ઘંટીટાંકણો (Hoopoe) : સમસ્ત ભારતમાં વ્યાપક યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Upupa epops. તેનો સમાવેશ Coraciiformes વર્ગ અને upupidae કુળમાં થાય છે. તેનું કદ 30 સેમી. જેટલું હોય છે. ગુજરાતીમાં તેને હુડહુડ પણ કહે છે.

તેનું અંગ્રેજી નામ ‘હુપો’ છે. તે બોલે ત્યારે ‘હુડ હુડ’ એવો અવાજ આવે છે. તેનું આખું શરીર આછા ગુલાબી કે ઘેરા બદામી રંગનું ગણાય.

ઘંટીટાંકણો

ઊડીને આંખે વળગે તેવાં કાળાંધોળાં ચટાપટાવાળાં પીંછાં તે છેક ખભાથી પૂંછડી સુધી ધરાવતું હોવાથી તેણે જાણે સ્વેટર પહેર્યું હોય તેવું લાગે છે. તેના માથાની પાછળ ગુલાબી રંગની ઝૂલતી લાંબી કલગી ધ્યાન ખેંચે છે. તેમાં ચડાઊતરી પીંછાંના છેડા કાળા હોવાથી સુંદર લાગે છે. માથાની આગળની બાજુ લાંબી મજબૂત વળેલી કાળી ચાંચ હોય છે. આને લીધે ઘંટી ટાંકવાની હથોડી જેવો દેખાવ સર્જાય છે. તેથી તે ‘ઘંટીટાંકણો’ એવા નામે ઓળખાય છે. એની કાળી આંખ સિવાય ચાંચના છેડાથી માથું, કલગી અને ગળું-ગરદન આછા ગુલાબી રંગનાં હોય છે.

તે સખત જમીનમાં પટાપટ ચાંચ ખૂંતાડીને નાની મોટી જીવાત પકડીને આરોગે છે. ઊગેલું ઘાસ, કચરો, ઉકરડો, નદી-તળાવનાં ભાઠાં, કાંઠાની જમીન એ તેનાં પ્રિય સ્થાન છે. આ ઉપરાંત બગીચા, મેદાનો, અવાવરું જગ્યાઓ, ધૂળિયા રસ્તા વગેરે સ્થળોએ પણ તે જોવા મળે છે. ઊડીને નીચે બેસે ત્યારે કલગી ખુલ્લી કરે છે. ભડકે કે ગુસ્સે થાય ત્યારે માથું ઊંચું કરી કલગીનો પંખો બનાવી દઈને, ‘શી વાત છે ?’ એમ જાણે પૂછતું હોય એવી મુદ્રા ધારણ કરે છે.

તે કાશ્મીર, દક્ષિણ ભારત, યુરોપ, ઉત્તર એશિયા અને આફ્રિકા જેવાં સ્થળોએ પણ રહે છે. ભારતમાં ખાસ કરીને ઑગસ્ટથી એપ્રિલ સુધી દેખાય છે. તે ઉનાળે માળો કરવા ચાલ્યું જાય છે.

ઝાડ કે મકાનની બખોલમાં ઘાસ, તણખલાં કે રૂનો માળો બનાવી 5 સફેદ ઈંડાં મૂકે છે. કુદરતી રક્ષણ માટે હોય કે ગમે તે કારણે, પણ તેનો માળો બહુ ગંધાય છે. માદાના શરીરમાંથી પણ ગંધ છૂટે છે. મોટે ભાગે નર પંખી બચ્ચાંનો ઉછેર કરે છે. બચ્ચાં 20થી 27 દિવસમાં માળો છોડી જાય છે.

બળદેવભાઈ કનીજિયા