ગ્રૅનાઇટ : અંત:કૃત પ્રકારનો ઍસિડિક અગ્નિકૃત ખડક. તે પૃથ્વીના પટ પર સર્વસામાન્ય રીતે મળતો ખડક-પ્રકાર છે. આ ખડક મુખ્યત્વે ક્વાર્ટ્ઝ અને આલ્કલી ફેલ્સ્પારનો બનેલો હોય છે, પણ ઘણુંખરું તેની સાથે બાયૉટાઇટ અને/અથવા મસ્કોવાઇટ અને/અથવા હૉર્નબ્લેન્ડ પણ હોય છે. આ ઉપરાંત ગૌણ ખનીજો તરીકે ઝિર્કોન, ઍપેટાઇટ અને ક્વચિત્ મૅગ્નેટાઇટ હોઈ શકે છે. ઉપર્યુક્ત ખનીજોની હાજરી અને પ્રમાણ મુજબ બાયૉટાઇટ ગ્રૅનાઇટ, મસ્કોવાઇટ ગ્રૅનાઇટ કે હૉર્નબ્લેન્ડ ગ્રૅનાઇટ તરીકે ઓળખાવાય છે. ગ્રૅનાઇટ ખડકો સામાન્ય રીતે સંપૂર્ણ સ્ફટિકમય કણરચનાવાળા હોય છે, તેમ છતાં ઉત્પત્તિના સંજોગભેદે તે સૂક્ષ્મ દાણાદાર (finegrained, દા. ત., એપ્લાઇટ), અર્ધસ્ફટિકમય (porphyritic, દા. ત., પૉર્ફિરિટિક ગ્રૅનાઇટ) અને આંતરવિકાસ (intergrowth, દા. ત., ગ્રાફિક ગ્રૅનાઇટ) કણરચનાવાળા પણ મળે છે. આ ખડકના બંધારણમાં રહેલા ફેલ્સ્પારના રંગ પ્રમાણે તે સફેદ, ગુલાબી, રાખોડી કે ગાજરના જેવા રંગોમાં મળી આવે છે. ગ્રૅનાઇટ ખડક ઉપર જો ઉષ્ણજળજન્ય પ્રક્રિયા કે ઉષ્ણબાષ્પીય પ્રક્રિયાની અસર થાય તો તેના ખનિજબંધારણમાં ફેરફાર થાય છે અને ટૂર્મેલિન, ટોપાઝ, કેઓલિન વગેરે જેવાં ખનીજો રૂપાંતરિત થઈને બનેલાં જોવા મળે છે.
ગ્રૅનાઇટ એ અંત:કૃત પ્રકારનો અગ્નિકૃત ખડક હોવાથી બૅથોલિથ, સ્ટૉક, બૉસ, ડાઇક કે શિરાઓ સ્વરૂપે મળી આવે છે. તે ભારતમાં મુખ્યત્વે તમિળનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં ઘણા પ્રમાણમાં મળે છે.
માઉન્ટ આબુ આખોય ગ્રૅનાઇટનો બનેલો છે. ગુજરાતમાં ગ્રૅનાઇટ ખડકો ઈડર, અંબાજી, બાલારામ, ગોધરા અને છોટાઉદેપુરના વિસ્તારોમાં મળી આવે છે. આ ખડક તેના રંગોની વિવિધતાને કારણે તેમજ પૉલિશ કર્યા પછી અરીસા જેવો ચળકાટ ધારણ કરતો હોવાથી સુશોભનખડક તરીકે વપરાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે