ગ્રૅફાઇટ (ભૂસ્તરશાસ્ત્ર) (પ્લમ્બેગો અથવા કાળું સીસું)
February, 2011
ગ્રૅફાઇટ (ભૂસ્તરશાસ્ત્ર) (પ્લમ્બેગો અથવા કાળું સીસું) : રા. બં. : શુદ્ધ કાર્બન C. સ્ફ. વ. : હેક્ઝાગૉનલ. સ્વ. : સ્ફટિકો દુર્લભ; સામાન્યત: પતરી-સ્વરૂપે પડ કે દાણાદાર સ્વરૂપે મળે છે. રં. : લોખંડ જેવો રાખોડી કે પોલાદ જેવો ઘેરો રાખોડી. સં. : બેઝલ પિનેકોઇડને સમાંતર સુવિકસિત સંભેદ. ચ : ધાતુમય. ભં. સ. : –. ચૂ. : કાળો, ચળકાટવાળો. ક. : 1 થી 2. વિ. ઘ. : 2 થી 2.3, શુદ્ધતા પર આધારિત. પ્ર. અચ. : (અ) વક્રી. = ω = 1.93 – 2.07 (લાલ). (બ). 2V = –. પ્ર. સં. : –ve. પ્રા. સ્થિ. : અગ્નિકૃત ખડકોમાં પ્રાથમિક ઘટક-સ્વરૂપે તેમજ જળકૃત ઉત્પત્તિવાળા કાર્બનયુક્ત ખડકોની પ્રાદેશિક કે સંસર્ગ વિકૃતિને કારણે ઉદભવતા વિકૃત ખડકોમાં મળે છે. ગ્રૅફાઇટની ત્રણ પ્રકારની પ્રાપ્તિસ્થિતિ છે : (1) શ્રીલંકાની જેમ ફાટ લક્ષણવાળી શિરાઓ-સ્વરૂપે, (2) પૂર્વ કૅનેડાની જેમ નાઇસ ખડકો, સ્ફટિકમય ચૂનાખડકોમાં પડવાળા વીક્ષાકાર કે ટુકડા-સ્વરૂપે અને (3) પૂર્વ અમેરિકા અને જર્મનીની જેમ પ્રાદેશિક ખડકોમાં પ્રસરણ-સ્વરૂપે કે અગ્નિકૃત ખડકોની શિરાઓની નજીક કે તેમના સંસર્ગ વિભાગમાં.
ગ્રૅફાઇટના મુખ્ય ઉત્પાદક દેશો શ્રીલંકા, કોરિયા, ઑસ્ટ્રિયા, ચૅક, બવેરિયા, ઑન્ટેરિયો, યુ.એસ., માડાગાસ્કર, મેક્સિકો અને ઇટાલી.
ભારતમાં તે મર્યાદિત પ્રમાણમાં આંધ્રપ્રદેશ, બિહાર, જમ્મુ-કાશ્મીર, કેરળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઓરિસા, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી મળી રહે છે.
ઉપયોગ : ગુણવત્તા પ્રમાણે ગ્રૅફાઇટના ઉપયોગો નીચે મુજબ છે : મુખ્ય ઉપયોગો ફાઉન્ડરી, રંગ તેમજ મૂસ (crucibles) ઉદ્યોગોમાં છે. કમ્પ્યૂટરમાં ઊંજણ (lubricant) તરીકે, પેન્સિલ બનાવવામાં, ઇલેક્ટ્રૉપ્લેટિંગમાં તેમજ વિદ્યુત ભઠ્ઠીઓના ઇલેક્ટ્રૉડ્ઝમાં તે વપરાય છે. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વપરાતા ઍટમિક રિઍક્ટરોમાં મૉડરેટર તરીકે કૃત્રિમ ગ્રૅફાઇટનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે