ગ્રાઇસેન : મોટે ભાગે અબરખ, ક્વાર્ટઝ અને ક્યારેક ટોપાઝ (પોખરાજ) સહિતનાં ખનીજોના બંધારણવાળો એક પ્રકારનો ખડક. ગ્રૅનાઇટ કે ગ્રૅનાઇટ જેવા ખડકો ઉપર ફ્લૉરિન-સમૃદ્ધ ઉષ્ણબાષ્પ ખનીજ-પ્રક્રિયા થતાં, તેમાં રહેલું ઑર્થોક્લેઝ ફેલ્સ્પાર K2O · Al2O3 · 6SiO2 પરિવર્તિત થતું જઈ જલયુક્ત બંધારણવાળા અબરખમાં ફેરવાય છે. આ અબરખ મોટે ભાગે તો મસ્કોવાઇટ હોય છે; પરંતુ ક્યારેક લિથિયમની બાષ્પ વધુ હોય તો લેપિડોલાઇટ (લિથિયમ-અબરખ) પણ બની શકે છે. આ જ પ્રક્રિયાના પરિણામરૂપ ટ્રૂર્મેલિન, ફ્લૉરાઇટ, રૂટાઇલ, કૅસિટરાઇટ અને વુલ્ફ્રેમાઇટ જેવાં અનુષંગી ખનીજો, બનેલાં હોય તો ઓછાવત્તા પ્રમાણમાં આ ખડક સાથે ભળેલાં મળી શકે છે.
ગ્રાઇસેન એ એવા પ્રકારનો ગ્રેનિટૉઇડ ખડક છે જેમાં ઉત્પત્તિ વખતના સંજોગો મુજબ તે કવાર્ટ્ઝ અને મસ્કોવાઇટ ખનીજોના કોષ કે તંતુ ધરાવતી રચનાઓ પણ જોવા મળે છે. તેની ઉત્પત્તિની સાથેસાથે ઉપર જણાવેલાં કેટલાંક ફ્લૉરિનસમૃદ્ધ સંબંધિત ખનીજો (જો ઉત્પન્ન થાય તો) પણ હોઈ શકે છે.
મસ્કોવાઇટ, ક્વાર્ટ્ઝ, ટોપાઝ અને ટૂર્મેલિનવાળા કલાઈ-ધારક સ્થૂળ દાણાદાર ખડકને પણ ગ્રાઇસેન તરીકે ઓળખાવી શકાય. ચૂનાખડક કે ડોલોમાઇટ ખડકોના સંપર્કમાં રહેલો ગ્રૅનાઇટ ઉષ્ણખનીજકારકો- (mineralizers)ની અસર હેઠળ આવે તો તેમાં રહેલો ફેલ્સ્પાર પરિવર્તિત થઈ અબરખમાં પરિણમે છે અને પરિણામી ખડક વધુ પડતી અબરખ-પતરીઓથી સમૃદ્ધ બની રહે છે. આ રીતે પણ ગ્રાઇસેન બની શકે છે. આ પ્રકારના ખડકમાં કૅસિટરાઇટ જેવાં કલાઈનાં ધાતુખનીજો સાથે સાથે તૈયાર થયાં હોય તો તે ખનીજો માટેનો માતૃખડક બની રહે છે.
કલાઈના ધાતુખનીજ નિક્ષેપો – કૅસિટરાઇટ – SnO2 સામાન્યત: ગ્રાઇસેન સાથે સંકલિત હોય છે, ઉપરાંત તેમાં ટોપાઝ અને ટૂર્મેલિન પણ છૂટક છૂટક ભળેલાં જોવા મળે છે. ઉષ્ણબાષ્પ પ્રક્રિયા દરમિયાન ધાતુઓનું પ્રવિષ્ટ પ્રમાણ નિસ્યંદન અને પરિણામી જલીય વિઘટન દ્વારા નક્કી થતું હોય છે. નીચેનું સૂત્ર આ પ્રક્રિયાના ઉદાહરણરૂપે ટાંકી શકાય :
SnF4 + 2H2O → SnO2 + 4HF
અહીં થતી HFની ઉત્પત્તિ નજીકના ખડકોમાં પણ મોટા પ્રમાણમાં પરિવર્તન લાવી મૂકે છે.
ગ્રૅનાઇટ કે ગ્રૅનાઇટસમ બંધારણવાળા ખડકોનું મૅગ્મામાંથી ઘનીભવન થઈ ગયા બાદ તેમના ખનીજબંધારણની મૂળભૂત સ્થિતિમાં ભાગ્યે જ રહેલા જોવા મળે છે. મૅગ્માજન્ય જલ કે બાષ્પનિર્મિત અવશિષ્ટ દ્રાવણોની પ્રક્રિયાની અસર હેઠળ આવે તો આ પ્રકારના ખડકો સ્થાનભેદે અને પ્રાપ્ત સંજોગભેદે તેમના બંધારણમાં ભિન્ન ભિન્ન પ્રમાણમાં ફેરફારો માટે ગ્રાહ્ય બની રહે છે, જે તેમના ખનીજ બંધારણમાં પરિવર્તન લાવી મૂકે છે. ગ્રાઇસેન આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ લેખી શકાય.
ગિરીશભાઈ પંડ્યા