ગ્લુકોઝ-રુધિરસપાટી : લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ દર્શાવતી સ્થિતિ. માનવશરીરમાં ગ્લુકોઝ એક મહત્વનું શક્તિદાયક ચયાપચયી દહનશીલ દ્રવ્ય (metabolic fuel) છે. જુદા જુદા સમયે ખોરાકની માત્રા અને ઘટકો જુદા જુદા હોય છે, તેમજ જુદા જુદા સમયે શરીરની શક્તિ માટેની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. તેને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ બદલાતું રહે છે. લોહીમાંના ગ્લુકોઝના પ્રમાણનો ગાળો નાનો રાખવામાં આવેલો છે અને તેને માટે વિવિધ અંત:સ્રાવોની મદદ લેવામાં આવે છે.
ગ્લુકોઝની રુધિરસપાટીનું સામાન્ય અથવા અવિષમ (normal) પ્રમાણ નિશ્ચિત કરવું અઘરું છે. કેમ કે તેના પર વ્યક્તિની જાતિ (sex), ખોરાકનાં પ્રમાણ અને પ્રકાર, તેના અંત:સ્રાવોનું પ્રમાણ અને તેમની કાર્યશીલતા તથા તેના શ્રમનાં પ્રકાર અને પ્રમાણ વગેરે અનેક પરિબળો અસર કરે છે. સામાન્ય રીતે લોહીના પ્લાઝ્મામાં 60થી 100 મિગ્રા./ડે.લિ. અથવા 60થી 100 % મિગ્રા.ના ગાળામાં ગ્લુકોઝનું પ્રમાણ રહે છે. લોહીના પ્લાઝમામાં જોવા મળતું ગ્લુકોઝનું પ્રમાણ સમગ્ર લોહીમાંના ગ્લુકોઝના પ્રમાણ કરતાં 10 % વધુ હોય છે. ખોરાક ન લેવાયો હોય ત્યારે 3થી 4 કલાકમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે અને સામાન્ય આહાર પછી તે થોડા સમયમાં 90 %થી 100 % મિગ્રા.ના સ્તરે આવે છે. જે બીજા આહાર સુધી જળવાઈ રહે તે માટે શરીરમાંનાં આંતરિક ચેતા અંત:સ્રાવી (neuro-endocrine) પરિબળો કાર્યરત રહે છે.
સામાન્ય આહાર પછી જઠર અને આંતરડામાં કાર્બોહાઇડ્રેટ્સમાંની બહુશર્કરા(polysaccharides)નું પચન થાય છે, જેનું એકશર્કરા(monosaccharide)માં રૂપાંતર થાય છે. મૉનોસેકેરાઇડને સાદી શર્કરા (simple sugar) પણ કહે છે. ખોરાકમાંથી ઉત્પન્ન થતી મૉનોસેકેરાઇડ્ઝ 80 % ગ્લુકોઝ, 15 % ફ્રુકટોઝ અને 5 % ગેલેક્ટોઝના રૂપે જોવા મળે છે. નિવાહિકાતંત્ર (portal system) દ્વારા તે યકૃત(liver)માં પહોંચે છે જ્યાં 50 % મૉનોસેકેરાઇડ્ઝનું ગ્લાયકોજનમાં રૂપાંતરણ થાય છે. ત્યાં તે તે જ સ્વરૂપે સંગૃહીત થાય છે. 50 % મૉનોસેકેરાઇડ્ઝ (ગ્લુકોઝ) લોહીમાં પરિભ્રમણ કરે છે અને તેનો ઉપયોગ શરીરના કોષો શક્તિદાયક દ્રવ્ય તરીકે કરે છે. થોડા પ્રમાણમાં સ્નાયુકોષો પણ ગ્લુકોઝને ગ્લાયકોજનમાં રૂપાંતરિત કરીને સંગ્રહે છે. આહાર લીધા પછી સૌપ્રથમ લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે; પરંતુ તે 3થી 4 કલાકમાં સામાન્ય સ્તરે આવે છે. જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ ઘટે છે ત્યારે શરીરના કોષો ફ્રી ફૅટી ઍસિડ (ચરબીના એકમો) તથા ઍમિનોઍસિડ(પ્રોટીનના એકમો)નો શક્તિ મેળવવા માટે ઉપયોગ કરે છે. મગજ ફક્ત ગ્લુકોઝનો જ ઉપયોગ કરી શકે છે માટે યકૃતમાંના ગ્લુકોજનનું સતત વિઘટન કરીને લોહીમાં ગ્લુકોઝની સપાટી જાળવી રખાય છે. જો લોહીમાં ગ્લુકોઝની સપાટી ઘટે તો તેને ગ્લુકોઝઅલ્પતા (hypoglycaemia) કહે છે અને તે મગજની ક્રિયાશીલતાને અવળી અસર કરે છે. યકૃતમાં ગ્લાયકોજન બનવાની ક્રિયાને ગ્લાયકોજન-જનન કહે છે. જ્યારે તેના વિઘટનને ગ્લાયકોજન-લયન (glycogenolysis) કહે છે. ગ્લુકોઝને ફરીથી બનાવવાની પ્રક્રિયાને નવીન-ગ્લુકોઝજનન (neoglycogenesis) કહે છે. ગ્લાયકોજન-લયન અને ગ્લુકોઝ-નવીનજનન વડે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટતું હોય તો તે અટકાવાય છે. જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે ત્યારે ગ્લુકોકૉર્ટિકોઇડ્ઝ, કેટેકોલએમાઇન્સ, ગ્લાયકોજન, વૃદ્ધિકારક અંત:સ્રાવ વગેરે વિવિધ અંત:સ્રાવો લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારીને તેની સામાન્ય સપાટી જાળવી રાખે છે. આ અંત:સ્રાવો જુદી જુદી પ્રક્રિયા દ્વારા તેમનું કાર્ય કરે છે.
ગ્લુકોઝની સપાટી વધે ત્યારે તેને ગ્લુકોઝ-અધિકતા (hyperglycaemia) કહે છે, જ્યારે નસ વાટે ગ્લુકોઝ આપવામાં આવે, ઉપર જણાવેલ અંત:સ્રાવોની વિષમતા થાય અથવા ઇન્સ્યૂલિન નામના અંત:સ્રાવની ખરેખરી કે સાપેક્ષ ઊણપ ઉદભવે ત્યારે લોહીમાં ગ્લુકોઝની સપાટી વધે છે. ઇન્સ્યૂલિનના વિકારથી ઉદભવતી ગ્લુકોઝ- અધિકતાની સ્થિતિને મધુપ્રમેહ (diabetes mellitus) નામના રોગ તરીકે ઓળખવામાં આવે છે.
લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે ત્યારે વિવિધ અવયવોમાં તેની ઊણપ ઉદભવે છે; પરંતુ તેની સૌથી વધુ અસર મગજની ક્રિયાશીલતા પર જોવા મળે છે. વળી, તેની લાંબા ગાળાની ઊણપને કારણે મેદના એકમો(ફ્રી ફૅટી ઍસિડ)નું દહન થાય છે અને તેથી કીટોનદ્રવ્યો ઉદભવે છે જે જોખમી ચયાપચયી વિકાર કરે છે. મગજ તેની ઊર્જાના સ્રોત તરીકે મુખ્યત્વે ગ્લુકોઝનો ઉપયોગ કરે છે. તે ફ્રી ફૅટી ઍસિડ તથા કીટોનદ્રવ્યોમાંથી શક્તિ મેળવી શકે છે; પરંતુ તે પ્રક્રિયા ઘણી ધીમી છે અને તેથી જેવી ગ્લુકોઝ-અલ્પતા ઉદભવે કે તરત જ યકૃતમાંથી ગ્લુકોઝનો પુરવઠો મુક્ત કરવો જરૂરી બને છે. આ સમયે સુરક્ષાપ્રક્રિયાના ભાગ રૂપે શરીરના અન્ય અવયવો ગ્લુકોઝનો ઉપયોગ ઘટાડે છે. શરીરમાં ઉદભવતા આ પ્રકારના પ્રતિભાવનું અંત:સ્રાવો વડે નિયમન કરાય છે. જ્યારે આ પ્રકારની પરિસ્થિતિને અનુરૂપ થવાની પ્રક્રિયા નિષ્ફળ જાય અથવા તે અપૂરતી થઈ પડે ત્યારે ગ્લુકોઝ-અલ્પતાનો વિકાર ઉદભવે છે.
લોહીમાંના ગ્લુકોઝનું પ્રમાણ જ્યારે ઝડપથી 50 મિગ્રા. કે તેથી ઓછું થઈ જાય ત્યારે ગ્લુકોઝ-અલ્પતાની સ્થિતિ ઉદભવી છે એમ કહેવાય છે. તેને સૌપ્રથમ 1922માં વર્ણવવામાં આવી હતી. ઇન્સ્યૂલિન તથા ડાયાબિટીસને કાબૂમાં લેવા માટે વપરાતી ગોળીઓની શોધ થયા પછી આ દવાઓની એક મહત્વની આડઅસર તરીકે ગ્લુકોઝ-અલ્પતા થતી ઘણી વખત જોવા મળી છે. તેનાં લક્ષણો અને ચિહનોને બે જૂથમાં વર્ગીકૃત કરાય છે. એક પ્રકાર છે : એપિનેફ્રિન(એડ્રિનલીન)ના અતિસ્રાવથી ઉદભવતાં લક્ષણો અને બીજો પ્રકાર છે મગજ અને કેન્દ્રીય ચેતાતંત્રની ક્રિયાશીલતામાં ઘટાડો થવાથી ઉદભવતાં લક્ષણો. એપિનેફ્રિન અથવા અનુકંપી ચેતાતંત્ર(sympathetic nervous system)ના વિકારોને કારણે અંધારાં આવવાં, અશક્તિ, ફીકાશ, ધ્રુજારી, ચિન્તા (anxiety), ઉશ્કેરાટ, ભૂખ, છાતીમાં ધબકારા, હૃદયના વધેલા ધબકારા, પરસેવો વગેરે થાય છે. કેન્દ્રીય ચેતાતંત્રીય વિકારોને કારણે ઝાંખું દેખાવું, બે-બે આકૃતિઓ દેખાવી, થાક, માથાનો દુખાવો, એકાગ્રતાની ખામી, વિસ્મૃતિ, માનસિક ગૂંચવણ, વર્તનમાં ખામી, સ્નાયુઓના ચલનમાં અસંગતતા, સંવેદિતામાં ઘટાડો, લકવો, ખેંચ (આંચકી), બેભાનઅવસ્થા અને ક્યારેક મૃત્યુ. શરૂઆતમાં અનુકંપી ચેતાતંત્રીય વિકારો થાય છે; પરંતુ પાછળથી કેન્દ્રીય ચેતાતંત્રીય વિકારો ઉદભવે છે.
ખોરાક લીધા પછી પ્રતિક્રિયા રૂપે, ઉપવાસ દરમિયાન, ઉપર જણાવેલી દવાને કારણે તથા મદ્યપાનને કારણે ગ્લુકોઝ-અલ્પતા થતી જોવા મળે છે. તેના નિદાન માટે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ, ઇન્સ્યૂલિનનું પ્રમાણ, પ્રો-ઇન્સ્યૂલિનનું પ્રમાણ, ગ્લુકોઝ/ઇન્સ્યૂલિનનું ગુણોત્તર પ્રમાણ, ઇન્સ્યૂલિન-ઍન્ટિબૉડી, સી-પેપ્ટાઇડ વગેરે વિવિધ કસોટીઓ કરવામાં આવે છે.
ગ્લુકોઝ-અલ્પતા કરતા વિકાર પ્રમાણે તેની સારવાર કરાય છે. બેભાન દર્દીને નસ વાટે 25 %થી 50 % ગ્લુકોઝનું દ્રાવણ (50થી 100 મિલિ.) અપાય છે. કેટલાક દર્દીઓમાં ગ્લુકેગોનનું ઇન્જેક્શન અપાય છે. જેમને આહારજન્ય પ્રતિક્રિયા (reactive) રૂપે ગ્લુકોઝ-અલ્પતા થતી હોય તેમને તેમના આહારની પદ્ધતિમાં સુધારો સૂચવવામાં આવે છે અને તેઓને વારંવાર થોડા થોડા પ્રમાણમાં ખોરાક લેવાનું કહેવામાં આવે છે. જરૂર પડ્યે ઍન્ટિકોલિનર્જિક દવાઓ વડે જઠરનું ચલન ઘટાડવામાં આવે છે. કેટલીક અંત:સ્રાવી અને મૃદુપેશીમાં ઉદભવતી સૌમ્ય અને કૅન્સરની ગાંઠો પણ ગ્લુકોઝ-અલ્પતા કરે છે. તેમનું નિદાન કરીને તેમની સારવાર કરવી આવશ્યક ગણાય છે.
બંકિમ માંકડ
અનુ. શિલીન નં. શુક્લ