ગ્રેહામ, ટૉમસ (જ. 20 ડિસેમ્બર 1805, ગ્લાસગો; અ. 11 સપ્ટેમ્બર 1869, લંડન) : કલિલ (colloid) રસાયણના પિતા ગણાતા બ્રિટિશ રસાયણશાસ્ત્રી. પિતાની ઇચ્છા વિરુદ્ધ ગ્લાસગો અને એડિનબર્ગમાં વિજ્ઞાનનો અભ્યાસ કરી ગ્રેહામે રસાયણવિજ્ઞાની બનવાનું પસંદ કર્યું. પરિણામે પિતાએ આર્થિક સહાય બંધ કરી દીધી. આજીવિકા માટે તેમણે લખવાનું અને ભણાવવાનું શરૂ કર્યું. તેઓ એડિનબર્ગ સ્કૂલમાં પ્રાધ્યાપક (1830–1837), યુનિવર્સિટી કોલેજ લંડનમાં પ્રાધ્યાપક (1837–1855) અને 1855–1869 દરમિયાન ટંકશાળના અધિપતિ (master of mint) બન્યા હતા. તેઓ ભૌતિક રસાયણના એક સ્થાપક તથા કેમિકલ સોસાયટી ઑવ્ લંડનના પ્રથમ પ્રમુખ હતા.
તેમના સંશોધનનો એક ભાગ છિદ્રાળુ અંતરાય (barrier) વડે અલગ પાડેલા વાયુઓના મિશ્રીકરણ (mixing), (વિસરણ) (diffusion) અથવા એક નાના છિદ્રમાંથી પસાર કરીને તેમને મિશ્ર થવા દેવા-(નિ:સરણ) (effusion)ને લગતો હતો. વાયુઓના વિસરણને લગતો તેમનો અગત્યનો પ્રથમ સંશોધનલેખ 1829માં પ્રસિદ્ધ થયો જે ગ્રેહામના નિયમ તરીકે વિકસ્યો. આ નિયમ મુજબ કોઈ એક વાયુના વિસરણ(અથવા નિ:સરણ)નો વેગ વાયુની ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વાયુની ઘનતા તેના સાપેક્ષ અણુભારના સમપ્રમાણમાં હોવાથી વાયુનો વિસરણવેગ તેના સાપેક્ષ અણુભારના વ્યસ્ત પ્રમાણમાં પણ ગણી શકાય. વધુમાં તેમણે દર્શાવ્યું કે વાયુનો સાપેક્ષ નિ:સરણ વેગ તેના વિસરણવેગ સાથે સરખાવી શકાય તેવો હોય છે. વિસરણ-પદ્ધતિઓનો ઉપયોગ કરી 1868માં દર્શાવવામાં આવ્યું કે ઓઝોનનું સૂત્ર O3 હોવું જોઈએ. વીસમી સદીમાં આ પદ્ધતિઓનો ઉપયોગ સમસ્થાનિકો(isotopes)ના અલગીકરણ માટે કરવામાં આવ્યો હતો.
એક પ્રવાહીના બીજા પ્રવાહીમાં વિસરણનો અભ્યાસ કરીને તેમણે કણો(particles)ના બે ભાગ પાડ્યા – સ્ફટિકાભાસી (crystalloids) (દા. ત., મીઠું, જેની વિસરણતા ઊંચી હોય છે) તથા કલિલો (colloids) (દા. ત., બાવળનો ગુંદર (gum arabic), જેની વિસરણતા નીચી હોય છે. સ્ફટિકાભાસી અને કલિલોને છૂટા પાડવા માટે તેમણે અપોહન(પારશ્લેષણ, dialysis)ની રીત પણ વિકસાવી. તેમણે સાબિત કર્યું કે પ્રવાહી વિસરણવિધિથી કેટલાંક રસાયણોનું આંશિક વિઘટન (decomposition) થાય છે. કલિલ રસાયણમાં વપરાતા ઘણા શબ્દો/પદો તેમણે શોધેલાં છે. તેમણે શોધેલી અપોહનની પદ્ધતિ જૈવરસાયણ(biochemistry)માં મોટા, કલિલી અણુઓને અલગ પાડવા માટે તથા જેમનું મૂત્રપિંડ (kidney) નિષ્ફળ ગયું હોય તેવા દર્દીઓ માટે ઉપયોગી નીવડી છે.
1833માં ગ્રેહામે ફૉસ્ફોરિક ઍસિડના ત્રણ પ્રકારોના અભ્યાસ ઉપરથી બહુ-બેઝિક (polybasic) ઍસિડનો ખ્યાલ (concept) ઉપજાવ્યો. 1835માં જલયોજિત (hydrated) લવણોમાંના સ્ફટિકજળના ગુણધર્મો અંગે અભ્યાસ કર્યો. લવણો તથા આલ્કોહૉલનાં પણ સંયોજનો બનાવી તેને આલ્કોહૉલેટ નામ આપ્યું. તેમના અંતિમ સંશોધનલેખમાં ધાતુ તથા વાયુની પ્રક્રિયાથી બનતું પ્રથમ ઘન સંયોજન પેલેડિયમ હાઇડ્રાઇડનું વર્ણન આપેલું છે.
જ. પો. ત્રિવેદી