ગ્લુકોઝ : મૉનોસેકેરાઇડ વર્ગના હૅક્સોઝ વિભાગની સામાન્ય શર્કરા. તે દ્રાક્ષ શર્કરા, ડેક્સટ્રોઝ, કૉર્ન શર્કરા, D-ગ્લુકોઝ, D-ગ્લુકોપાયરેનોઝ વગેરે નામે પણ ઓળખાય છે. લગભગ બધી જ ઉચ્ચ વનસ્પતિઓમાં ગ્લુકોઝ રહેલું હોય છે. રક્તમાં 0.08 % ગ્લુકોઝ હોય છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, સુક્રોઝ (ખાંડ) તેમજ અનેક ગ્લાયકોસાઇડમાં તે એક ઘટક તરીકે હોય છે. આવા પદાર્થોના ઍસિડ યા આલ્કલી- જળવિભાજનથી તે મળે છે. આ રીતે મેળવેલ ગ્લુકોઝ કૅન્ડી, મીઠાઈ તથા ખાદ્ય ઉદ્યોગમાં, દારૂ ઉદ્યોગમાં તેમજ ફળોને ડબ્બાબંધ (canning) કરવાની પ્રક્રિયા વખતે ઉમેરાય છે. D-ફ્રુકટોઝ સાથે તે દ્રાક્ષ, અંજીર તથા બીજાં ફળોમાં તેમજ મધમાં હોય છે. મધુપ્રમેહના દર્દીઓના પેશાબમાં 3 %થી 5 % ગ્લુકોઝ હોય છે. બધા હૅક્સોઝની માફક તે જુદા જુદા સ્વરૂપમાં હોય છે.
આલ્ડિહાઇડ તરીકે તે માત્ર દ્રાવણમાં જ રહી શકે છે. HOCH2 – CH(OH) – CH(OH) • CH(OH) – CH(OH) – CHO. આલ્ડિહાઇડ સ્વરૂપનાં ઘણાં સ્થાયી વ્યુત્પન્નો જાણીતાં છે. D-ગ્લુકોઝના પ્રકાશીય પ્રતિવિન્યાસ(optical antipode)માં પ્રત્યેક H તથા OH સમૂહના સ્થાનને આધારે બીજો ઘટક L-ગ્લુકોઝ છે.
(i) α – તથા β – ગ્લુકોપાયરેનોઝ સ્વરૂપ : આ સૂત્રમાં
કાર્બન–1 અસમ બિંદુ છે જેથી ગ્લુકોઝનાં બે સ્વરૂપો સંભવી શકે. તેનો આધાર સમતળ અણુમાં OH સમૂહ નીચે લખેલો (α) કે ઉપર લખેલો (β) છે તે ઉપર અવલંબે છે. આ બંને સ્વરૂપો જળવિહીન અથવા સ્ફટિક (મૉનોહાઇડ્રેટ) સ્વરૂપે મળે છે.
(ii) α – તથા β – ગ્લુકોફ્યુરાનોઝ સ્વરૂપ : તે અસ્થાયી સ્વરૂપ છે અને માત્ર દ્રાવણમાં જ આ સ્વરૂપો જાણીતાં છે.
સામાન્ય ગ્લુકોઝ α – ગ્લુકોપાયરેનોઝ મૉનોહાઇડ્રેટ છે. તેનું ગ.બિં. 80° સે. તથા [α]D + 113.4° છે. દ્રાવણમાં β – સ્વરૂપ સાથેના તેના મિશ્રણનું ભ્રમણ [α]D20 +52.5 છે. નિર્જળ ગ્લુકોઝનું ગ. બિં. 146° સે. હોય છે. તેના β – સ્વરૂપનું ભ્રમણ [α]D +19° તથા ગ. બિં.148થી 150° સે. છે. આ ભ્રમણનું મૂલ્ય ફેરવાઈને છેવટે સ્થાયી મૂલ્ય + 52.5° થાય છે. [આ ભ્રમણ પરિવર્તન થઈ સ્થાયી સ્વરૂપમાં ફેરવવાની ક્રિયા પરિવર્તી ઘૂર્ણન (mutarotation) કહેવાય છે.]
ગ્લુકોઝ સામાન્ય આલ્ડોઝની બધી પ્રક્રિયાઓ દર્શાવે છે. બ્રોમીન સાથે ઉપચયન દ્વારા તે D-ગ્લુકોનિક ઍસિડ HOCH2 • (CHOH)4 • COOH, તથા નાઇટ્રિક ઍસિડ સાથે D-સેકેરિક ઍસિડ HOOC • (CHOH)4 • COOH આપે છે. સોડિયમ એમાલ્ગમ (amalgam) કે બોરોહાઇડ્રાઇડથી ગ્લુકોઝનું અપચયન થતાં સોર્બિટોલ HOCH2 • (CHOH)4 • CH2OH બને છે.
પ્રાણીઓના પોષણમાં તે મુખ્ય ચયાપચયી-દ્રવ્ય (metabolite) છે. સ્નાયુઓ તેનો ઉપયોગ કરે છે. પ્રાણીઓના (માનવસહિત) શરીર માટે જરૂરી ઊર્જાના 50 % ગ્લુકોઝમાંથી મેળવી શકાય છે. ગ્લુકોઝ નાના આંતરડા દ્વારા શોષાઈને લોહીમાં ભળે છે તથા નિવાહિકા શિરા (portal vein) દ્વારા યકૃતમાં પ્રવેશે છે. તેનો અમુક હિસ્સો ગ્લાયકોજન તરીકે યકૃતમાં સંઘરાય છે તથા બાકીનો પરિભ્રમણ પ્રણાલી(circulatory system)માં પ્રવેશે છે.
સી. એફ. કોરી તથા જી. ટી. કોરી દ્વારા દર્શાવાયેલું ગ્લુકોઝચક્ર નીચે સંક્ષેપમાં બતાવ્યું છે :
યીસ્ટની મદદથી ગ્લુકોઝનું આથવણ કરીને ઇથાઇલ આલ્કોહૉલ મેળવી શકાય છે.
જ. પો. ત્રિવેદી