ઘટશ્રાદ્ધ : વિશિષ્ટ પ્રકારની કન્નડ ફિલ્મ. નિર્માણવર્ષ 1977, પટકથા-દિગ્દર્શન : ગિરીશ કાસરવલ્લિ; સંગીત : બી. વી. કારંથ; પ્રમુખ કલાકારો : પીના કુતપ્પા, અજિતકુમાર, નારાયણ ભાટ, રામકૃષ્ણ અને શાંતા. આ ચલચિત્ર જ્ઞાનપીઠ ઍવૉર્ડ વિજેતા યુ. આર. અનંતમૂર્તિની એક ટૂંકી વાર્તા પર આધારિત છે.
બ્રાહ્મણ સમાજમાં જીવિત વ્યક્તિ માટે મૃત્યુ-સંસ્કાર કરવામાં આવે તે ઘટશ્રાદ્ધ. સમાજ દ્વારા માનવને દંડ કરવા ઉપયોગમાં લેવાતો આ માનવસર્જિત કાયદો છે. તે કેટલો નિષ્ઠુર અને અધમ કક્ષાનો છે તે ફલિત કરવાનો આ કન્નડભાષી ફિલ્મ દ્વારા પ્રયાસ થયો છે.
ફિલ્મની નાયિકા યમુનાક્કા બાળવિધવા છે. જમાનાની તાસીર મુજબ સમાજ તેને સામાન્ય જીવન ભોગવવાનો અધિકાર આપતો નથી. તેથી તે દુષ્કર જીવન વિતાવી રહી છે. યુવાન નાયિકાના દિલમાં ઉંમર સાથે લાગણી અને ઇચ્છાઓ તીવ્ર બને છે. ગામમાં બહારથી આવેલા એક શિક્ષક સાથે તેને સ્નેહનું બંધન બંધાય છે. તેના સાન્નિધ્યને કારણે તે ગર્ભવતી બને છે. તેનો પ્રેમી ગર્ભપાત માટે એક નર્સની વ્યવસ્થા કરે છે; પરંતુ નર્સ તેનું કાર્ય પૂરું કરે તે પહેલાં જ તે પ્રેમી ગામમાંથી અર્દશ્ય થઈ જાય છે. વડીલોને યમુનાક્કાના આ રહસ્યની જાણ થતાં હાહાકાર મચી જાય છે. યમુનાક્કાના પિતા પોતાની આ પુત્રી માટેના ઘટશ્રાદ્ધની વૈદિક વિધિ કરે છે. જીવન જીવવાના યમુનાક્કાના મૂળભૂત અધિકારો છીનવાઈ જાય છે. એક યુવાન વિધવા સાથે આવું ઘાતકી આચરણ કરનાર સમાજ એક વિધુર વૃદ્ધને તેની પુત્રી જેવી આ વિધવા સાથે લગ્ન કરવાની સંમતિ આપે છે.
આ ફિલ્મને 1978માં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
પીયૂષ વ્યાસ