ગ્લાયકૉલ : ઍલિફૅટિક સરળ શૃંખલાવાળાં બે જુદા જુદા કાર્બન ઉપર બે હાઇડ્રૉક્સિલ (–OH) સમૂહ ધરાવતાં સંયોજનો. તે દ્વિહાઇડ્રિક આલ્કોહૉલ તરીકે પણ ઓળખાય છે; પરંતુ આ શ્રેણીનાં લાંબી શૃંખલાવાળાં સંયોજનોને ડાયૉલ કહે છે. નીચા અણુભારવાળાં ગ્લાયકૉલ સ્થાયી, સ્વાદવિહીન તથા રંગવિહીન પ્રવાહી હોય છે. તે 100° સે.થી વધુ તાપમાને ઊકળે છે તથા 0° સે. કે નીચેના તાપમાને કાચ જેવા સ્વરૂપે ઠરી જાય છે. આ સંયોજનો ખૂબ ભેજગ્રાહી હોય છે. તેમનો જળદ્રાવ્ય ગુણધર્મ અણુભાર વધવાની સાથે ઘટતો જાય છે. રંગકો, સંશ્લેષિત રેઝિન, સુગંધિત તેલ, કુદરતી ગુંદર તથા રેઝિન માટે દ્રાવક તરીકે આ ગ્લાયકૉલ વપરાય છે.

ઊંચા અણુભારવાળાં ગ્લાયકૉલ (પૉલિગ્લાયકૉલ) સ્થાયી, અબાષ્પશીલ તથા રંગવિહીન સંયોજનો છે. પૉલિઈથિલીન ગ્લાયકૉલ પાણી જેવા પ્રવાહીથી માંડીને મીણ જેવા ઘન સ્વરૂપે મળે છે. અણુભારના વધારા સાથે તેમનાં ગલનબિંદુ કે ઠારબિંદુ, વિ.ઘનતા તથા શ્યાનતા (viscosity) વધે છે; જ્યારે જળદ્રાવ્યતા, બાષ્પદબાણ, ભેજગ્રહણીયતા તથા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્યતા ઘટે છે. પૉલિપ્રોપિલીન ગ્લાયકૉલ રંગહીન ઘટ્ટ પ્રવાહી છે તથા તેલ-દ્રાવ્ય છે. તે ઓછા ભેજગ્રાહી હોય છે. સામાન્ય રીતે ગ્લાયકૉલ વિષાળુ હોતાં નથી અને તેમાંનાં ઘણાં ઔષધો તથા સૌંદર્યપ્રસાધનોમાં વપરાય છે. પ્રોપિલીન ગ્લાયકૉલ ખાદ્ય પદાર્થોમાં ઉમેરાય છે.

ગ્લાયકૉલમાંથી એસ્ટર, ઈથર તથા ઍસિટલ્સ બનાવી શકાય છે. ઔદ્યોગિક રીતે ગ્લાયકૉલ ઑક્સાઇડમાંથી બનાવાય છે. તેમનું રસાયણ મૉનો-હાઇડ્રૉક્સી આલ્કોહૉલ જેવું હોય છે. તે એસ્ટરીકરણ, ઈથરીકરણ, લવણ બનાવવું, દ્વિબંધમાં ઉમેરાવું, ડાયઍસિડ કે ડાયએસ્ટર સાથે પ્રક્રિયા દ્વારા પૉલિએસ્ટર બહુઘટક બનાવવા વગેરે પ્રક્રિયાઓ દર્શાવે છે. વ્યાપારી ધોરણે લભ્ય ગ્લાયકૉલ સ્ફોટક દ્રવ્યોમાં, વિમાનચાલનમાં, સ્વયંસંચાલિત (automotive) વાહનોમાં, કાપડઉદ્યોગમાં, ખાદ્યઉદ્યોગમાં, સૌંદર્યપ્રસાધનોમાં, ઔષધોમાં પૃષ્ઠ આવરણીય રસાયણો તરીકે તેમજ તમાકુ, પેટ્રોલ વગેરે ઉદ્યોગમાં વપરાય છે.

ઈથિલીન ગ્લાયકૉલ : (HOH2C – CH2OH) સૌપ્રથમ 1859માં વુટર્ઝે મેળવેલું. તેનું વ્યાપારી ધોરણે ઉત્પાદન 1925માં યુનિયન કાર્બાઇડ કંપનીએ ચાર્લ્સટન, વેસ્ટ વર્જિનિયામાં કર્યું હતું. ઈથિલીન ક્લૉરહાઇડ્રિનમાંથી આ ગ્લાયકૉલ શરૂઆતમાં મેળવાતું; પરંતુ આધુનિક વિધિમાં ઈથિલીનનું હવા દ્વારા ઉપચયન કરી મળતા ઈથિલીન ઑક્સાઇડ દ્વારા તે બનાવાય છે. ફૉર્માલ્ડિહાઈડમાંથી પણ તેનું ઉત્પાદન થાય છે. યુનિયન કાર્બાઇડ, ડાઉ જેફરસન વગેરે કંપનીઓ તેનું ઔદ્યોગિક ઉત્પાદન કરે છે. મુખ્યત્વે તે પ્રાથમિક ઉપયોગ માટે ઍન્ટિફ્રીઝ તરીકે, ઑટોમૉબાઇલ એન્જિનોમાં શીતક તરીકે વપરાય છે. આ માટે તેમાં કાટ-નિરોધક દ્રવ્યો ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત તે પૉલિએસ્ટર રેસાના મધ્યવર્તીઓ બનાવવા તથા સેલોફેન, રેસા, કાગળ, ચામડાં વગેરેમાં ભેજદાયી (humectant) તરીકે વપરાય છે. ઈથિલીન ગ્લાયકૉલનો મૉનોઈથર સેલોસોલ્વ તરીકે, રાસાયણિક મધ્યવર્તી તેમજ ઔદ્યોગિક દ્રાવક તરીકે વપરાય છે. ઈથિલીન ગ્લાયકૉલ, પૉલિથિલીન ગ્લાયકૉલ કે તેના ઈથરના નિર્જળીકરણથી ડાયૉક્ઝેન (ડાયઈથિલીન-1, 4-ડાયૉક્સાઇડ) નામનું ચક્રીય સંયોજન મળે છે જે રેઝિન, મીણ, રંગકો, તેલ તથા કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોના દ્રાવક તરીકે વપરાય છે. ઈથિલીન ગ્લાયકૉલના કાર્બનિક એસ્ટરો પ્લાસ્ટિસાઇઝર, દ્રાવક તથા ઉષ્મા અવનયન માધ્યમ તરીકે ઉપયોગી છે. ઈથિલીન ગ્લાયકૉલ ડાયએસિટેટ છાપકામની શાહી, લૅકર, ફ્લૉરિનયુક્ત શીતક વાયુમાં દ્રાવક તરીકે વપરાય છે. ઈથિલીન ગ્લાયકૉલની પૉલિબેઝિક ઍસિડ સાથેની પ્રક્રિયા દ્વારા પૉલિએસ્ટર બને છે.

આ ઉપરાંત ડાયઇથિલીન ગ્લાયકૉલ, ટ્રાયઇથિલીન ગ્લાયકૉલ, પૉલિઇથિલીન ગ્લાયકૉલ, પ્રોપિલીન ગ્લાયકૉલ વગેરેનો ઉદ્યોગમાં વિવિધ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે. પૉલિપ્રોપિલીન ગ્લાયકૉલની ડાયઆઇસોસાયનેટ સાથે પ્રક્રિયા દ્વારા પૉલિયુરિથેન્સ બને છે જે ફોમ રબર તરીકે તથા પ્રત્યાસ્થ (elastomer) બહુલક તરીકે વપરાય છે.

જ. પો. ત્રિવેદી