ગ્રહશાન્તિ : મનુષ્યજીવન પર ગ્રહોની થતી વિપરીત અસરની શાન્તિ અર્થે તેમજ શુભ અસરની પુષ્ટિ અર્થે કરાતો યજ્ઞ. સૂર્ય, ચંદ્ર આદિ ખગોલીય પિંડો તેમની સારીમાઠી અસર દ્વારા મનુષ્યને ગ્રહણ કરે છે – પકડે છે, તેથી તે ગ્રહ કહેવાય છે. गृहणन्ति इति ग्रहा: (ग्रह् + अच्) એવી તે શબ્દની વ્યુત્પત્તિ છે. વૈદિક યાગોમાં સોમપાન માટેનું પાત્ર હાથમાં પકડાય છે — गृह्यते તેથી તે પણ ગ્રહ કહેવાય છે. ઐન્દ્રજાલિક શક્તિ મનુષ્યને પકડે છે — અસર કરે છે — તેથી શતપથ બ્રાહ્મણ (4-6-5-5)માં તેને પણ ગ્રહ કહી છે. મૈત્રાયણી ઉપનિષદ(6-16)માં ખેચર પિંડના અર્થમાં આ શબ્દ વપરાયો છે. અથર્વવેદ પરિશિષ્ટનાં નક્ષત્રકલ્પ, ચંદ્રપ્રાતિપદિક, ગ્રહયુદ્ધ, ગ્રહસંગ્રહ, રાહુ-કેતુલક્ષણ, રાહુકેતુચાર, દિગ્દાહ, નક્ષત્રગ્રહોત્પાત વગેરે પરિશિષ્ટોમાં ખગોલીય પિંડો અને તેમની ગતિવિધિવિષયક વિગતો મળે છે.

વૈદિક પરંપરામાં શમ્ (શુભ), ભદ્ર (કલ્યાણ), શાન્તિ આદિ અંગેનાં સૂક્તો કે મંત્રો અમંગલ નિવારણાર્થે પ્રયોજાય છે. અદભુત(ભયાવહ ચમત્કાર)ની શાન્તિથી સધાતા અનુકૂલનનો વિચાર વેદ જેટલો પ્રાચીન છે. વેદના મંત્ર-બાહ્મણ ગ્રંથોમાં શાન્તિપૌષ્ટિક (અરિષ્ટનિવારણ અને શુભસંવૃદ્ધિ કરનારાં) કર્મોની વિગતો મળે છે; પણ ગ્રહશાન્તિનું સ્વતંત્ર વિધાન સ્પષ્ટ રીતે જણાતું નથી. અલબત્ત, શાન્તિ વિના પુષ્ટિ સંભવે નહિ તેથી શાન્તિકર્મોને મહત્વ આપવામાં ઔચિત્ય રહેલું છે.

વિવાહ અને ઉપનયન જેવાં આભ્યુદયિક કર્મો તેમજ શ્રાદ્ધ સિવાયનાં શાન્તિ-પૌષ્ટિક કર્મોમાં ગ્રહાનુકૂલ્ય સાધવા સારુ તેમજ ઉત્પાત કે અદભુત થવાના પ્રસંગે અરિષ્ટ(અનિષ્ટ)ના નિવારણાર્થે ગૌણ રીતે ગ્રહયજ્ઞ કરવાનું ‘ધર્મસિન્ધુ’માં જણાવ્યું છે. વિષુવદિન (કર્ક કે મકર- સંક્રાન્તિનો દિવસ) તથા જન્મનક્ષત્ર દિનપ્રસંગે નિત્ય અને વિવાહ-ઉપનયન આદિમાં નૈમિત્તિક તથા સંકટનિવૃત્તિ જેવાં કામ્ય કર્મોમાં પ્રાસંગિક ગ્રહયજ્ઞ કરવાનું ‘સંસ્કારરત્નમાલા’માં વિધાન છે. ગૌતમ, આશ્વલાયન આદિ ગૃહ્યસૂત્રકારો ગ્રહયાગની પરંપરાને અનુસરે છે. યાજ્ઞવલ્ક્ય-સ્મૃતિ તેના આચાર-અધ્યાયમાં ગ્રહશાન્તિનું સ્વતંત્ર પ્રકરણ આપે છે. વરાહ, અગ્નિ, મત્સ્ય અને સ્કંદપુરાણોમાં અને બૃહત્સંહિતામાં ગ્રહયજ્ઞની માહિતી મળે છે, તે યાજ્ઞવલ્ક્ય-સ્મૃતિને ઘણે અંશે મળતી આવે છે. શ્રી, શાન્તિ, વૃષ્ટિ, આયુષ્ય કે પુષ્ટિની કામના કરનારે તેમજ અભિચારની સિદ્ધિ ઇચ્છનારે ગ્રહયજ્ઞ કરવો જોઈએ (યાજ્ઞ. સ્મૃ. 1. 293). નિ:સંતાન, મૃતવત્સા કે દુર્ભગા (પતિને અપ્રિય) નારીએ તેમજ વરાર્થિની કન્યાએ ગ્રહયજ્ઞ કરવો જોઈએ (સ્મૃ. કૌ. પૃષ્ઠ 455). મત્સ્યપુરાણ શ્રુતિથી પ્રમાણિત ત્રિવિધ ગ્રહયજ્ઞ ગણાવે છે :

प्रथमोडयुतहोम: स्याल्लक्षहोमस्तत: पर: ।

तृतीय: कोटिहोमस्तु सर्वकामफलप्रद: ।।

[પહેલો (નાનો) હોમ દસ હજાર આહુતિનો, તેનાથી મોટો લક્ષ આહુતિનો હોમ અને ત્રીજો કરોડ આહુતિનો હોમ એ સર્વ કામનાઓને પૂરી કરનાર છે.]

હેમાદ્રિએ (2-80.592માં) ભિન્ન ભિન્ન ગ્રહોના યાગોની આપેલી વિગતો આનાથી જુદી છે.

ગ્રહયજ્ઞમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુની, અનુક્રમે તામ્ર, સ્ફટિક, રક્તચંદન, સુવર્ણ, રજત, આયસ (લોઢું), સીસું અને કાંસાની મૂર્તિઓમાં आकृष्णेन (शुक्ल यजुर्वेदसहिंता, अध्याय 33 मंत्र 43), इमन्देवा, (शु. य. 9.40), अग्निर्मूर्धा दिवः ककुत् (शु. य. 3.32), उद्बुध्यस्व (शु. य. 35. 54), बृहस्पते अतियदर्यो (शु. य. 26.3) અથવા बृहस्पते परिदीया, (शु. य. 17.36) अन्नात् परिस्त्रुत: (शु. य. 19.75), शन्नो देवी (शु. य. 36.12), काण्डात्o (शु. य. 13.20) અથવા कयानश्चित्र (शु. य. 27.39) અને केतुं कृण्वन्o (शु. य. 29.37) – એ મંત્રોથી ગ્રહોનાં પૂજન, જપ તથા અર્ક (આકડો), પલાશ (ખાખરો), ખદિર (ખેર), અપામાર્ગ (અઘેડો), પિપ્પલ, ઉદુમ્બર (ઊમરો), શમી, દૂર્વા અને કુશની સમિધાઓ અને મધ તથા સર્પિ(ઘી) કે દહીં-દૂધ સહિતનો પ્રત્યેક ગ્રહની 8,28,108 કે 1008 આહુતિઓના પ્રમાણમાં વ્યાહૃતિ સહિતનો હોમ કરી, ગ્રહાનુસાર બલિદાન અને દક્ષિણા આપવાનું વિધાન છે. ગ્રહોની સાથે અનુક્રમે ઈશ્વર, ઉમા, સ્કંદ, વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર, યમ, કાલ અને ચિત્રગુપ્ત — એ અધિદેવતાઓ તથા અગ્નિ, અપ્, પૃથ્વી, વિષ્ણુ, ઇન્દ્ર, ઇન્દ્રાણી, પ્રજાપતિ, સર્પ અને બ્રહ્મા — એ પ્રત્યધિદેવતા તેમજ વિનાયક, દુર્ગા, વાયુ, આકાશ અને અશ્વિનયુગ્મ – એ પંચ લોકપાલ, વાસ્તોષ્પતિ, ક્ષેત્રપાલ અને ઇન્દ્રાદિ દસ દિક્પાલનાં પૂજન અને હોમ પણ કરવાં જોઈએ.

જન્મ, લગ્ન કે ગોચરમાં દુ:સ્થ ગ્રહોનું વિશેષ પૂજન અવશ્ય કરવું એવું વિધાન છે.

અથર્વવેદ પરિશિષ્ટમાં ગ્રહોના લઘુલક્ષહોમ, બૃહલ્લક્ષહોમ અને કોટિહોમની વિગતો છે. શૌનકે લક્ષહોમમાં ગાયત્રી જપ, યવ-ધાન્ય (ડાંગર) મિશ્રિત તલની આહુતિ, ધેનુની દક્ષિણા અને સૂર્ય માટે અર્ક, ચંદ્ર માટે પલાશ, વિષ્ણુ માટે અશ્વત્થ (પીપળો) અને બ્રહ્મા માટે ઉદુંબરની સમિધાઓનો હોમ કરવાથી વિપુલ ભોગ, આયુષ્ય, તેજ અને કીર્તિ પ્રાપ્ત થાય છે એમ ગૌતમે કહ્યું છે. અથર્વા ઋષિએ કાંકાયનને બતાવ્યું છે કે બ્રાહ્મણ, રાજા, વૈશ્ય, ગ્રામ કે જનપદે શ્રી અને શાન્તિની કામના સિદ્ધ કરવા સારુ ગાયત્રીના મહાવ્યાહૃતિ હોમ સહિત કોટિહોમ કે લક્ષહોમ કરવો. શ્રી માટે શ્રીપર્ણી (કંભારી), શાંતિ માટે શમી, વૃષ્ટિ માટે કરીરસક્તુ (કેરડાનાં ફળ અને સાથવો) અને પશુની સમૃદ્ધિ માટે બદર (બોર) આદિનો ફળમિશ્ર હોમ કરવો. કોટિહોમ, લક્ષહોમ કે અયુતહોમ પછી મહાભિષેક કરવો અને પછી વસોદ્વારાનો (ઘીની ધાર કરી થતો હોય) હોમ કરવો.

બ્રહ્માએ સૌપ્રથમ અસુરોથી પીડાયેલા દેવોને મૃત્યુ અને વ્યાધિ જીતનારો અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવનારો આવો હોમ બતાવ્યો હતો. આ હોમમાં જવ, તલ, વ્રીહિ (ડાંગર) અને સર્ષપ (સરસવ) – એ હોમદ્રવ્ય મુખ્ય છે. ઐશ્વર્ય, આયુ, આરોગ્ય, સ્થાનપ્રાપ્તિ, યશ, મેધા, બલ અને પૌરુષની પ્રાપ્તિ માટે ગાયત્રીમંત્રથી શાંત વૃક્ષોની સમિધાઓ ખાસ હોમવાનું વિધાન છે. મૂળે મહાદેવે અથર્વાને આ હોમ બતાવ્યો હતો. આ હોમમાં સો, હજાર, દસ હજાર, લાખ કે કરોડની સંખ્યામાં આહુતિઓ અપાય છે. શાન્તિકર્મમાં ગ્રહયજ્ઞ અંગભૂત હોય તો બલિદાન અપાતું નથી. એ સિવાય સ્વતંત્ર ગ્રહહોમમાં બલિદાન અપાય છે. દર સો હોમમાં એક પૂર્ણાહુતિ એ ક્રમે પૂર્ણાહુતિની સંખ્યા ગણાય છે. મત્સ્યપુરાણમાં ગાયત્રી, ‘માનસ્તોકેo’, નવગ્રહમંત્રો, વિષ્ણુમંત્ર, કુષ્માંડ અને કુસુમાદિ મંત્રો કે બાદર મંત્ર, લક્ષ્મી, ઇન્દ્ર આદિ દેવોના મંત્રોથી લક્ષહોમ કે કોટિહોમ કરવાનું વિધાન છે.

ગ્રહયજ્ઞમાં નિર્દેશાયેલા ગ્રહોનાં સ્વરૂપો, તેમનાં ધાતુ, રત્ન, ઓષધિ સમિધ વગેરે, ગ્રહોની ગતિ-વિધિ, તેમના પારસ્પરિક સંબંધો, પ્રાણીઓના જન્મ અને જીવન દરમિયાન ઘટતી ઘટનાઓ અને અસરો, પ્રતિકૂળ અસરોના નિવારણાર્થે નિર્દેશાયેલા મંત્ર, જપ, હોમ વગેરે અંગેનાં વિધાનો એમ માનવા પ્રેરે છે કે —

ग्रहा राज्यं प्रयच्छन्ति ग्रहा राज्यं हरन्ति च ।

ग्रहैर्व्याप्तमिदं सर्व त्रैलोक्यं सचराचरम् ।।

तोषितास्तु ग्रहाः सर्वे शान्ति कुर्वन्ति सर्वदा ।

द्विपदे चतुष्पदे वापि शरीरे वाहने गृहे ।।

ग्रहाधीनं जगत् सर्व ग्रहाधीना नरावराः ।

सृष्टिरक्षणसंहारा: सर्वे चापि ग्रहानुगाः ।

[ગ્રહો (પ્રસન્ન થાય તો) રાજ્ય આપે અને (અપ્રસન્ન હોય તો) ગ્રહો રાજ્ય હરી લે છે. આ સમગ્ર વિશ્વ ગ્રહોના પ્રભાવમાં છે. સર્વ ગ્રહો પ્રસન્ન કરાય તો મનુષ્ય, પશુ આદિ સર્વને શરીરે, વાહને અને ઘરમાં શાન્તિ કરે છે. સમસ્ત જગત ગ્રહોને અધીન છે. મનુષ્યો અને ક્ષુદ્રજીવો ગ્રહને વશ છે. જગતનું સર્જન, પાલન અને સંહાર એ સર્વે ગ્રહોને અનુસરી થાય છે.]

આમ છતાં, ખગોલીય પિંડોની અસરોની ચોકસાઈ માટે વૈજ્ઞાનિક પરીક્ષણ કરવું જરૂરી છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા