ગ્રીનલૅન્ડ સમુદ્ર : ગ્રીનલૅન્ડ ટાપુની પૂર્વ દિશાએ આવેલો ઉત્તર ધ્રુવ સમુદ્રનો ભાગ. તેની ઉત્તરે ઉત્તર ધ્રુવ મહાસાગર, દક્ષિણે નૉર્વેનો સમુદ્ર અને આટલાન્ટિક મહાસાગર અને પૂર્વ બાજુએ બેરેન્ટ સમુદ્ર અને પશ્ચિમ બાજુએ ગ્રીનલૅન્ડ ટાપુ આવેલા છે. આ સમુદ્ર ઉત્તર ગોળાર્ધમાં 25° પૂ. રે.થી 19°- 5´ પ. રે વચ્ચે તેમજ 70° ઉ. અ.થી 80° અ. વચ્ચે આવેલો છે.
આ સમુદ્રનો વિસ્તાર આશરે 12,05,000 ચોકિમી. છે. આ સમુદ્રની નજીક પૂર્વ તરફ સ્વાલબર્ડ ટાપુઓ છે. તેની સરેરાશ ઊંડાઈ 1000 ફેધમ (1829 મી.) છે અને તેનું કોઈ પણ સ્થળ 300 ફેધમ (548 મી.)થી ઓછું ઊંડું નથી. તેની વધારેમાં વધારે ઊંડાઈ 2667 ફેધમ (4800 મી.) છે. મોહન્સ (Mohns) ડુંગરમાળા સમુદ્રમાં ડૂબેલી છે. તે ગ્રીનલૅન્ડના સમુદ્રની વચ્ચે આવેલી છે અને ગ્રીનલૅન્ડની ખીણ (basin) અને આઇસલૅન્ડના ઊંડા સમુદ્રનું વિભાજન કરે છે.
ઉત્તર ધ્રુવ તરફથી વાતા ઈશાની ઠંડા પવનને લીધે તે થીજી જાય છે. સ્પિટ્સબર્ગન પાસે ઓછામાં ઓછું તાપમાન – 49° સે. રહે છે. જ્યારે ગ્રીનલૅન્ડ પાસે વધુમાં વધુ તાપમાન 25° સે. રહે છે. જાન્યુઆરી માસ સૌથી વધુ ઠંડો છે, જ્યારે ઑગસ્ટ માસમાં 5° સે.થી 0° સે. તાપમાન રહે છે. ધુમ્મસવાળા દિવસોની સંખ્યા 225થી 334 છે. ઉત્તર ભાગમાં વરસાદ 250 મિમી. પડે છે, જ્યારે દક્ષિણ ભાગમાં તેનાથી બમણો વરસાદ પડે છે. બરફ પડવાની ઋતુ ઑગસ્ટથી ઑક્ટોબર છે.
આ સમુદ્રનું સૌપ્રથમ વૈજ્ઞાનિક સંશોધન 1876–78માં થયું હતું. ઈ. સ. 1909માં ઉત્તર ધ્રુવના મહાન સફરી નાનસેને ગ્રીનલૅન્ડના અટપટા સમુદ્રના પ્રવાહો વિશે સંશોધન કર્યું હતું. ત્યારબાદ તેનું વધુ સંશોધન રશિયન, નૉર્વેજિયન અને આઇસલૅન્ડના વૈજ્ઞાનિકોએ કર્યું હતું.
ગિરીશ ભટ્ટ