ગ્લાયકોસાઇડ : શર્કરા [સુક્રોઝ, (પાયરેનોસાઇડ), ફ્રુક્ટોઝ, રૅમ્નોઝ, કે અન્ય પૅન્ટોઝ]માંના હેમિઍસેટલ હાઇડ્રૉક્સિલ સમૂહના Hનું આલ્કાઇલ, એરાઇલ કે અન્ય વિષમચક્રીય બિનશર્કરા (aglycon) સમૂહ વડે વિસ્થાપન પામેલાં કાર્બોહાઇડ્રેટ વ્યુત્પનોનો એક વર્ગ. તેમનું સામાન્ય સૂત્ર નીચે પ્રમાણે લખી શકાય :

        આમાં R = H અને X = –CH2OH;

        હૅક્સોઝ શર્કરા

        R = H અને X = H; પૅન્ટોઝ શર્કરા

        R = આલ્કાઇલ અથવા ઍરાઇલ સમૂહ;

        ગ્લાયકોસાઇડ

C–1, C–2, C–3, C–4, C–5 અસમમિત C પરમાણુઓ છે. તેઓ C–1 કાર્બન પરમાણુની વિશિષ્ટ સંરચનાને લીધે α – અને β – ઍનોમર વિન્યાસ (configuration) ધરાવે છે, જેમાં α – વિન્યાસ β – કરતાં વધુ દક્ષિણાવર્તી ઘૂર્ણન (dextro-rotation) બતાવે છે. તે ફિશર કે કોનિગ્સ-નૉરની પદ્ધતિથી બનાવી શકાય છે. તે આલ્કેલાઇન પરિસ્થિતિમાં સ્થાયી હોય છે. પણ ઉત્સેચકો કે ઍસિડ વડે તેમનું જળવિભાજન થતાં શર્કરા અને ઍગ્લાયકોન મળે છે, જેમાં પાંચ કે સાત પરમાણુયુક્ત ચક્રીય શર્કરાવાળાં ગ્લાયકોસાઇડનું જળવિભાજન વધુ સહેલાઈથી થાય છે. સાદામાં સાદો ગ્લુકોસાઇડ મિથાઇલ ગ્લુકોસાઇડ (C6H11O6CH3) છે.

કેટલાક ગ્લાયકોસાઇડ અને કેટલાક ઍગ્લાયકોન ઔષધીય ગુણો ધરાવે છે (જુઓ ગ્લાયકોસાઇડ ઔષધો), જ્યારે કેટલાક પ્રાકૃતિક વર્ણકો (natural pigments), રંગકો (dyes) (ઇન્ડિકન, મૅડર), વિષરૂપ અને ઍરોમૅટિક પદાર્થો છે. ગ્લુકોવેનિલિનમાંથી વેનિલિન મળે છે. કેટલાંક હૃદયબલ્ય (cardiotonic), સેરિબ્રોસાઇડ અને ગૅંગ્લિઓસાઇડ દ્રવ્યો ગ્લાયકોસાઇડ છે. ગ્લાયકોસાઇડમાંનો (શર્કરા) જલઆકર્ષક (hydrophylic) ભાગ જલઅનાકર્ષક (hydrophobic) ઍગ્લાયકોનને દ્રાવ્ય બનાવવામાં તથા શરીરના જે ભાગમાં અસર કરવાની હોય તે ભાગમાં પહોંચાડવામાં મદદ કરે છે. મોટે ભાગે ગ્લાયકોસાઇડની સક્રિયતા ઍગ્લાયકોન ભાગમાં હોય છે. વનસ્પતિમાંનાં મોટા ભાગનાં દ્રવ્યો કોઈ ને કોઈ સોપાને શર્કરા સાથે સંયોજિત હોય છે. કુદરતમાં ઘણાં ગ્લાયકોસાઇડ સંયોજનો મળી આવે છે; દા. ત., વિલોવૃક્ષ(Willow tree)ની છાલમાંથી મળતો સેલિસિન (salicin). તે વેદનાહર ઔષધિ તરીકે ઉપયોગી છે.

પ્રવીણસાગર સત્યપંથી