ગ્લુકેગોન : લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારતા સ્વાદુપિંડ(pancreas)ના આલ્ફા કોષો દ્વારા ઉત્પાદિત અંત:સ્રાવ. તેથી તેને ગ્લુકોઝવર્ધક (glucagon) અંત:સ્રાવ કહે છે. 1923માં માર્ટિન અને તેના સાથીદારોએ સ્વાદુપિંડના અર્ક(extract)ની ગ્લુકોઝના લોહીના પ્રમાણ પરની અસર નોંધી અને તેને ‘ગ્લુકેગોન’ નામ આપ્યું. ત્યારબાદ 50 વર્ષ સુધી તેના મહત્વ કે નિયમન અંગે કોઈ વિશેષ અભ્યાસ થયા નહિ. વિકિરણીયપ્રતિરક્ષાલક્ષી આમાપન(radio-immuno assay, RIA)ની પદ્ધતિ વિકસી ત્યારબાદ તેના વિશે વિપુલ માહિતી ઉપલબ્ધ થઈ છે.
સ્વાદુપિંડ પેટની પાછળની દીવાલના મધ્યભાગમાં આવેલો અવયવ છે. તેમાં લૅંગરહેન્સના કોષદ્વીપો (islets of Langerhans) આવેલા છે. આ કોષદ્વીપો સ્વાદુપિંડમાં આવેલા અંત:સ્રાવી (endocrine) કોષોના સૂક્ષ્મસમૂહો છે. તેમાં આલ્ફા તથા બીટા કોષો આવેલા છે. બીટા કોષો ઇન્સ્યૂલિનનું ઉત્પાદન કરે છે જ્યારે આલ્ફા કોષો ગ્લુકેગોનનું ઉત્પાદન કરે છે. બંને અંત:સ્રાવોની દેહધાર્મિક (physiological) અસરો એકબીજાથી વિપરીત છે. ઇન્સ્યૂલિન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે જ્યારે ગ્લુકેગોન લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે.
ગ્લુકેગોન 29 એમીનો ઍસિડની બનેલી એક શૃંખલા(strand)વાળું બંધારણ ધરાવે છે. તેનો આણ્વિકભાર (molecular weight) 3845 છે. જઠરાંત્રમાર્ગમાં પણ ખૂબ થોડા પ્રમાણમાં ગ્લુકેગોનનું ઉત્પાદન થાય છે. તેને આંત્રીય ગ્લુકોઝવર્ધક(entero-glucagon) અંત:સ્રાવ કહે છે. લોહીમાં પ્રવેશ્યા પછી ગ્લુકેગોનને થોડાક સમયમાં મુખ્યત્વે યકૃત દ્વારા અને થોડે અંશે મૂત્રપિંડ દ્વારા લોહીમાંથી દૂર કરાય છે, તેનું વિઘટન કરાય છે તેથી તેનો અર્ધક્રિયાકાળ (half-life) 10 મિનિટનો જ છે.
શરીરના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવાના હેતુથી કાર્યરત પોષણલક્ષી, સ્વાયત્ત ચેતાતંત્રીય તથા અંત:સ્રાવી પરિબળો ગ્લુકેગોનના રુધિરપ્રમાણનું નિયમન કરે છે. ખોરાકમાંના કાર્બોહાઇડ્રેટ વડે તેના ઉત્પાદન અને સ્રાવનું અવદાબન થાય છે અને તેથી લોહીમાં ગ્લુકેગોનનું પ્રમાણ ઘટે છે. તેનાથી વિપરીત રીતે ખોરાકમાંનાં પ્રોટીનદ્રવ્યો લોહીમાં તેનું પ્રમાણ વધારે છે. ચરબીના લાંબી શૃંખલાવાળા સ્નેહામ્લો અથવા ફૅટી ઍસિડ પણ તેનું પ્રમાણ વધારે છે એવી નોંધ ઉપલબ્ધ છે; પરંતુ ચરબીના ચયાપચય અને ગ્લુકેગોન વચ્ચેના આંતર-સંબંધો અંગેની માહિતી હજી પરિપૂર્ણ મળતી નથી. એપિનેફ્રિન (એડ્રિનાલિન) તેનો સ્રાવ વધારે છે. પરાનુકંપી (parasympathetic) ચેતાતંત્રની ગ્લુકેગોનના લોહીમાંની સપાટી પરની અસર વિશે પૂરતી માહિતી નથી. વૃદ્ધિકારક (growth) અંત:સ્રાવ તથા કૉર્ટિકોસ્ટીરૉઇડ ગ્લુકોઝના ચયાપચય દ્વારા તેનું નિયમન કરે છે; પરંતુ સોમેટોસ્ટેટિન નામનો અંત:સ્રાવ ઇન્સ્યૂલિન અને ગ્લુકેગોનની રુધિરસપાટી ઘટાડે છે. ઉપવાસ, ભૂખમરો તથા કસરત કરવાથી પણ ગ્લુકેગોનનું પ્રમાણ વધે છે.
માણસમાં ગ્લુકેગોનની દેહધાર્મિક અને ચયાપચયી અસરોની જાણકારી મેળવાયેલી છે. ભૂખ્યા પેટે, જમ્યા પછી કે ઇન્સ્યૂલિનની ઊણપ સમયે તેની વિવિધ અસરો જોવા મળેલી છે. ઇન્સ્યૂલિન અને ગ્લુકેગોનની યકૃતમાંની અસરો એકબીજાથી વિરુદ્ધ પ્રકારની છે. ગ્લુકેગોન યકૃતમાંના ગ્લાયકોજનનું વિઘટન કરાવે છે, ગ્લાયકોજનનું ઉત્પાદન (સંશ્લેષણ) ઘટાડે છે અને અન્ય દ્રવ્યોના એકમોને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરાવે છે. ગ્લાયકોજનના વિઘટનને ગ્લાયકોજન-લયન (glycogenolysis) કહે છે અને તેથી યકૃતમાં સંગ્રહાયેલું ગ્લાયકોજન વિઘટિત થઈને ગ્લુકોઝનું ઉત્પાદન વધારે છે. ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનવાની ક્રિયાને ગ્લાયકોજન-જનન (glycogenosis) કહે છે. આ પ્રક્રિયાને ઘટાડવાથી ગ્લુકોઝનું પ્રમાણ ઘટતું અટકે છે. જરૂર પડ્યે અન્ય દ્રવ્યોમાંથી ગ્લુકોઝનું સંશ્લેષણ (synthesis) કરવાથી ગ્લુકોઝના નવા અણુઓ બને છે. તેને નવીન-ગ્લુકોઝજનન (neoglucogenesis) કહે છે. આ ત્રણેય પ્રક્રિયાઓ વડે ગ્લુકેગોન ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. પ્રોટીનના સંશ્લેષણ કે વિઘટનમાં ગ્લુકેગોન કાર્યરત છે કે નહિ તે નિશ્ચિત નથી. તે મેદના ચયાપચયમાં કીટોજનન (ketogenesis) કરાવે છે તથા અતિ-અલ્પ ઘનતાવાળા મેદપ્રોટીન(very low density lipoprotein, VLDL)નું પ્રમાણ પણ ઘટાડે છે.
મધુપ્રમેહનાં દર્દીમાં આલ્ફાકોષોમાં પણ વિકાર ઉદભવેલો હોય છે. તેને કારણે બંને પ્રકારના મધુપ્રમેહમાં લોહીના ગ્લુકોઝની સપાટીમાં સંપૂર્ણ (absolute) કે સાપેક્ષ (relative) રીતે થતો વધારો જોવા મળે છે. જોકે મધુપ્રમેહમાં આલ્ફાકોષો કે ગ્લુકેગોનનો કોઈ પ્રાથમિક ધોરણે વિકાર હોય છે એવું દર્શાવાયું નથી અને તેવી જ રીતે ગ્લુકેગોનના અવદાબન(suppression)થી મધુપ્રમેહને નિયંત્રિત કરી શકાય કે કેમ તે પણ નિશ્ચિત થયેલું નથી. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘણું ઘટી જાય ત્યારે ગ્લુકેગોનનું ઇન્જેક્શન આપવાથી સફળ સારવાર કરી શકાય છે.
બંકિમ માંકડ
અનુ. શિલીન નં. શુક્લ