ગ્રેસ, ડબ્લ્યૂ. જી. (જ. 18 જુલાઈ 1848, ડાઉન ઍન્ડ બ્રિસ્ટોલ પાસે, ઇંગ્લૅન્ડ; અ. 23 ઑક્ટોબર 1915, મોટિંગહામ, કેન્ટ, ઇંગ્લૅન્ડ) : ચાર દાયકા સુધી ક્રિકેટવિશ્વ પર છવાઈ ગયેલા ઇંગ્લૅન્ડના ક્રિકેટના ભીષ્મ પિતામહ. 9 વર્ષની ઉંમરે તેમણે ક્રિકેટ ખેલવાની શરૂઆત કરેલી અને 60 વર્ષની ઉંમર સુધી રમવાનું ચાલુ રાખ્યું. જમણા હાથે બૅટિંગ અને ધીમી મધ્યમ ગતિની લેગ બ્રેક ગોલંદાજી કરનાર ડબ્લ્યૂ. જી. ગ્રેસ 1871થી 1898 સુધી ગ્લોસ્ટરશાયર કાઉન્ટીના સુકાનીપદે રહ્યા. કુલ 37 વર્ષની પ્રથમ કક્ષાની ક્રિકેટ કારકિર્દી દરમિયાન 54,896 રન, 2,876 વિકેટ અને 871 કૅચ ઝડપનાર ગ્રેસના વિક્રમને આંબનારા એ પછી
કેટલાક થયા; પરંતુ કોઈ પણ ખેલાડી ગ્રેસની માફક પોતાની શક્તિ અને વ્યક્તિત્વથી આ ક્ષેત્રમાં છવાઈ શક્યો નથી. ‘જેન્ટલમૅન’ ટીમ તરફથી ગ્રેસે ખેલવાનું શરૂ કર્યું તે પહેલાં માત્ર સાત વખત જ એનો વિજય થયો હતો, એ પછી ગ્રેસની આગેવાની હેઠળની પચાસ મૅચોમાંથી 31 મૅચોમાં વિજય થયો અને માત્ર 7 જ મૅચ ગુમાવી હતી. 1871 અને 1876ની સિઝન ગ્રેસની ઉત્કૃષ્ટ રમતની સિઝન બની. 1876માં 11 ઑગસ્ટથી 18 ઑગસ્ટ દરમિયાન કેન્ટ સામે 344 રન, નૉટિંગહામ સામે 177 રન અને યૉર્કશાયર સામે 318 (અણનમ) રન કર્યા અને સપ્ટેમ્બર મહિનામાં 22 ફિલ્ડરો ધરાવતી ટીમ સામે ખૂબ ઘાસવાળા મેદાન પર એમણે 400 (અણનમ) રન કર્યા. ખૂબ મોટી વયે ટેસ્ટક્રિકેટમાં પ્રવેશનાર ગ્રેસે એકમાત્ર ટેસ્ટ ખેલવા ઇંગ્લૅન્ડ આવેલી ઑસ્ટ્રેલિયાની ટીમ સામે 1880ના સપ્ટેમ્બરમાં ઓવલના મેદાન પર 152 રન કર્યા હતા. ઇંગ્લૅન્ડ તરફથી સૌપ્રથમ સદી નોંધાવનાર ગ્રેસ બન્યા. કુલ 22 ટેસ્ટમાંથી 13 ટેસ્ટમાં સુકાનીપદ સંભાળનાર બધી જ ટેસ્ટ ઑસ્ટ્રેલિયા સામે ખેલ્યા. આ પ્રથમ કક્ષાનાં ક્રિકેટમાં 1,443 દાવમાં 39.55ની સરેરાશથી, 126 સદી સાથે કુલ 54,896 રન કર્યા અને 17.99ની સરેરાશથી 2,876 વિકેટ ઝડપી જ્યારે 22 ટેસ્ટના 36 દાવમાં 32.29ની સરેરાશથી 1,098 રન કર્યા અને 26.22ની સરેરાશથી 9 વિકેટ ઝડપી.
જગદીશ શાહ