ગ્રેકો, એલ (જ. 1 ઑક્ટોબર 1541, ક્રીટ ટાપુ, ગ્રીસ; અ. 7 એપ્રિલ 1614, ટોલેડો, સ્પેન) : સ્પૅનિશ બારોક ચિત્રકાર. પોતાનું વતન ગ્રીસમાં ક્રીટ ટાપુ ખાતે હતું જ્યાં ચિત્રકલાની તાલીમ લીધી. મૂળ નામ ડોમેનિકોસ થિયોટોકોપુલોસ. સોળમી સદીની બાયઝૅન્ટાઇન કલા ક્રીટમાં અસ્તિત્વમાં હતી. વધુ અભ્યાસ વેનિસમાં કર્યો. પછી મૃત્યુ પર્યંત ટૉલેડો(સ્પેન)માં રહ્યા. તેમની કલામાં ત્રણ તબક્કા આવ્યા. પ્રથમ તબક્કા(1570–80)માં ટિશ્યાંની સંયોજન અસર દેખાય છે, રેખાંકન અર્દશ્ય થાય છે, રંગ અમર્યાદિત રહ્યા છે અને શુદ્ધ ચિત્રાંકન પ્રભુત્વ ભોગવે છે. નાટ્યાત્મક છાયા-પ્રકાશ રચનાવાળાં તેમનાં લંબાવેલાં વ્યક્તિચિત્રોમાં તીન્તોરેતોની અસર વર્તાય છે. ‘ધ હોલી ટ્રિનિટી’ આ સમયનું છે.
એલ ગ્રેકોના બીજા તબક્કા(1580–1604)ની કલામાં બાયઝેન્ટાઇન કલાની ખાસિયતો ગતિ અને લયમાં વર્તાય છે, જે રૂપપ્રદ તત્વો ગણાય. તેનો ઉત્તમ નમૂનો ‘ધ માર્ટરડમ ઑવ્ સેંટ મૉરિસ’ છે. ઉત્કૃષ્ટ વ્યક્તિચિત્ર ‘કાર્ડિનલ ડૉન ફરનાન્ડો’ આલેખાયું છે.
વ્યક્તિની આંતરિક રૂપનિર્મિતિમાં તથા અભિવ્યક્તિની ખોજનો તેમની ચિત્રકલાનો ત્રીજો તબક્કો 1604થી શરૂ થયો, જેમાં રૂપનિર્માણમાં સાદાઈ અને રંગલીલા વધી. બાયઝેન્ટાઇન અસર સાથે લય, ગતિ, ભાવનિરૂપણમાં ગહનતા, રૂપનિર્માણમાં લંબાઈ અને વિપર્યાસ વધ્યાં. તેજપ્રકાશ અને અસામાન્ય રંગયોજનાથી આનંદનું પ્રગટીકરણ અને ઉજ્જ્વલતા વધ્યાં. ચિત્ર ‘વિઝન ઑવ્ સેન્ટ જૉન ધ ડિવાઇન’, ‘ધ વ્યૂ ઑવ્ ટૉલેડો’ આ ર્દષ્ટિએ જોઈ શકાય. તેમનાં ચિત્રોનો સુંદર સંગ્રહ એસકોરિયલ (સ્પેન) ટૉલેડોના મ્યુઝિયમ-ચર્ચમાં છે.
કનુ નાયક