ગ્લોબ થિયેટર : ઇંગ્લૅન્ડનું એલિઝાબેથ યુગમાં બંધાયેલું સુપ્રસિદ્ધ થિયેટર. તેમાં શેક્સપિયરનાં તેમજ બીજા નાટકકારોનાં નાટકો ભજવાતાં. ઈ. સ. 1598માં થેમ્સ નદીને કિનારે રિચર્ડ અને કુથબર્ટ બર્બિજ નામના બે ભાઈઓએ તેમના પિતા જેમ્સ બર્બિજે બાંધેલા ઇંગ્લૅન્ડના પ્રથમ થિયેટર ‘ધ થિયેટર’ના કાટમાળમાંથી 600 પાઉન્ડના ખર્ચે આ થિયેટર બાંધેલું. 1613માં ‘હેન્રી ધ એટ્થ’ના પ્રયોગ દરમિયાન અકસ્માત્ આગ લાગતાં આ થિયેટર નાશ પામેલું. તે 1614માં ફરીથી બંધાયેલું. બે વર્ષ પછી પ્યુરિટનોએ તે પાડી નાખેલું. અત્યારે તેના કોઈ અવશેષ મળતા નથી.
આ અષ્ટકોણ થિયેટરનો તખ્તો 12.49 મી. પહોળો અને 12.03 મી. ઊંડો હતો. તેની ઊંચાઈ 9.74 મી. હતી. તેનો મોટો ભાગ ખુલ્લો હતો. તેમાં ત્રણ સ્તર હતા. પહેલો સ્તર તે એક ઊંચા પ્લૅટફૉર્મ પરની મુખ્ય રંગભૂમિ. આ તખ્તાની બંને બાજુએ પ્રવેશ-નિર્ગમન માટેનાં બે દ્વાર. તેની પાછળના ભાગમાં લંબાઈમાં નાનો તથા ઊંડાણમાં સાંકડો સ્ટેજનો ભાગ, જેને ‘સ્ટડી’ કહેતા. તેને પડદાથી બંધ કરી શકાતો.
બે દરવાજા પર બે ઝરૂખા હતા. અને નીચેના ‘સ્ટડી’ની ઉપર બીજું નાનું સ્ટેજ હતું, જેને ‘ચેમ્બર’ કહેવામાં આવતું. આ ચેમ્બરની આગળ એક ગૅલરી હતી.
ચેમ્બરની ઉપર એક ત્રીજું સ્ટેજ હતું, જેને ‘મ્યુઝિશિયન્સ ગૅલરી’ કહેતા. અહીં નાટક વખતે સંગીતકારો બેસતા. આની ઉપર પણ એક ‘ટાવર’ હતો ને તેની ઉપર ઘાસની છત હતી. આ છત ઉપર એક ધ્વજ હતો જે નાટકને દિવસે લોકોની જાણ માટે ફરકાવાતો હતો.
આમ, આ ત્રિસ્તરીય તખ્તામાં સાત અભિનયખંડ (acting areas) બનતા હતા. (1) મુખ્ય તખ્તો અને (2) તેનાં બે દ્વાર; (3) તેની પાછળનું ‘સ્ટડી’; (4) તેની ઉપર ‘ચેમ્બર’ અને (5) તેની સામેની ‘ગૅલરી’; (6) સ્ટેજદ્વાર ઉપરના બે ઝરૂખા અને (7) ‘મ્યુઝિશિયન્સ ગૅલરી’. સ્ટેજની છત પર નવ ગ્રહોનાં ચિત્રો હતાં. તેને ‘હેવન્સ’ કહેતા, ત્યાંથી દેવતાઓના કરામતી દ્વાર(ટ્રૅપડૉર)માં થઈને અવતરણ થતું. આવાં કરામતી દ્વાર મુખ્ય તખ્તા પર અને ‘સ્ટડી’માં રહેતાં. હૅમ્લેટના પિતાનું ભૂત એવા જ એક દ્વારમાંથી બહાર આવતું.
આખા થિયેટરમાં બે જ દ્વાર હતાં : એક પ્રેક્ષકોને જવા-આવવા માટે અને બીજું સ્ટેજ પર અભિનેતાઓને જવા સારુ. અભિનેતાઓ સ્ટેજની પાછળના ‘ટાવરિંગ હાઉસ’માં વેશભૂષા-રંગભૂષા સજતા.
પ્રેક્ષકો માટેના પ્રવેશદ્વાર પાસે એક માણસ ઊભો રહેતો. તે દાખલ થવા માટેની ફી ઉઘરાવતો. એક ‘પેની’ આપીને જે પ્રેક્ષકો અંદર જતા તે બધા આ અષ્ટકોણાકાર મુક્તાકાશ થિયેટરના પ્રેક્ષાગારમાં ધસી આવતા. સ્ટેજની ત્રણે બાજુએ ખાલી પડતી મુક્તાકાશ જગાને ‘યાર્ડ’ કહેતા, ત્યાં નાટકની શરૂઆતથી અંત સુધી પ્રેક્ષકો ઊભા રહેતા. તેના પરથી ‘ગ્રાઉન્ડલિંગ’ શબ્દપ્રયોગ પ્રચલિત થયેલો.
એક ‘પેની’ વધુ આપીને પ્રેક્ષકો ભૂમિસ્તર પરની પહેલી ગૅલરીમાં જઈ શકતા; ત્યાં પણ ઊભા જ રહેવાનું હતું. ત્રીજી ‘પેની’ આપીને બીજી ગૅલરીમાં જઈ શકાતું. ત્યાં બેઠકો હતી. ગૅલરીઓને છેડે સ્ટેજને અડીને બંને ગૅલરીઓમાં ‘જેન્ટલમૅન્સ રૂમ’ હતા, જેની ફી છ પેન્સ હતી. વળી સ્ટેજ પર પણ બેસવા માટે સ્ટૂલ હતાં જેને માટે 12 પેન્સ આપવા પડતા. અહીં અભિનેતાઓ માટેના દ્વારમાં થઈને આવવાનું રહેતું.
નાટકો અને તે જે થિયેટરમાં ભજવાય તે બંનેનો પરસ્પર કેવો સંબંધ છે તથા બંને એકબીજાં પર કેવી અસર કરે છે તેનું ગ્લોબ થિયેટર ઘણું ઉપયોગી ઉદાહરણ છે. શેક્સપિયરનાં નાટકોમાં ઘણાં ર્દશ્યો હોય છે. એક નાટકમાં તો લગભગ 40 ઉપર ર્દશ્યો છે ! આ બધાં ર્દશ્યો ભજવવામાં પ્રેક્ષકોના મનમાં ગૂંચવાડો ના થાય તે માટે આવો બહુસ્તરીય રંગમંચ આવશ્યક છે. નાટકકારને પણ સ્થળસીમાનું બંધન નહિ. એક ર્દશ્ય એક સ્તર પર ભજવાઈ રહે કે તરત જ બીજા સ્તરના સ્ટેજ પર બીજાં ર્દશ્યોનો આરંભ થાય. આમ, નાટ્યક્રિયાનું સાતત્ય સચવાતાં નાટકના કાવ્યની રસાનુભૂતિને પણ ક્ષતિ ન આવે. નાટકો દિવસ દરમિયાન જ ભજવાતાં અને અંધકાર અભિનયથી જ દર્શાવાતો.
ગોવર્ધન પંચાલ