ઘઉંની જીવાત : ઘઉંના પાકને નુકસાન કરતી જીવાત. દુનિયાના ઘઉં પકવતા દેશોમાં વાવેતર વિસ્તાર તેમજ ઉત્પાદનની બાબતમાં ભારતનો નંબર ચોથો છે. ભારતમાં વિસ્તારની ર્દષ્ટિએ ગુજરાત આઠમું અને ઉત્પાદનની ર્દષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે. ગુજરાતના લોકોના ખોરાકમાં ઘઉં અગત્યનું ધાન્ય છે. ઘઉંના પાકમાં જુદી જુદી અવસ્થાએ લગભગ 20 જેટલી જીવાતો નુકસાન કરે છે. તે પૈકી ઘઉંની ગાભમારાની ઇયળ, દૂધિયા દાણા ખાનારી ઇયળ અને ઊધઈ રાઈ ઉપરનો મોલો (Aphids) ગુજરાત રાજ્યમાં ઘઉંના પાકની મુખ્ય જીવાતો છે. આ સિવાય ઘઉંના થડ કાપી ખાનાર ઇયળ, થ્રિપ્સ, મોલો, ઘૈણ, કુદકુદિયા (પાયરિલા), સાંઠામાખી જેવી ગૌણ જીવાતો ઘઉંના પાકમાં નુકસાન કરતી નોંધાયેલી છે. ઘઉં શિયાળુ પાક હોવાથી ચોમાસું જીવાતોનો ઉપદ્રવ ઓછો હોય છે. માત્ર ચોમાસું લંબાતાં કીટકોનાં જીવનચક્રો શિયાળા સુધી લંબાય છે અને ઘઉં ઉપર જીવાતો પડે છે. પિયત પાણીમાં ખેંચ પડવાથી, ઊધઈ ઘઉંના રોપનાં મૂળ ખાઈ તેનો નાશ કરે છે. આ માટે ઊધઈ અંગેની સારવાર સતત આપતા રહેવું પડે છે. વળી નિયમિત સિંચાઈ કરતા રહેવું પડે છે.
પરબતભાઈ ખી. બોરડ
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ