ગ્લાયૉક્સિઝોમ : તેલીબિયામાં તૈલી પદાર્થનો સંચય હોય તેવા કોષોમાં બીજાંકુરણ વેળાએ જોવા મળતા ખાસ પ્રકારના પૅરૉક્સિઝોમ અથવા ‘સૂક્ષ્મપિંડો’ (microbodies). વિકસતા અંકુરને યોગ્ય પોષક પદાર્થો બીજના તેલમાંથી મેળવી આપવામાં ગ્લાયૉક્સિઝોમ અગત્યનો ભાગ ભજવે છે.
વનસ્પતિકોષોમાં જોવા મળતાં અન્ય પૅરૉક્સિઝોમની જેમ ગ્લાયૉક્સિઝોમ રસપડના એક આવરણવાળી સામાન્યત: આશરે 1.5થી 2.5 μm વ્યાસના ગોળ, લંબગોળ કે અન્ય આકારની અંગિકા છે. એક જ કોષમાં તેમનાં કદ અને આકારમાં વિવિધતા જોવા મળે છે. તેમની વિશેષતા તેમની ઉત્સેચક મેળવણીમાં છે. તેમના લાક્ષણિક ઉત્સેચકોમાં કૅટાલેઝ (અથવા પૅરૉક્સિડેઝ) ઉત્સેચક, ફૅટી ઍસિડનું બીટા-ઑક્સિડેશન કરાવનારા ઉત્સેચક તેમજ ગ્લાયૉક્સિલેટ ચક્રના ઉત્સેચકોનો સમાવેશ થાય છે. ગ્લાયૉક્સિલેટ-ચક્રના કુલ પાંચમાંથી આઇસોસિટ્રેટ લાયેઝ અને મૅલેટ સિન્થેટેઝ એ બે ઉત્સેચક આ ચક્રની વિશેષતા છે. બાકીના ત્રણ ઉત્સેચક કણાભસૂત્ર(mitochondrion)-માં ક્રેબ્ઝ પ્રક્રિયાચક્રમાં પણ હોય છે.
ગ્લાયૉક્સિઝોમનું મુખ્ય કાર્ય લિપિડમાંથી સક્સિનેટ બનાવવાનું છે. આ અંગિકા મોટે ભાગે લિપિડકણોના સાન્નિધ્યમાં જોવામાં આવે છે. ફૅટી ઍસિડનું બીટા-ઑક્સિડેશન ગ્લાયૉક્સિઝોમમાં થાય છે ત્યારે એસિટાઇલ-કોએ ઉત્પન્ન થાય છે. એસિટાઇલ-કોએ(Acetyl CoA)ના ઉપયોગથી ગ્લાયૉક્સિલેટ ચક્ર દ્વારા સક્સિનેટ બને છે. તે પછી કણાભસૂત્રના અને કોષરસના ઉત્સેચકો મળીને સક્સિનેટ પર ક્રમબદ્ધ પ્રક્રિયાઓ કરે છે. તેનો પરિપાક ગ્લુકોઝના નવનિર્માણ (gluconeogenesis) રૂપે થાય છે. ગ્લુકોઝમાંથી સુક્રોઝ બને છે. બીજાંકુરણ દરમિયાન બીજમાં તેલસંગ્રહનો ક્ષય થાય છે. તેની સાથોસાથ શર્કરાઓમાં વૃદ્ધિ થાય છે. શર્કરા દ્રવ્ય હોવાથી બીજની સંગ્રહપેશીમાંથી અંકુરમાં પોષણની જરૂર હોય ત્યાં તેનું વહન થતું રહે છે. વનસ્પતિ ચરબી(lipids)નું વહન કરી શકતી નથી; માટે ચરબીનું ગ્લુકોઝ/સુક્રોઝ વગેરેમાં રૂપાન્તર કરવું આવશ્યક બને છે. તેલીબિયામાં ગ્લાયૉક્સિઝોમ આ પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે.
ફૅટી ઍસિડનું બીટા-ઑક્સિડેશન થાય છે ત્યારે હાઇડ્રોજન પૅરોક્સાઇડની આડપેદાશ થાય છે. આ પદાર્થ ઝેરી હોય છે; પરંતુ તેનું વિઘટન ગ્લાયૉક્સિઝોમના આવરણની અંદર થઈ જાય છે તેથી કોષને હાનિ થતી નથી.
દિવેલા જેવા બીજમાં લિપિડસંગ્રહ ભ્રૂણપોષ(endosperm)ની પેશીમાં થાય છે. દિવેલાના બીજમાં અંકુરણ વખતે ગ્લાયૉક્સિઝોમ તેમજ તેમના ઉત્સેચકો ઝડપથી બને છે. પાંચેક દિવસ બાદ ગ્લાયૉક્સિઝોમનું કાર્ય ધીમું પડે છે. આવા બીજમાં બીજાંકુરણ દરમિયાન ભ્રૂણપોષ ક્રમશ: ક્ષીણ થઈને સુકાઈ જાય છે. ત્યાં સુધીમાં બીજપત્ર લીલાં થયાં હોવાથી, છોડ આત્મનિર્ભર થયો હોય છે.
કપાસ, કાકડી, સૂર્યમુખી વગેરે ઊગે ત્યારે લિપિડસંગ્રહ બીજદળ(cotyledon)માં હોય છે. ફળ પાકતું હોય ત્યારે પણ તેમના બીજમાં ગ્લાયૉક્સિઝોમના કેટલાક લાક્ષણિક ઉત્સેચકો જોવા મળે છે. તે પરથી બીજાંકુરણની સાવ શરૂઆતમાં દેખાતા નાના ગ્લાયૉક્સિઝોમ બીજ પાકે તે વખતે બને છે એમ માનવામાં આવે છે. બીજાંકુરણ દરમિયાન પહેલા (ચાર-પાંચ દિવસ) બધા જ ગ્લાયૉક્સિઝોમ ઉત્સેચકોમાં નોંધપાત્ર વધારો થાય છે અને ગ્લાયૉક્સિઝોમ કણોના કદમાં પણ વધારો થાય છે. બીજદળ જમીનમાંથી બહાર આવી લીલો રંગ ધારણ કરવા લાગે તે પછી ગ્લાયૉક્સિલેટ-ચક્રના ઉત્સેચકો ઓછા થવા લાગે છે, પ્રકાશ-શ્વસન (photorespiration) સાથે સંકળાયેલા ઉત્સેચકો દેખાવા લાગે છે અને ગ્લાયૉક્સિલેટ-ચક્રના ઉત્સેચકો ઓછા થવા લાગે છે. લીલો રંગ થયા પછી પણ બીજદળના કોષોમાં સૂક્ષ્મપિંડ મોટી સંખ્યામાં હોય છે. પણ તેમની ઉત્સેચક મેળવણીમાં ક્રમશ: પરિવર્તન થવાથી તે ગ્લાયૉક્સિઝોમને બદલે પૅરૉક્સિઝોમ તરીકે કામ કરતા થઈ જાય છે.
વનસ્પતિ ઉપરાંત યીસ્ટ વગેરે ફૂગોમાં, લીલ(algae)માં અને પ્રજીવો(protozoa)માં મૅલેટ સિન્થેટેઝ અને આઇસોસિટ્રેટ લાયેઝ ઉત્સેચકોવાળા કોષકણ જોવામાં આવ્યા છે.
ભારતી દેશપાંડે