ગ્લૉબર રૉય જે. (Glauber, Roy J.) (જ. 1 સપ્ટેમ્બર 1925, ન્યૂયૉર્ક, યુ. એસ. એ., અ. 26 ડિસેમ્બર 2018, ન્યૂટન, મેસેચ્યુસેટસ, યુ. એસ. એ.) : અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2005ના નોબેલ પુરસ્કારના વિજેતા. ક્વૉન્ટમ સિદ્ધાંતની પ્રકાશીય (optical) સંબદ્ધતા(coherence)ના ક્ષેત્રે આપેલા મહત્વના ફાળા બદલ જ્હૉન એલ. હૉલ અને થિયૉડૉર હાન્શની ભાગીદારીમાં આ પુરસ્કાર મળ્યો. જોકે ભારતના સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની જ્યૉર્જ સુદર્શનને પણ તે મળવો જોઈતો હતો.
1941માં બ્રૉન્ક્સ હાઈસ્કૂલ ઑવ્ સાયન્સમાંથી સ્નાતક થયા ત્યાર બાદ તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા. તેમના સોફોમર (બીજા) વર્ષ બાદ કાર્ય માટે મૅનહટન પ્રકલ્પમાં ભરતી પામ્યા. ત્યાં લૉસ આલ્મોસ ખાતે તેઓ સૌથી નાની વય(18 વર્ષ)ના વિજ્ઞાની હતા. પરમાણુબૉમ્બના ક્રાંતિક દળ(critical mass)ની ગણતરી કરવાના કાર્ય સાથે તેઓ સંકળાયેલા હતા. 1942માં સ્નાતક અને 1949માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવ્યા પછી બે વર્ષ બાદ તેઓ હાર્વર્ડ પાછા ફર્યા. 1963માં પ્રગટ કરેલા તેમના સંશોધનકાર્યમાં ફોટોપરખ માટે જરૂરી પરિરૂપ(મૉડલ)નું સર્જન કર્યું ને સાથે સાથે લેસરપ્રકાશ અને બલ્બના પ્રકાશ જેવા જુદા જુદા પ્રકારના પ્રકાશ માટેની મૂળભૂત લાક્ષણિકતાઓની સમજૂતી આપી. તેમના સ્થાપિત સિદ્ધાંતોનો ક્વૉન્ટમ પ્રકાશિકીમાં વ્યાપક રીતે ઉપયોગ થાય છે. તાજેતરમાં ક્વૉન્ટમ પ્રકાશિકીનાં કેટલાંક ક્ષેત્રોમાં તેમનું સંશોધન ચાલે છે; ખાસ કરીને, પ્રકાશ અને દ્રવ્ય વચ્ચે ક્વૉન્ટમ વિદ્યુતગતિકીય (electrodynamical) આંતરક્રિયાનો અભ્યાસ. હેડ્રોન સંઘાત(collision)ના વિશ્લેષણ સમેત ઉચ્ચ-ઊર્જાએ સંઘાત-સિદ્ધાંતનાં કેટલાંક પાસાંઓ ઉપર તેમનું સંશોધનકાર્ય ચાલુ જ છે. વળી ઉચ્ચ-ઊર્જા પ્રક્રિયાઓ દરમિયાન પેદા થતા કણોના સાંખ્યિકીય સહસંબંધ (statistical correlation) ઉપર પણ તેમનું કામ ચાલે છે.
બોઝ-આઇન્સ્ટાઇન સંઘનન(condensation)ની નજીક બોઝોનિક પરમાણુઓનો સહસંબંધ અને સંબદ્ધતા; ફર્મિયૉન સાંખ્યિકી સાથે બીજગણિતીય પદ્ધતિઓનો ઉપયોગ; પકડાયેલા (trapped) આયનો સાથે પ્રકાશની આંતરક્રિયાઓ અને પકડાયેલ તરંગ-પૅકેટ(wave packet)ની ક્વૉન્ટમ યાંત્રિકીય વર્તણૂક – એ તેમના અભ્યાસનાં ખાસ ક્ષેત્રો છે.
એ. એ. માઇકલ્સન મેડલ (1985), મૅક્સ બૉર્ન ઍવૉર્ડ (1985), અમેરિકન ફિઝિકલ સોસાયટીનું ડેની હીનમાન પ્રાઇઝ તથા સ્પેનના મૅડ્રિડમાં યોજાયેલા ધાર્મિક શિષ્ટાચાર વિધિનો ‘Medalla de Oro del CSIC’ તેમને અર્પણ કરવામાં આવેલ છે.
હાલમાં તેઓ આર્લિંગ્ટન(મૅસેચૂસેટ્સ)માં રહે છે અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં મેલિન્ક્રોટ પ્રોફેસર ઑવ્ ફિઝિક્સ તરીકે સેવાઓ આપે છે.
પ્રહલાદ છ. પટેલ