ગ્રાફ, રેઇનિયર ડે (જ. 30 જુલાઈ 1641, શૂનહોવન; અ. 17 ઑગસ્ટ 1673, ડેલ્ફ્ટ) : ફૉલિકલના શોધક ડચ વિજ્ઞાની. સસ્તનોના અંડકોષની ફરતે ગ્રાફિયન ફૉલિકલ પેશીનો વિકાસ થાય છે. અંડકોષ અને આ ફૉલિકલમાંથી ઍસ્ટ્રોજન અંત:સ્રાવ ઝરે છે. આ ફૉલિકલની શોધ સૌપ્રથમ ગ્રાફે કરેલી. ઉપરાંત સ્વાદુપિંડ અને પ્રજનનતંત્રનો પણ તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો.
1665માં એંજર્સ વિશ્વવિદ્યાલયમાંથી એમ.ડી.ની ડિગ્રી મેળવી તબીબી વ્યવસાયમાં જોડાયા. સાથોસાથ સંશોધનક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી હતી.
મ. શિ. દૂબળે