ગ્વાઉરા : દ. અમેરિકા ભૂખંડના પરાગ્વે દેશનો એક વહીવટી વિભાગ. તે દેશના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો છે. તે લગભગ 3,202 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. આ પ્રાંતનું વહીવટી મથક વિલારિકા (Villarrica) છે. વસ્તી 81,752 (2024). આ પ્રદેશનું ભૂપૃષ્ઠ સમુદ્રસપાટીથી લગભગ 200થી 500 મી.ની ઊંચાઈ પર આવેલું છે. પરાગ્વેના મધ્ય ભાગમાં થઈને મકરવૃત્ત પસાર થાય છે. આ રેખાથી ઉત્તરના ચાકો પ્રદેશની ગરમ આબોહવાની સરખામણીએ આ પ્રદેશ દક્ષિણમાં આવેલો હોવાથી તેની આબોહવા સમશીતોષ્ણ છે. અહીં વરસાદનું વાર્ષિક પ્રમાણ 1,250થી 1,750 મિમી. વચ્ચે રહે છે.

આ પ્રાંત સાથેના પૂર્વ પરાગ્વેના બધા પ્રાંતો ખેતીની દૃષ્ટિએ સમૃદ્ધ છે. અહીં તમાકુ, કપાસ, દ્રાક્ષ અને અન્ય ફળો તેમજ જર્બા – (yerbe , એક પ્રકારનો ચા જેવો પીણાનો પાક) – જેવા વ્યાપારી પાકોની ખેતીનું પ્રમાણ વિશેષ છે. અહીંના જર્મન વસાહતીઓ દ્રાક્ષમાંથી દારૂ બનાવવાની કળામાં વારસાગત કૌશલ્ય ધરાવે છે. આ ઉપરાંત અહીં થતી પશુપાલનપ્રવૃત્તિ દ્વારા માંસ અને ચામડાં જેવી પશુપેદાશો મેળવાય છે.

આ પ્રાંતના ઈશાન ભાગમાંથી એક ગૂઢ ચિત્રલિપિ મળી આવી છે જે ચાંચિયાઓએ આલેખેલી હોવાનું નિષ્ણાતોનું મંતવ્ય છે.

બીજલ પરમાર