ગ્રામધિરાણ : ગ્રામવિસ્તારમાં કૃષિ ઉત્પાદન અને અન્ય ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ માટે ગ્રામજનોએ લેવું પડતું ધિરાણ. પ્રત્યેક ઉત્પાદકીય પ્રવૃત્તિ માટે નાણાકીય સાધનો એક અગત્યની જરૂરિયાત હોય છે. ખેતી અને ગ્રામવિસ્તારના અન્ય વ્યવસાયો તેમાં અપવાદરૂપ નથી. ભારતના ગ્રામવિસ્તારમાં ખેતી અને આનુષંગિક વ્યવસાયો દેશના અર્થતંત્રમાં પ્રાધાન્ય ભોગવે છે. મોટા ભાગના ગ્રામજનો પરંપરાગત દેવાના અસહ્ય બોજ હેઠળ કચડાયેલા હોય છે. આ પરિસ્થિતિમાં ગ્રામવિસ્તાર ગ્રામધિરાણની ગંભીર અને પડકારરૂપ સમસ્યાનો સામનો કરે છે.

ભારતમાં ખેતી અને ગ્રામવિસ્તારના અન્ય વ્યવસાયો અસંગઠિત વ્યવસાયો છે. તેમની સફળતા કે નિષ્ફળતા મહદંશે ભૌગોલિક અને પ્રાકૃતિક પરિબળો પર આધારિત હોય છે. ખેડૂત અને અન્ય ગ્રામજનોની ઉત્પાદકીય તેમજ બિનઉત્પાદકીય ધિરાણની જરૂરિયાત વચ્ચે ભેદરેખા દોરવી મુશ્કેલ છે. બૅંકોએ ખેતી અને આનુષંગિક ઉત્પાદકીય પ્રવૃત્તિઓ માટે પણ ધિરાણ આપવાની બાબતમાં ઘણા લાંબા સમય સુધી વધુ રસ દાખવ્યો નહોતો અને તેથી ભારતના ખેડૂતો અને ગ્રામજનોને પોતાની ધિરાણ-જરૂરિયાતો પૂરી કરવા સદીઓ સુધી શરાફો અને શાહુકારો પર આધાર રાખવો પડ્યો છે.

ગ્રામધિરાણનું વર્ગીકરણ એક તો તેના હેતુ અનુસાર એટલે કે ઉત્પાદકીય અને બિનઉત્પાદકીય ગ્રામધિરાણ એ રીતે કરવામાં આવે છે. ગ્રામવિસ્તારની મોટા ભાગની ધિરાણ-જરૂરિયાતો ઉત્પાદકીય પ્રક્રિયાઓ સાથે સંલગ્ન છે, જેમ કે જમીનસુધારણા, નિવેશ (input) પ્રાપ્ત કરવા, ખેતપેદાશનું વેચાણ, કૂવા ખોદવા, ઢોર ખરીદવાં, કુટુંબ સિવાયની બહારની વ્યક્તિઓને શ્રમકાર્યમાં સંયોજી હોય તો તેના મહેનતાણાની ચુકવણી વગરે. ગ્રામજનો પોતાનાં કુટુંબીજનોનાં લગ્ન, જન્મ તથા અન્ય સામાજિક પ્રસંગોએ થતા ખર્ચને પહોંચી વળવા કે સોનું-રૂપું ખરીદવા માટે પણ નાણાં ઉછીનાં લેતા હોય છે. આ પ્રકારની પ્રવૃત્તિ માટે લેવાતા ધિરાણને બિનઉત્પાદકીય ધિરાણ તરીકે ઓળખી શકાય.

ઔદ્યોગિક ધિરાણ કરતાં ગ્રામધિરાણ અનેક રીતે અલગ પડે છે. ગ્રામધિરાણની જરૂરિયાત સામાન્યત: સ્થિર હોય છે. મોટા ભાગનું ગ્રામધિરાણ ખેતધિરાણ હોય છે તે અગાઉથી અંદાજી શકાતું નથી. જામીનગીરી તરીકે મુખ્યત્વે જમીન જ હોય છે. ખેડૂતો અને ગ્રામ-વ્યાવસાયિકો ધંધાનું જોખમ અન્ય પર ખસેડી શકતા નથી. આબોહવા જેવાં પ્રાકૃતિક પરિબળો પરના વધુ અવલંબનને લીધે ગ્રામજનો ઉત્પાદનના જથ્થા પર અને તેની ગુણવત્તા પર નહિવત્ અંકુશ ધરાવતા હોય છે તેમજ પોતાના અને કુટુંબીજનોના ચાલુ ઉપભોગખર્ચને પહોંચી વળવા માટે પણ તેમને ધિરાણ લેવું પડતું હોય છે. આ બધી ર્દષ્ટિએ ગ્રામધિરાણ અને ઔદ્યોગિક ધિરાણ વચ્ચે તફાવત છે.

ગ્રામધિરાણનાં પ્રાપ્તિસ્થાનોમાં સહકારી ધિરાણ મંડળીઓ, વ્યાપારી બૅંકો, સરકાર, શાહુકાર, શરાફો વગેરેને ગણાવી શકાય. તેમાં સહકારી ક્ષેત્ર અને વ્યાપારી બૅંકોએ વીતેલાં વર્ષોમાં સારી પ્રગતિ કરી છે. આમ છતાં, કુલ ધિરાણ-જરૂરિયાતોની અપેક્ષાએ આ ધિરાણ અપૂરતું નીવડ્યું છે. તેથી દેશી શરાફો અને શાહુકારોનું મહત્વ હજુયે ધિરાણદાતા તરીકે ઘણે અંશે ચાલુ રહ્યું છે. અલબત્ત, કુલ ગ્રામધિરાણમાં તેમનો હિસ્સો ક્રમશ: ઘટી રહ્યો છે.

ગામડાંમાં ખેતી સિવાયના વ્યવસાયોમાં કામ કરતા લોકોની આર્થિક સ્થિતિ પણ ખેડૂતોની જેમ નબળી જ રહી છે. તેથી તેમને પણ ઉત્પાદકીય અને બિનઉત્પાદકીય હેતુઓ માટે ધિરાણની જરૂર જણાતી રહી છે. જે ક્ષેત્રોમાંથી ખેડૂતો ધિરાણ મેળવતા રહ્યા છે તે જ ક્ષેત્રોમાંથી ખેતી સિવાયના વ્યવસાયોમાં રોકાયેલા લોકો પણ ધિરાણ મેળવતા રહ્યા છે. ખાસ નોંધપાત્ર બાબત તો એ છે કે બ્રિટિશ શાસનકાળ દરમિયાન ગ્રામઅર્થકારણ જેમ જેમ નબળું પડતું ગયું તેમ તેમ ખેતી અને અન્ય વ્યવસાયોમાં રોકાયેલા લોકો વચ્ચેની ભેદરેખા ભૂંસાતી ગઈ છે. ખેતી એ ઋતુગત વ્યવસાય હોવાથી ખેતી સિવાયના સમયગાળા દરમિયાન મોટા ભાગનાં ખેડૂત-કુટુંબો રોજગારીના પૂરક સાધન તરીકે અન્ય વ્યવસાયો અપનાવતાં રહ્યાં છે. દા.ત., હાથસાળ ઉદ્યોગ. તેવી જ રીતે ભારતના પ્રાચીન ગ્રામઉદ્યોગોની જેમ જેમ પડતી થતી ગઈ તેમ તેમ તેમાં રોકાયેલા લોકો આજીવિકા માટે ખેતી તરફ વળ્યા છે. આને પરિણામે મોટા ભાગના કિસ્સામાં ખેતી અને અન્ય વ્યવસાયો એકબીજાંની સાથે ભળી ગયાં છે. તેને કારણે ખેતી સિવાયના વ્યવસાયોની ગ્રામધિરાણની જરૂરિયાતોનો અલગ અંદાજ મળવો મુશ્કેલ છે. કદાચ તેથી જ ગ્રામધિરાણ એટલે જ ખેતધિરાણ એવું સમીકરણ મંડાયું હશે.

ભારતના અર્થતંત્રમાં કૃષિધિરાણનો મહત્વનો ફાળો હોવા છતાં, અને 1937માં રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયામાં એક અલાયદો કૃષિધિરાણ વિભાગ સ્થપાયેલો હોવા છતાં, કૃષિધિરાણની સર્વગ્રાહી પરિસ્થિતિનો ક્યાસ કાઢી શકે તેવી કોઈ તપાસ હાથ ધરવામાં આવી નહોતી. 1929ની મહામંદી પછી ભારતની કૃષિવ્યવસ્થા પર તેની જે અસર પડી તેના સંદર્ભમાં રિઝર્વ બૅંક વતી સર એમ. એલ. ડાર્લિંગે આ ક્ષેત્રને લગતી કેટલીક બાબતો અંગે તપાસ કરી હતી. તે પછી 1951-52માં આ ક્ષેત્રની સર્વગ્રાહી તપાસ હાથ ધરવા એ. ડી. ગોરવાલાના પ્રમુખપદે એક ખાસ તપાસ સમિતિ નીમવામાં આવી હતી જેના બીજા સભ્ય તરીકે વિખ્યાત અર્થશાસ્ત્રી ડી. આર. ગાડગીલ હતા. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ ગ્રામધિરાણ માળખાની સંપૂર્ણ તપાસ અને તેને આધારે તે ક્ષેત્રની પુન:રચના માટે જરૂરી ભલામણો કરવાનો હતો.

સમિતિએ તેની તપાસ દરમિયાન 302 પૈકી 75 જિલ્લાની તથા પ્રત્યેક જિલ્લાનાં 8 ગામોની એટલે કે કુલ 600 ગામોની તપાસ કરી હતી. આ 75 જિલ્લાની પસંદગી કરતી વખતે તે જિલ્લા દેશની ભૌગોલિક અને ખેતી અંગેની પરિસ્થિતિને પૂર્ણત: પ્રતિબિંબિત કરે છે તેવી તકેદારી રાખવામાં આવી હતી. તપાસ માટે જે ગામો પસંદ કરવામાં આવ્યાં હતાં તે દરેક ગામમાંથી 15 પરિવારોની એટલે કે કુલ 9,000 પરિવારોની જાતતપાસ કરી હતી. ઉપરાંત, ગ્રામધિરાણ કરનાર સંસ્થાઓ તથા તે ક્ષેત્રની આગેવાન વ્યક્તિઓની મુલાકાત પણ લીધી હતી.

સમિતિનો અહેવાલ ભારતના સહકારી ધિરાણ અને સમગ્ર કૃષિક્ષેત્રના વિકાસની ર્દષ્ટિએ એક ઐતિહાસિક દસ્તાવેજ ગણાય.

સમિતિની તપાસમાં નીચેની વિશેષ નોંધપાત્ર બાબતો છતી થઈ :

(1) કુલ ધિરાણમાં ખાનગી ધિરાણનો ફાળો 93 % હતો, જેમાં માત્ર શાહુકારોનો ફાળો 70 % જેટલો હતો. બીજી જે સંલગ્ન બાબત ફલિત થઈ તે એ કે કુલ ગ્રામધિરાણમાં સંસ્થાકીય ધિરાણનો ફાળો અપેક્ષા કરતાં ઘણો ઓછો રહ્યો છે. દા. ત., સરકારી ધિરાણ માત્ર 3.3 %, સહકારી ધિરાણ માત્ર 3.1 % અને વેપારી બૅંકોનું ધિરાણ 9.0 % હતું. ઉપરાંત કુલ ગ્રામધિરાણમાં મોટા ભાગનું ધિરાણ ધનિક ખેડૂતો પચાવી પાડતા હતા. ખેડૂતો જે કુલ ધિરાણ મેળવતા હતા તેમાંથી આશરે 50 % ધિરાણ બિનઉત્પાદકીય હેતુઓ માટે વપરાતું હતું.

(2) સહકારી ધિરાણની નિષ્ફળતા છતાં સમિતિએ ‘સુગ્રથિત ગ્રામધિરાણ યોજના’ની ભલામણ કરી હતી, જેમાં સહકારી ધિરાણ મંડળીઓએ કેન્દ્રસ્થાને ભાગ ભજવવાનો રહેશે એવો મત સમિતિએ વ્યક્ત કર્યો હતો. સમિતિએ એવો પણ અભિપ્રાય વ્યક્ત કર્યો કે જો દેશમાં ગ્રામલક્ષી અભિગમ ઊભો કરવો હોય તો તે માટેના કોઈ પણ અસરકારક કાર્યક્રમમાં સહકારી સંસ્થાઓ સાથે સરકારે પણ સક્રિયપણે જોડાવાનું રહેશે. સમિતિની મુખ્ય ભલામણો આ મુજબ હતી : (i) ગ્રામધિરાણ ક્ષેત્રની પુન:રચના કરવા સંકલિત અને યોજનાબદ્ધ કાર્યક્રમમાં રાજ્યે સક્રિય ભાગ ભજવવો જોઈએ જેમાં ધિરાણનો ઉપયોગ માત્ર ઉત્પાદક પ્રવૃત્તિઓ માટે જ થાય તેવાં પરિબળોનું નિર્માણ કરવું, સહકારી વેચાણ સંસ્થાઓ તેમજ સહકારી પ્રોસેસિંગ સંસ્થાઓની સ્થાપનામાં મદદ કરવી. દેશના જુદા જુદા વિસ્તારોમાં ગોદામો અને કોઠારો બનાવવાં માટે નૅશનલ કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ ઍન્ડ વેરહાઉસિંગ બોર્ડ અને ઑલ ઇન્ડિયા વેરહાઉસિંગ કૉર્પોરેશન તથા સ્ટેટ વેરહાઉસિંગ કૉર્પોરેશનો જેવી સંસ્થાઓ સ્થાપવા પ્રત્યક્ષ ફાળો આપવો, ગ્રામવિસ્તારની સહકારી બૅંકો તેમજ ગ્રામકક્ષાની અન્ય સંસ્થાઓના વિકાસ માટે ઇમ્પીરિયલ બૅંકનું રાષ્ટ્રીયકરણ કરી નવા સ્વરૂપે સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયાની સ્થાપના, સિંચાઈ, વાહનવ્યવહાર, પશુપાલન, ગૃહઉદ્યોગો જેવી ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવા વગેરે તરફ નિર્દેશ કરવામાં આવ્યો છે. (ii) દેશની અન્ય આર્થિક પ્રવૃત્તિઓ અને વિકાસકાર્યક્રમોનું એક અગત્યનું અંગ બની રહે તે રીતે ધિરાણ-માળખાનું સંયોજન કરવું. (iii) ગ્રામજીવન અંગે સુપરિચિત હોય અને ગ્રામજનો સાથે સહૃદયતાપૂર્વક એકરૂપ થઈ શકે તેવા કાર્યકરોને ગ્રામધિરાણ-માળખાનું નેતૃત્વ અને વહીવટ સોંપવાં. (iv) વિશિષ્ટ કાર્યો માટે અલગ ભંડોળ રચવું. રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાના વહીવટ હેઠળ નૅશનલ ઍગ્રિકલ્ચરલ ક્રેડિટ (લૉગ ઑપરેશન્સ) ભંડોળ અને નૅશનલ ઍગ્રિકલ્ચરલ ક્રેડિટ (સ્ટેબિલાઇઝેશન) ભંડોળ રચવું. તેવી જ રીતે નૅશનલ કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ ઍન્ડ વેરહાઉસિંગ બોર્ડ હેઠળ નૅશનલ કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ ફંડ અને નૅશનલ વેરહાઉસિંગ ડેવલપમેન્ટ ફંડ રચવું. (v) રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા જમીન ગીરો બૅંકો(Land Mortuage Bank)નાં ડિબેન્ચરમાં મૂડી રોકીને સહકારી ધિરાણપ્રવૃત્તિને વેગ આપવા સધ્ધર કામગીરી બજાવી શકે તેવી જ રીતે રાજ્ય સરકાર બાંયધરી દ્વારા રાજ્ય કક્ષાની સહકારી બૅંકોને ટૂંકા તેમજ મધ્યમ ગાળાનું ધિરાણ કરી શકે. (vi) ગ્રામધિરાણ માળખાનાં જુદાં જુદાં પાસાં વચ્ચે સુસંકલન કરવા રાજ્ય સરકારોએ રિઝર્વ બૅંકની સલાહ લઈ સહકારી ધિરાણ સંસ્થાઓની પુન:રચના કરવા વિસ્તૃત યોજના તૈયાર કરવી. (vii) રાજ્યકક્ષાની સહકારી બૅંકો અને જમીન ગીરો બૅંકોની પ્રવૃત્તિઓનું સુસંકલન થાય તેમજ કાર્યકુશળતા વધે તે માટે બંનેમાં કેટલાક નિયામકો અને વહીવટકર્તાઓ એક જ (common) હોવા જોઈએ. (viii) રાજ્ય સરકાર દ્વારા અપાતી તગાવી અને તેવી સમકક્ષ લોનો માત્ર પૂર, દુષ્કાળ કે તેવી અન્ય પ્રાકૃતિક હોનારતોને પહોંચી વળવા માટે જ અપાવી જોઈએ. (ix) સહકારી સંસ્થાઓ દ્વારા થતું ધિરાણ માત્ર ઉત્પાદક પ્રવૃત્તિઓ માટે જ વપરાય તે હેતુસર શક્ય હોય ત્યાં બિયારણ, રાસાયણિક ખાતર કે ઓજારોની વિગત જે તે ખેડૂતની રોકાણયોજનાને ધ્યાનમાં રાખી નક્કી થવી જોઈએ અને ખેતપેદાશોની વેચાણઆવકમાંથી તેની વસૂલાત થવી જોઈએ. લાંબા ગાળાના ધિરાણની જવાબદારી જમીન ગીરો બૅંકોએ ઉપાડવી જોઈએ. અનુત્પાદક પ્રવૃત્તિઓ માટે નાણાં ચિટ ફંડ જેવી યોજનાઓ દ્વારા પૂરાં પાડવાં જોઈએ. (x) જુદા જુદા વિસ્તારોમાં સહકારી વેચાણ સંસ્થાઓ અને પ્રોસેસિંગ મંડળીઓના ઝડપી વિકાસ માટે તાલીમ પામેલ કર્મચારીઓ ઉપલબ્ધ બનાવવાની જવાબદારી રાજ્યે ઉપાડવી જોઈએ (xi) ઑલ ઇન્ડિયા વેરહાઉસિંગ કૉર્પોરેશન તેમજ રાજ્ય કક્ષાનાં વેરહાઉસિંગ કૉર્પોરેશનો સ્થાપવાં જોઈએ. નાનાં ગામોમાં સ્થાનિક સહકારી સંસ્થાઓએ કોઠારો બનાવવા જોઈએ. (xii) સહકારી સંસ્થાઓનાં સંચાલન, નાણાકીય સધ્ધરતા, હિસાબ અને સેવા તેમજ સાધનોનો ઉત્પાદક પ્રવૃત્તિઓ માટે જ ઉપયોગ થાય તે માટે કડક અને કાળજીપૂર્વકની દેખરેખ રાખવી જોઈએ. (xiii) સહકારી ક્ષેત્રે કામ કરતા કાર્યકરો માટે સઘન તાલીમની જોગવાઈ થવી જોઈએ.

અખિલ ભારત ગ્રામધિરાણ તપાસ સમિતિની સરકારે સ્વીકારેલી અને અમલી બનાવેલી ભલામણો આ પ્રમાણે છે : (i) 1955ના મધ્યમાં ઇમ્પીરિયલ બૅંકનું રાષ્ટ્રીયકરણ કરી સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી, જે ગ્રામ અર્થકારણમાં વિકાસપોષક સધ્ધર કામગીરી બજાવે છે. (ii) નૅશનલ કો-ઑપરેટિવ ડેવલપમેન્ટ ઍન્ડ વેરહાઉસિંગ બોર્ડ, સેન્ટ્રલ વેરહાઉસિંગ કૉર્પોરેશન અને 11 સ્ટેટ વેરહાઉસિંગ કૉર્પોરેશનો સ્થાપવામાં આવ્યાં. (iii) રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા હેઠળ નૅશનલ ઍગ્રિકલ્ચરલ ક્રેડિટ (લૉંગ ટર્મ ઑપરેશન્સ) તેમજ નૅશનલ ઍગ્રિકલ્ચરલ ક્રેડિટ (સ્ટેબિલાઇઝેશન) ભંડોળની રચના કરવામાં આવી. (iv) રિઝર્વ બૅંક પાસેથી સહકારી સંસ્થાઓ દ્વારા નાણાકીય મદદ મેળવવાની કાર્યપ્રણાલિકા સરળ બનાવવામાં આવી. (v) કેન્દ્ર સરકાર અને મધ્યસ્થ બૅંકે સંયુક્તપણે પુણેમાં સહકારી તાલીમ કૉલેજ શરૂ કરી. જુદા જુદા ક્ષેત્રીય વિસ્તારોમાં આવી પાંચ તાલીમ શાળાઓ ઊભી કરાઈ. સહકારી સંસ્થાઓને નાણાકીય મદદ કરવાની દિશામાં રાજ્યનો ફાળો ઉત્તરોત્તર વધતો ગયો છે.

જૂન 1966માં વૈંકટપ્પૈયાના અધ્યક્ષપદે ગ્રામધિરાણ પુન:સમીક્ષા સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિએ ગ્રામધિરાણમાં પ્રગતિ, પાક-લોન યોજનાનું વ્યાપક સ્વરૂપ, વ્યાપારી બૅંકોની આ ક્ષેત્રે કામગીરી, સહકારી સંસ્થાઓ અને સામૂહિક વિકાસ સંસ્થાઓ વચ્ચે સંકલન અને અલગ ખેતધિરાણ કૉર્પોરેશનની જરૂરિયાત અંગે ભલામણો કરવાની હતી; સમીક્ષા સમિતિએ સહકારી ધિરાણ માળખા અંગેની ભલામણોમાં દેશના જુદા જુદા વિસ્તારોમાં સહકારી ધિરાણ માળખાના વિસ્તાર માટે રાજ્ય સરકારોએ કેન્દ્રીય સહકારી બૅંકો અને રાજ્ય સહકારી બૅંકોની શૅરમૂડીમાં વધુ ફાળો આપવો જોઈએ તેમજ યોગ્ય પ્રમાણમાં અનુદાન અથવા થાપણો દ્વારા તેમને પૂરો ટેકો આપવા અંગે, રિઝર્વ બૅંક પરનું અવલંબન દૂર કરવા સહકારી બૅંકોની અસરકારક થાપણવૃદ્ધિ યોજના અંગે, નાના ખેડૂતોની સમસ્યા નિવારવા અલગ સંસ્થાની રચના અંગે તથા ખેડૂતોની આર્થિક સ્થિતિના ધોરણે ધિરાણની વહેંચણી અંગે ભલામણો કરી હતી. ગ્રામધિરાણમાં વેપારી બૅંકોના ફાળા અંગેની ભલામણોમાં પસંદગીયુક્ત ધિરાણ વિસ્તારવા અંગે, ખેતપેદાશોનાં ખરીદવેચાણની પ્રક્રિયા સરળ અને ઝડપી બને તે માટે જરૂરી ખેતધિરાણ પૂરું પાડવા અંગે, ખેત ઉત્પાદનસામગ્રી અને નિવેશો (inputs) ઉત્પન્ન કરતી પેઢીઓને ધિરાણ પૂરું પાડવા અંગે, સહકારી ધિરાણ સંસ્થાઓને પૂરક બની શકે તે મુજબનું ધિરાણ ગોઠવવા અંગે, ધિરાણના યોગ્ય ઉપયોગ અને સમયસર વસૂલાત અંગે તેમજ સહકારી ઉદ્યોગોને ચાલુ મૂડીરૂપી ધિરાણ, ખેત-યંત્રસામગ્રી પૂરી પાડનારી સંસ્થાઓ, કેન્દ્ર કક્ષાની જમીન વિકાસ બૅંકો, ખેતપેદાશની પ્રાપ્તિની પ્રક્રિયા માટે ધિરાણ જેવાં વિશિષ્ટ ક્ષેત્રોમાં ધિરાણ અંગેની ભલામણોનો સમાવેશ થયેલો. ઉપરાંત ગ્રામવિસ્તારોમાં બચતવૃત્તિ અને બૅંક વ્યવહારની ટેવ પ્રોત્સાહિત કરવા વેપારી બૅંકોની થાપણો પરના વ્યાજના દરમાં પ્રલોભનરૂપ ફેરફારો કરવાનું અને ખેડૂતો પાકતી મુદતે લોનની પરત ચુકવણી કરી શકે તેમ ન હોય ત્યારે શરતી મુદત લંબાવવાની જોગવાઈ ઘડવાનું સૂચન પણ કર્યું હતું. ભારતના ખેતધિરાણ માળખાની પુનર્રચના અને વિકાસની ર્દષ્ટિએ આ ભલામણો મહત્વની લેખી શકાય.

હર્ષદ ઠાકર