ગ્રૅમી ઍવૉર્ડ : ધ્વનિમુદ્રણના ક્ષેત્રે સર્જનાત્મક સિદ્ધિ માટે એનાયત કરવામાં આવતો પ્રતિષ્ઠાસંપન્ન આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ. અમેરિકાની ‘નૅશનલ અકાદમી ઑવ્ રેકર્ડિંગ આર્ટ્સ ઍન્ડ સાયન્સ’ દ્વારા તે દર વર્ષે એનાયત કરવામાં આવે છે. 1958માં તેની શરૂઆત થઈ હતી. લગભગ ચાળીસ પ્રકારના સર્જનાત્મક સ્વર-ધ્વનિ લેખાંકન કરનારાઓની વિશિષ્ટ સિદ્ધિનું સન્માન કરવાનો તેનો હેતુ છે. સંગીતના ક્ષેત્રે જાઝથી માંડી ઑપેરા સુધીનું લગભગ દરેક પ્રકારના સંગીતનું ધ્વનિલેખન તેમાં આવરી લેવામાં આવે છે. ઍવૉર્ડ મેળવનારાઓમાં વર્ષના સર્વશ્રેષ્ઠ કલાકાર તથા વર્ષની સર્વોત્તમ રેકર્ડનો સમાવેશ થાય છે. ઍવૉર્ડ આપનાર સંસ્થાના સભ્યો વર્ષના વિજેતાઓની પસંદગી કરે છે. તેમાં અગ્રણી સંગીતકારો ઉપરાંત ઇજનેરો, નિર્માતાઓ વગેરે પણ હોય છે.
1958–94 દરમિયાન ભારતના ત્રણ શાસ્ત્રીય સંગીતકારોને ઍવૉર્ડ એનાયત થયા છે. 1965માં પ્રસિદ્ધ સિતારવાદક પંડિત રવિશંકર અને જાણીતા તબલાવાદક અલ્લારખા ખાંસાહેબને શાસ્ત્રીય સંગીત શ્રેણી- (category)માં માનવ અધિકાર દિવસ સમારોહમાં ન્યૂયૉર્ક ખાતે તેમણે તે વર્ષે રજૂ કરેલ જુગલબંદી માટે આ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. માર્ચ, 1994માં પ્રખ્યાત ભારતીય ગિટારવાદક પંડિત વિશ્વમોહન ભટ્ટ તથા અમેરિકન ગિટારવાદક આર. વાય. કૂડરને તેમની જુગલબંદી ‘એ મીટિંગ બાય ધ રિવર’ના ધ્વનિલેખન માટે આ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. બિલબોર્ડના વિશ્વસંગીત અંગેના માહિતીપત્રકમાં આ જુગલબંદીની રૅકર્ડ 1993ના વર્ષ દરમિયાન ટોચનું સ્થાન ધરાવતી હતી. સતત ચાળીસ અઠવાડિયાં સુધી વિશ્વની સર્વોત્તમ દસ સંગીત-રેકર્ડમાં તેનું સ્થાન અફર રહ્યું હતું. ચાર ભાગમાંના બીજા ઉતારેલી રેકર્ડ વિશે અમેરિકાનાં અગ્રણી સંગીત સામયિકોમાં પ્રશંસાત્મક સમીક્ષાલેખો પ્રકાશિત થયા હતા. વર્ષ 2010 માટે ભારતના ચલચિત્ર સ્વરનિયોજક એ. આર. રહેમાનને ગ્રૅમી ઍવૉર્ડની બે શ્રેણી(category)માં ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે : ચલચિત્રો, દૂરદર્શન તથા અન્ય ર્દશ્ય-શ્રાવ્ય માધ્યમો માટેની શ્રેણીમાં સર્વોત્તમ સ્વરનિયોજન માટે તથા બીજી શ્રેણીમાં સર્વોત્તમ ધ્વનિપથસંયોજન માટે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે