ગ્રાહક સહકારી મંડળી

February, 2011

ગ્રાહક સહકારી મંડળી : વેપારીઓ દ્વારા થતું ગ્રાહકોનું શોષણ અટકાવવા રચવામાં આવતા સહકારી પદ્ધતિના વેચાણ-એકમો. સમાજની દરેક વ્યક્તિ ગ્રાહકોપયોગી ચીજવસ્તુઓની વપરાશ કરે છે. ભારતમાં વસ્તીવિસ્ફોટના કારણે વસ્તુઓની માગ વધતી જતી હોય છે. તેથી ચીજવસ્તુઓના ઉત્પાદકો તેમજ બજાર – મધ્યસ્થીઓ ગ્રાહકોનું અનેક રીતે શોષણ કરતા હોય છે. ગ્રાહકોની સર્વોપરીતા હોય તેવું બજાર ઊભું કરવું એ એનો ઉપાય હોવા ઉપરાંત ગ્રાહકોએ પોતે જ પોતાનું રક્ષણ કરવું ઉચિત સમજી 1904માં શરાફી સહકારી મંડળીઓની શરૂઆતને પગલે અને ખાસ કરીને 1912માં સહકારી કાયદામાં સુધારો કરીને ગ્રાહક સહકારી મંડળીઓની ભારતમાં શરૂઆત થઈ હતી.

શરૂઆતના તબક્કે ભારતમાં આવી માત્ર 12 ગ્રાહક સહકારી મંડળીઓ હતી. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)ના ગાળામાં તેના વિકાસને વેગ મળ્યો, પણ યુદ્ધવિરામ પછી ફરીથી આ પ્રવૃત્તિમાં ઓટ આવી. 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યાં સુધીમાં ભારતમાં 11 લાખના શૅરભંડોળ સાથે 60,000નું સભ્યપદ ધરાવતા 385 ગ્રાહક સહકારી ભંડારો હતા. તેના કામકાજનું ભંડોળ રૂ. 40 લાખ અને કામકાજનો આવર્ત (turn over) રૂ. 60 લાખ જેટલો હતો. ત્યારપછી 1962માં ભારત પર ચીન-આક્રમણની કટોકટી વખતે પણ દેશની ગ્રાહક સહકારી પ્રવૃત્તિને વેગ મળેલો. આમ, યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ગ્રાહકોને શોષણમાંથી ઉગારવા ગ્રાહક સહકારી પ્રવૃત્તિ ઉપયોગી સાબિત થઈ હતી. જ્યાં જ્યાં આવી ગ્રાહક સહકારી મંડળીના ભંડાર અસરકારક કામગીરી કરે છે ત્યાં ભેળસેળ સિવાય પૂરા તોલમાપથી, વાજબી ભાવે, નિયમિત રીતે જીવનોપયોગી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે અને ગ્રાહકસુરક્ષા કાયદાની જોગવાઈ મુજબ ગ્રાહકોનું રક્ષણ કરવામાં આવે છે. નબળા વર્ગોનાં તેમજ ઔદ્યોગિક કામદારોનાં રહેઠાણોના અને દૂરના છેવાડાના વિસ્તારોમાં મૉબાઇલ-વાન મારફતે ગ્રાહક સહકારી વિતરણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. શાળા, મહાશાળા, વિશ્વવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓના ગ્રાહક સહકારી ભંડારો મારફત પુસ્તકો, સ્ટેશનરી વગેરે ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. આ પ્રમાણે, મૂડીવાદી આર્થિક વ્યવસ્થાના દૂષણ રૂપે ઊભા થયેલ શોષણને રોકવા વિશ્વના ઘણા દેશોમાં એક સુયોજિત અને સુસંકલિત ગ્રાહક સહકારી પ્રવૃત્તિનું માળખું તૈયાર થયું છે.

ભારતમાં ગ્રાહક સહકારી મંડળીઓનું ચાર સ્તરનું માળખું છે :

(1) રાષ્ટ્રીય સ્તરે : નૅશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન…(1)

(2) રાજ્યસ્તરે : સ્ટેટ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશનો… (30)

(3) જિલ્લાસ્તરે : હોલ-સેલ/ સેન્ટ્રલ સ્ટોરો… (659)

(4) પાયાના સ્તરે : પ્રાથમિક સહકારી ગ્રાહકમંડળીઓ… (22,589)

ગ્રાહકભંડારની અર્થક્ષમતા સુધારી શકાય તે માટે ગ્રાહકભંડારનું માળખું હાલના ચાર સ્તરના માળખાને બદલે ફક્ત બે જ સ્તરનું રાખવું ઇષ્ટ છે. અનુભવના આધારે એમ લાગ્યું છે કે સમવાય માળખા કરતાં એકમુખી માળખું વધારે સારું કામ કરી શકે છે. વચગાળાની જથ્થાબંધ કામગીરીનો નફાનો ગાળો ઓછો કરવા એક જ સંસ્થા દ્વારા જથ્થાબંધ વેચાણ અને છૂટક વેચાણના સ્થળે જ સીધો પુરવઠો પહોંચાડવાની સ્વીકારાયેલી રાષ્ટ્રીય નીતિના પરિણામે દ્વિ-સ્તરીય માળખું હાલ સારી રીતે કામ કરી રહ્યું છે.

રાજ્ય જથ્થાબંધ ગ્રાહકભંડારો : સંબંધિત રાજ્ય પૂરતું કાર્યક્ષેત્ર ધરાવતા ગ્રાહક સહકારી એકમોનું આ સમવાયી સાહસ છે. એનું સભ્યપદ ગ્રાહક સહકારી ભંડારો, સહકારી મંડળીઓ અને વ્યક્તિઓ માટે ખુલ્લું હોય છે. એનું મુખ્ય કાર્ય ઉત્પાદકો, સહકારી એજન્સીઓ તથા નૅશનલ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન પાસેથી સીધો ખરીદીને સ્વજોખમે કે આડતથી મધ્યસ્થ ભંડારો તથા સહકારી મંડળીઓ અને ગ્રાહકોને માલ પૂરો પાડવો તે છે.

1963–64ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં ગ્રાહક સહકારી પ્રવૃત્તિનું ટોચનું ગુજરાત સ્ટેટ કો-ઑપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન રચવામાં આવ્યું, જે (1) પ્રાથમિક ગ્રાહક સહકારી મંડળી, (2) મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર કે જેનું કાર્યક્ષેત્ર જિલ્લા કે તાલુકા કે મુખ્ય શહેર પૂરતું હોય છે તેનું બનેલું છે. રાજ્યના જથ્થાબંધ ગ્રાહક સહકારી ભંડારોને ગ્રાહકોપયોગી ચીજવસ્તુઓ રાજ્યમાંથી કે રાજ્ય બહારથી મેળવી પૂરી પાડવી, તેની આયાત કરવી, રાજ્ય સરકારના એજન્ટ તરીકે નિયંત્રિત ચીજોના વિતરક તરીકે કામગીરી કરવી વગેરે કાર્યો તેની મારફત થાય છે.

જિલ્લા જથ્થાબંધ ગ્રાહક ભંડારો : એ પ્રાથમિક સ્તરની ગ્રાહક સહકારી મંડળીઓ તથા ગ્રાહકોએ રચેલા સમવાયી સહકારી એકમો છે. તેમનું મુખ્ય કાર્ય એમની સભાસદ ગ્રાહક મંડળીઓને તથા અન્ય ગ્રાહકોને જથ્થાબંધ માલ પૂરો પાડવાનું છે. આવા ભંડારો છૂટક વેચાણકેન્દ્રો કે શાખાઓ પણ ચલાવતા હોય છે. 1975–76ના વર્ષમાં ગુજરાતમાં આવા ભંડારોની સંખ્યા 23 હતી, જ્યારે 1990માં તે 26 જેટલી થઈ હતી. 1975–76માં ભંડારદીઠ સરેરાશ સભ્યસંખ્યા 3,273 હતી.

પ્રાથમિક સહકારી મંડળી/ભંડારો : ચોક્કસ કાર્યક્ષેત્રના રહીશોએ રચેલ પ્રાથમિક સ્તરની માલ ખરીદ-વેચાણ કરનારી આ સહકારી સંસ્થા છે. તેમનું મુખ્ય કાર્ય સભાસદો તથા ગ્રાહકોને છૂટક વેચાણ દ્વારા તેમની જરૂરિયાતો પૂરી પાડવાનું હોય છે. તે મધ્યસ્થ ભંડારો પાસેથી અથવા અન્ય સ્થળેથી માલ ખરીદે છે અને સભાસદોને તે રોકડેથી વેચે છે. અછતના સમયે સરકાર દ્વારા અમલમાં મુકાતી જાહેર વિતરણ વ્યવસ્થાના એક અગત્યના ઘટક તરીકે તે કામગીરી બજાવે છે.

ગુજરાતમાં સને 1975–76ને અંતે આની સંખ્યા 1,008 હતી, જે 1990માં વધીને 1,425 થઈ હતી. સન 1975–76ના વર્ષે રાષ્ટ્રના કુલ 8067 ભંડારોએ રૂ. 3.58 કરોડનો નફો તથા 4,252 ભંડારોએ રૂ. 1.89 કરોડની ખોટ કરતાં તેમનો ચોખ્ખો નફો 1.69 કરોડ હતો, જ્યારે એ વર્ષે ગુજરાતના 480 ભંડારોએ રૂ. 24 લાખનો નફો તથા 288 ભંડારોએ રૂ. 15 લાખની ખોટ કરતાં તેમનો ચોખ્ખો નફો રૂ. 9 લાખ રહ્યો હતો.

સમગ્રતયા તેમનું મૂલ્યાંકન કરીએ તો સમગ્ર દેશની તુલનામાં ગુજરાતના પ્રાથમિક ગ્રાહક સહકારી ભંડારોની સ્થિતિ અને વિકાસદર એકંદર સારાં હતાં. રાજ્યમાં 2,807 એવી સહકારી મંડળીઓ અને 195 વેચાણ મંડળીઓ પણ ગ્રાહકોનાં હિતો સાચવે છે.

ગુજરાત રાજ્યમાં સહકારી મંડળીઓની સંખ્યા

(સ્રોત : સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર)

અનુ.

મંડળીનો પ્રકાર

માર્ચ મહિનાના અંતમાં

2004 2005

2006

01. રાજ્ય અને કેન્દ્રીય સહકારી મંડળીઓ

19

19

19

02. રાજ્ય સહકારી જમીનવિકાસ

બૅંકોની સંખ્યા

19

19

19

03. પ્રાથમિક સહકારી શાખ-મંડળીઓ

7805

7815

7913

04. કૃષિ વિમાની પ્રાથમિક શાખ-મંડળીઓ

5473

5468

5412

05. માર્કેટિંગ મંડળીઓ

1798

1725

2727

06. પ્રક્રમણ (Processing) કરતી મંડળીઓ

313

313

317

07. દૂધ અને ઢોરઢાંખર મંડળીઓ

11450

11550

11804

08. ખેડાણ-મંડળીઓ

704

696

701

09. મત્સ્ય-ઉદ્યોગ મંડળીઓ

533

543

537

10. રાજ્યહસ્તક સંઘીય/કેન્દ્રીય/પ્રાથમિક/

પૂર્વ પ્રાથમિક ગ્રાહક-કેન્દ્રો

2112

2058

2016

11. ગૃહસહકારી મંડળીઓ

16587

16477

16470

12. શ્રમિકોની સહકારી મંડળીઓ

2869

2931

2968

13. જંગલની શ્રમિક મંડળીઓ

136

133

211

14. સિંચાઈ-ક્ષેત્રમાં કામ કરતી સહકારી

મંડળીઓ

2775

2888

3006

15. વાહનવ્યવહાર ક્ષેત્રની મંડળીઓ

134

127

130

16. ખાંડ-કારખાનાની સહકારી મંડળીઓ

26

26

26

17. સહકારી સંઘો

27

29

31

18. ઔદ્યોગિક સહકારી મંડળીઓ

4487

4364

4382

19. અન્ય મંડળીઓ (non-credit)

1221

1322

1475

કુલ

58470

58485

59346

પૂરતો પુરવઠો, સંગ્રહની પૂરતી સગવડો અને વૈજ્ઞાનિક પદ્ધતિએ સંગ્રહ, ધંધાકીય કુનેહવાળા કર્મચારીઓ અને મંડળીના સભાસદ / હોદ્દેદારો દ્વારા સંચાલન, આધુનિક વેચાણપદ્ધતિ દ્વારા કામકાજની ગોઠવણી અને વખતોવખત ગ્રાહક સહકારી મંડળીઓના કામકાજની સમીક્ષા – આ બધાં પરિબળોએ તેની સફળતામાં અગત્યનો ભાગ ભજવ્યો છે.

બાલમુકુન્દ પંડિત