ગ્રે, એસા (જ. 18 નવેમ્બર 1810, સકોઇટ, ન્યૂયૉર્ક; અ. 30 જાન્યુઆરી 1888, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અમેરિકાના સુપ્રસિદ્ધ વનસ્પતિવિજ્ઞાની. તેઓ ઉત્તર અમેરિકાના હાર્વર્ડ વિશ્વવિદ્યાલયની હાર્વર્ડ કૉલેજમાં નૅચરલ હિસ્ટરીના પ્રાધ્યાપક (1842–1888) હતા.
તેમણે ઉત્તર અમેરિકાના વનસ્પતિસમૂહનો વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. આ પ્રદેશની વનસ્પતિઓની માહિતીનું સંકલન તેમના જેટલું કોઈએ કર્યું નથી. ‘અ મૅન્યુઅલ ઑવ્ બૉટની ઑવ્ નૉર્થ યુનાઇટેડ સ્ટેટ્સ’ નામનું તેમનું પુસ્તક ન્યૂ ઇંગ્લૅન્ડથી વિસ્કોન્સિન અને દક્ષિણે ઓહિયો અને પૅન્સિલ્વેનિયા સુધી સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાતું હતું.
ગ્રેએ એમ.ડી.ની ઉપાધિ હૅરફિલ્ડ મેડિકલ સ્કૂલ, કનેક્ટિકટ(1831)માંથી પ્રાપ્ત કરી, જ્યાં તેમણે ફાજલ સમય વનસ્પતિઓના નમૂનાઓ એકત્રિત કરવામાં અને વનસ્પતિવિજ્ઞાન શીખવામાં ગાળ્યો. 1834માં તેઓ ‘કૉલેજ ઑવ્ ફિઝિશ્યન્સ ઍન્ડ સર્જન્સ, ન્યૂયૉર્ક સિટી’માં પ્રા. જ્હોન ટોરેના મદદનીશ તરીકે ગયા; જ્યાં તેમણે તેમનું પ્રથમ પુસ્તક ‘ઍલિમેન્ટ્સ ઑવ્ બૉટની’ (1936) લખ્યું. આ સમય દરમિયાન ગ્રે અને ટોરેએ ‘ફ્લોરા ઑવ્ નૉર્થ અમેરિકા’, 2 ખંડ (1838–43) પર સાથે કામ કર્યું. આ કાર્યનું વિસ્તૃતીકરણ ગ્રેના માર્ગદર્શન હેઠળ 1878માં ‘સિનૉપ્ટિકલ ફ્લોરા ઑવ્ નૉર્થ અમેરિકા’ના પ્રથમ ગ્રંથ-સ્વરૂપે પ્રકાશિત થયું.
ગ્રેએ એક વર્ષ (1838–39) યુરોપમાં રહી વનસ્પતિસંગ્રહાલયો(herbaria)માં સંચિત નમૂનાઓની મદદથી ઉત્તર અમેરિકાના નમૂનાઓનો અભ્યાસ કર્યો. અમેરિકા પાછા ફરી તેમણે દક્ષિણ પૂર્વના વનસ્પતિસમૂહનો વર્ગીકરણ-વિદ્યાકીય અભ્યાસ કર્યો; જેથી તેનો એક ભાગ તરીકે ‘ફ્લોરા’માં સમાવેશ કરી શકાય. 1842માં તેઓ હાર્વર્ડ વિશ્વવિદ્યાલયના નૅચરલ હિસ્ટરીના પ્રાધ્યાપક બન્યા. 1865માં તેમણે પોતાના ખર્ચે લીધેલાં હજારો પુસ્તકો અને વનસ્પતિઓ હાર્વર્ડને દાનમાં આપી દીધાં. તેમના આ સ્તુત્ય પ્રદાનથી હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં વનસ્પતિવિભાગની સ્થાપના થઈ.
ગ્રેના ઘણાખરા વૈજ્ઞાનિક અહેવાલો ખ્યાતનામ સામયિક ‘અમેરિકન જરનલ ઑવ્ સાયંસ’માં પ્રસિદ્ધ થયા. કેટલાંક વર્ષ તેઓ આ સામયિકના તંત્રીપદે રહ્યા. તેમનાં કેટલાંક શ્રેષ્ઠ લખાણોમાં વનસ્પતિઓનું ભૌગોલિક વિતરણ અને લક્ષણના સંબંધનું અર્થઘટન કરવામાં આવ્યું હતું. ચાર્લ્સ ડાર્વિનની વિનંતીથી અમેરિકીય ઉચ્ચપર્વતીય (alpine) વનસ્પતિઓના વિતરણને અનુલક્ષીને ‘સ્ટેટિસ્ટિક્સ ઑવ્ ફ્લોરા ઑવ્ નૉર્થ યુનાઇટેડ સ્ટેટ્સ’ ઉપર 1856માં સંશોધનપત્ર લખ્યું. ડાર્વિને ‘ઓરિજિન ઑવ્ સ્પિસીસ’ના પ્રકાશન બાબત ગ્રેને સંપૂર્ણ માહિતગાર રાખ્યા હતા. ગ્રેએ દાર્શનિક નિબંધો, ચરિત્રો અને વૈજ્ઞાનિક સમાલોચના અત્યંત સુંદર રીતે લખ્યાં. ડાર્વિનને ર્દઢતાપૂર્વક અનુમોદન આપતાં તેમનાં સંશોધનપત્રો ‘ડાર્વિનિયાના’(1876, પુનર્મુદ્રિત 1963)માં સંચિત કરવામાં આવ્યાં છે.
આજે પણ હાર્વર્ડનો તેમનો વનસ્પતિસંગ્રહ ‘ગ્રે હર્બેરિયમ’ તરીકે દુનિયામાં નામના પામી રહ્યો છે.
ધવલ સુધન્વા વ્યાસ
બળદેવભાઈ પટેલ