દિશા તરફ 0°થી 360°ના અથવા 0 કલાકથી 24 કલાકના (1 કલાક = 15°) માપ વડે તે દર્શાવાય છે. તેને સ્થાનિક ઘટિકાકોણ પણ કહેવામાં આવે છે. સ્થાનિક શબ્દનો પ્રયોગ એમ સૂચવે છે કે કોઈ નિર્ધારિત સમયે પૃથ્વીપટ ઉપરનાં જુદાં જુદાં સ્થળો માટે ખગોલીય પદાર્થ Pના ઘટિકાકોણ જુદા જુદા હોય છે.
ઘટિકાકોણના આ પ્રમાણેના વૈવિધ્યનું કારણ એ છે કે પ્રત્યેક અવલોકનસ્થળના ખમધ્ય (zenith, Z) અલગ અલગ હોઈ, વિવિધ રેખાંશ ઉપરનાં સ્થળો માટેના ખગોલીય યામ્યોત્તરવૃત્ત અલગ અલગ હોય છે. આ પ્રશ્નના ઉકેલ માટે બે વિકલ્પ છે : ગ્રિનિચના ખગોલીય યામ્યોત્તરવૃત્તને માનક ગણીને ખગોળમાં આવેલ મહત્ત્વના પદાર્થોના ગ્રિનિચ ઘટિકાકોણની સારણીનો ઉપયોગ કરવામાં આવે છે.
બીજા વિકલ્પમાં, વસંતસંપાતબિંદુ(V)ને આરંભબિંદુ ગણીને ખગોલીય પદાર્થ(P)ના ક્રાંતિ (GP) અને વિષુવાંશ(VG)ની મદદથી ખગોલીય પદાર્થ(P)ના ખગોલીય સ્થાન માટેના સુનિશ્ચિત નિર્દેશાંકનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિને માન્ય રાખવામાં આવેલી છે.
પ્ર. દી. અંગ્રેજી