ગ્રામપ્રસારણ : રેડિયો કે ટેલિવિઝન પરથી રજૂ થતા ગ્રામકેન્દ્રી કાર્યક્રમો. ગ્રામજનોને ઉપયોગી બને તેવા વિશેષ શ્રોતાઓ અને પ્રેક્ષકો માટેના કાર્યક્રમોનું પ્રસારણ રેડિયો માધ્યમના કેન્દ્રમાં છેક 1933થી રહ્યું છે. એમાં કાર્યક્રમ-પ્રસારણ, સમૂહશ્રવણ અને પ્રેક્ષણ(viewing)નું આયોજન, એ માટે રેડિયો કે ટીવી સેટની ઉપલબ્ધિ અને ભાવક- ભાગીદારીના વિવિધ તબક્કા અંગે પ્રયોગો થતા રહ્યા છે.
મુંબઈ રેડિયો કેન્દ્ર પરથી સાઠ વર્ષ પહેલાં (1933) ગુજરાતી, મરાઠી અને કન્નડ ભાષામાં ગ્રામપ્રસારણની શરૂઆત થઈ. એના સમૂહશ્રવણ માટે થાણા જિલ્લાના ભીવંડીમાં રેડિયો સેટ આપવામાં આવ્યા. એ પછી 1935માં દિલ્હી કેન્દ્ર પરથી પંજાબનાં ગામો માટેના કાર્યક્રમો સાંભળવા 120 ગામોમાં રેડિયો સેટ મૂકવામાં આવ્યા, તો અલ્લાહાબાદની ખેતી-સંસ્થાને પ્રાયોગિક ગ્રામપ્રસારણ કરવા સરકારી રેડિયો સેવાથી સ્વતંત્ર પરવાનો આપવામાં આવ્યો. આ પ્રયોગોની સફળતાથી બંગાળ, ચેન્નાઈ, મુંબઈ વગેરે અનેક સ્થળોએ ગ્રામપ્રસારણ શરૂ થયું. આ કાર્યક્રમોમાં આરોગ્ય, સહકારી ભાવના અને નિરક્ષરતા-નિવારણની મુખ્યત્વે વાત થતી અને બે લાક્ષણિક સૂત્રધારો (stock characters) જુદા જુદા કાર્યક્રમની કડી સ્થાનિક બોલીમાં સાંધતા જતા હોય એ રીતે એની રજૂઆત થતી. એમાં પત્રોના જવાબો, બજારભાવો વગેરે મુખ્ય કાર્યક્રમોમાં માહિતી અને મનોરંજન એ મુખ્ય ઉદ્દેશ રહેતા. ગુજરાતમાં વડોદરા રાજ્યના પ્રથમ રેડિયો કેન્દ્રની 1949માં થયેલી શરૂઆતથી જ ‘ગ્રામજનો માટે’નો કાર્યક્રમ અમદાવાદ-વડોદરાના સંયુક્ત કેન્દ્રથી રજૂ થતો રહ્યો છે. 1955માં રાજકોટ રેડિયો કેન્દ્ર શરૂ થયું ત્યારથી તે ‘ગામનો ચોરો’નું નિયમિત પ્રસારણ કરતું રહ્યું છે. આકાશવાણીના કુલ કાર્યક્રમોનું 6 % પ્રસારણ ગ્રામકેન્દ્રી રાખવામાં આવે છે.
યુનેસ્કો સંસ્થાની મદદથી મહારાષ્ટ્રના પાંચ જિલ્લાનાં 150 ગામોમાં 1956માં ફેબ્રુઆરી-એપ્રિલ વચ્ચે ‘રેડિયો રૂરલ ફોરમ’નો અઠવાડિયે બે દિવસ ત્રીસ-ત્રીસ મિનિટના આયોજિત કાર્યક્રમનો પ્રયોગ કરવામાં આવ્યો, એમાં પહેલી પંદર મિનિટમાં ખેતીવાડીના કોઈ વિષય અંગે નાટ્યાત્મક કાર્યક્રમ અને પછીની પંદર મિનિટ આગળના કાર્યક્રમોના શ્રવણ પછી વિવિધ ગામોનાં ખેડૂતમંડળોમાં થયેલી ચર્ચા દરમિયાનના પ્રશ્નોના નિષ્ણાતો દ્વારા ઉત્તરો આપવામાં આવતા. આ પ્રયોગ સાથે જાણીતા મરાઠી નાટ્યકાર પુ. લ. દેશપાંડે લેખક તરીકે સંકળાયેલા હતા. આ પ્રયોગની સફળતા પછી 1959માં આકાશવાણીના દરેક કેન્દ્ર પરથી રેડિયો રૂરલ ફોરમની શરૂઆત થઈ. વડોદરાના ગ્રામજનોના કાર્યક્રમના ભાગ રૂપે એની શરૂઆત ‘આકાશવાણી ખેડૂત મંડળ’ નામે થઈ હતી. 1964 સુધીમાં આવાં શ્રોતામંડળોની સંખ્યા 7,500 સુધી પહોંચી હતી. આ યોજના અન્વયે કેન્દ્ર સરકાર રેડિયો કાર્યક્રમોનું નિર્માણ-પ્રસારણ કરે અને રાજ્ય સરકાર તથા સ્થાનિક ગ્રામસમાજ રેડિયો સેટની ખરીદી અને જાળવણી કરે.
1965માં આકાશવાણીએ અલગ નિર્દેશાલય સ્થાપી, શરૂઆતમાં દસ કેન્દ્રો ઉપરથી અને પછી બધાં કેન્દ્રો પરથી ‘ફાર્મ અને હોમ યુનિટ’ના કાર્યક્રમોનું પ્રસારણ શરૂ કર્યું. એ માટે બે કૃષિ સંવાદદાતા અને એક નાટ્યલેખક એવી ત્રણ મહત્વની જગ્યાઓ ઊભી કરવામાં આવી. ગ્રામજનોને કૃષિવૈજ્ઞાનિક માહિતી સમયસર મળે એ એનો ઉદ્દેશ હતો. કાર્યક્રમોમાં જમીન અને પાણીનું અસરકારક આયોજન, વનવિકાસ, પર્યાવરણ, કુટુંબ-કલ્યાણ અને સામાજિક કુરિવાજનું નિવારણ વગેરે વિષયો રહેતા.
ગ્રામપ્રસારણનો આકાશવાણીનો બીજો મોટો પ્રયોગ તે આકાશવાણી ખેતીતાલીમશાળા (Farm School of AIR). એમાં ખેતીવાડીની નવીનતમ માહિતીના કાર્યક્રમો દ્વારા તાલીમ અને પરીક્ષા એવું એનું આયોજન છે. શરૂઆતમાં બૅંગાલુરુ અને પછી તિરુચિ અને દિલ્હી પરથી એ કાર્યક્રમો શરૂ થયા. ગુજરાતમાં રાજકોટ આકાશવાણી પરથી આવી ખેતીશાળા ચાલે છે; એની સૌથી નોંધપાત્ર વાત એ કે એ માટેના તાલીમાર્થીઓ ઘેરબેઠાં કાર્યક્રમો સાંભળી શકે. આકાશવાણીના ગ્રામપ્રસારણ વિભાગે આ રીતે છેલ્લા છ દાયકામાં અનેક પ્રયોગો કર્યા છે અને ગ્રામજનોને તેમાં સાંકળી લેવા મથામણ કરી જોઈ છે છતાં એકંદરે ગ્રામભાવકોનો પૂરતો પ્રતિભાવ મળ્યો જણાતો નથી; એ માટે અલબત્ત આ કાર્યક્રમોનું આયોજન અનેક વખત માત્ર પ્રચારલક્ષી બની ગયું હોવા તરફ પણ અનેકોએ ધ્યાન દોર્યું છે.
ટેલિવિઝન : ભારતીય દૂરદર્શનના કાર્યક્રમોની શરૂઆત પણ સમૂહ-પ્રેક્ષણ માટે ટીવી સેટની ફાળવણી, વિશેષ કાર્યક્રમ-નિર્માણ અને પ્રેક્ષકોના પત્રોના ઉત્તરો આપતા દિલ્હી દૂરદર્શનના કૃષિદર્શન કાર્યક્રમથી જ થઈ હતી. ગ્રામ-ટેલિવિઝન માટે એ પછી દેશનાં છ રાજ્યોનાં 2400 ગામોમાં દરરોજના ચાર કલાક ઉપગ્રહ દ્વારા ગ્રામકેન્દ્રી કાર્યક્રમો આપવા 1975 ઑગસ્ટથી જુલાઈ 1976 વચ્ચે એક વર્ષ માટે ‘સાઇટ’ (Satellite lnstruction Television Experiment) ઉપગ્રહ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમનો પ્રયોગ કરવામાં આવ્યો. એમાં કાર્યક્રમ પૂર્વે, દરમિયાન અને પછી શ્રોતાઓ અંગેનું સંશોધન ખૂબ મહત્વનું અંગ હતું. ‘સાઇટ’ના કાર્યક્રમો દરરોજ એકંદરે પાંચ લાખ પ્રેક્ષકો નિહાળતા. જગતનો એ પ્રકારનો એ પ્રથમ પ્રયોગ હતો. એમાં ખેતીવાડી, પશુપાલન આરોગ્ય અને નિરક્ષરતા-નિવારણના કાર્યક્રમો મનોરંજક રીતે અપાતા.
‘સાઇટ’ના ભાગ રૂપે શરૂ થઈને એ પછી અઢાર વર્ષ સુધી ચાલુ પ્રસારણ રહેલું. ખેડા જિલ્લા પીજ ગામ, ગ્રામટેલિવિઝન કાર્યક્રમનું રોજનું એક કલાકનું વિકાસલક્ષી પ્રસારણ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ISRO)નો મહત્વનો પ્રયોગ હતો; એમાં સમૂહ-પ્રેક્ષણ માટે ખેડા જિલ્લા દૂધઉત્પાદક સંઘ અને રાજ્ય સરકાર તરફથી પાંચસો ગામડાંમાં ટેલિવિઝન સેટ મૂકવામાં આવ્યા હતા. કાર્યક્રમો અને પ્રેક્ષકોની પ્રત્યાયન (communication) અંગેની જરૂરતોનું સંશોધન વિશેષ કાર્યક્રમ નિર્માણ અને લોકભાગીદારી વગેરેથી હાંસલ થયેલી સફળતાની વર્ગીઝ સમિતિ અને પી. સી. જોશી સમિતિએ નોંધ લીધી હતી. સમાજ-પરિવર્તન માટે ટેલિવિઝનનો એ વિશિષ્ટ ઉપયોગ હતો; એની મહત્વની કાર્યક્રમ-શ્રેણીઓમાં ‘ચતુર મોટા’, ‘ગ્રામને છેડે’, ‘મારી મહેનત મારી કમાણી’, ‘હવે ન સહેવાં પાપ’, ‘કાકાની ડેલી’, ‘ત્રિભેટે’ વગેરે ખૂબ સફળ થઈ હતી. આ પ્રયોગને યુનેસ્કો સંસ્થાનું પારિતોષિક પણ મળ્યું હતું.
દેશની વિશાળ ગ્રામજનતા વિકાસના નામે ચાલતાં પ્રસારણ માધ્યમો મોટે ભાગે ઉચિત અને ઉપયોગી કાર્યક્રમ પ્રસારણના લાભોથી વંચિત રહ્યાં છે. ગ્રામજનો માટે હવે અનેક ‘સ્થાનિક રેડિયો કેન્દ્રો’ નાનાં નગરોમાં ખોલાવા છતાં એમનો અભિગમ પણ મુખ્યત્વે નગરકેન્દ્રી રહે છે, એનું મુખ્ય કારણ કદાચ ગ્રામ-પ્રસારણની તાલીમનો અભાવ અને આયોજકોની ગ્રામજીવનના પ્રત્યક્ષ અનુભવની ઊણપ છે. આ યંત્રવિદ્યાને ગ્રામપ્રસારણ માટે હજી સમુચિત રીતે પ્રયોજવાની બાકી છે.
હસમુખ બારાડી