ગ્રહલાઘવ : ઈ. સ 1863માં ગણેશ દૈવજ્ઞરચિત કરણ ગ્રંથ. ખગોળ ગણિતના લેખનમાં ‘સિદ્ધાંત’ ‘તંત્ર’ અને ‘કરણ’ એવાં વિશેષણો સાથેના ગણિતગ્રંથો હોય છે. એક અર્થમાં તો સિદ્ધાંત ‘તંત્ર’ બધા શબ્દો સમાનાર્થી છે; પરંતુ અમુક વર્ષ(સંવત કે શક)થી તે વખતના ઇષ્ટ સમયના મધ્યમ ગ્રહો નક્કી કરી તેમને ધ્રુવાંક માની તે પછીના સમયના અહર્ગણ એટલે દિનાંક ઉપરથી ગ્રંથકારે સ્વીકારેલી સૂર્યાદિ ગ્રહોની ગતિ ઉપરથી અનુપાત કરી જે ગ્રંથમાં ઇષ્ટ સમયના ગ્રહો તથા સ્પષ્ટ ગ્રહો અને ગ્રહણ ઇત્યાદિ ઉપયોગી ગણિત હોય તેને કરણ ગ્રંથ કહેવામાં આવે છે.

સિદ્ધાત ગ્રંથોમાંના યુગ કે મહાયુગના આરંભકાળના ગ્રહો ઉપરથી આગળના ગ્રહોનું ગણિત કરવામાં મોટા ગુણાકાર-ભાગાકાર આદિ ગણિતની મુશ્કેલીઓ દૂર કરવા માટે અહર્ગણોની સંખ્યા નાની રહે તે હેતુથી અમુક એક શકારંભ કે સમયથી ઇષ્ટકાલ પર્યંતના અહર્ગણ (દિનસમૂહ) લેવામાં આવે છે. ‘ગ્રહલાઘવ’ના કર્તાએ પોતાના ગ્રંથના મોટા અહર્ગણની સંખ્યાની જગ્યાએ લાઘવ માટે યુક્તિ કરી. અમુક વર્ષનું ચક્ર કલ્પી તેનો સંસ્કાર આપી ગણિતની મહેનતને તેમણે ટૂંકી કરી છે તેથી ગ્રંથનું નામ ‘ગ્રહલાઘવ’ સાર્થક બન્યું છે.

ગણેશ દૈવજ્ઞ તેમના સમયમાં બહુ પ્રસિદ્ધ જ્યોતિષી હતા. તેમણે આ ગ્રંથ 20 કે 22 વર્ષની ઉંમરે લખેલો. જ્યોતિષ અને ધર્મશાસ્ત્રનાં પ્રકરણો ઉપર તેમણે મહત્વની ટીકાટિપ્પણી લખેલી છે. તેમનો આ સૌથી પ્રસિદ્ધ ગ્રંથ છે. ‘ગ્રહલાઘવ’માં આરંભ વર્ષ શાલિવાહન શકે 1442નો છે અર્થાત્ 19 માર્ચ, 1520 ને સોમવાર એટલે શકે 1441ના ફાગણ વદ અમાસ ને સોમવારના સૂર્યોદયકાળના ગ્રહો લઈ પોતાનો ગ્રંથ રચેલો છે. ગણેશ દૈવજ્ઞે અહર્ગણ દ્વારા ગ્રહસાધન કરવાની રીત બતાવી છે; પરંતુ તેમાં અહર્ગણની સંખ્યા બહુ વધી ન જાય તે માટે 11 વર્ષનું અર્થાત્ 4016 દિવસનું એક ચક્ર બનાવી તેટલા દિવસોની મધ્યમ ગતિને ધ્રુવક નામ આપી મધ્યમ ગ્રહો નક્કી કરવાની રીત આપી છે.

આમ અહર્ગણોની સંખ્યા નાની લાવવા માટે ચક્રની યુક્તિ કરી છે. તેવી જ રીતે એક બીજી યુક્તિ એ છે કે ખગોળ ગણિતમાં જ્યા અને ચાપનું ગણિત અવશ્ય લેવું પડે છે. તેની જગ્યાએ જ્યા-ચાપ વગરનું ગણિત આપ્યું છે. જ્યા-ચાપના ગણિત વગર ગ્રહોની વાસ્તવિક સ્થિતિ લાવવી અઘરી છે. પણ ગણેશ દૈવજ્ઞની પદ્ધતિથી જ્યા-ચાપ વગર પણ સૂક્ષ્મતા લાવી શકાય છે. આ કારણથી તેમની પદ્ધતિમાં કંઈક સ્થૂળતા આવી છે.

અત્યાર સુધીમાં છેલ્લાં ચારસો-પાંચસો જેટલાં વર્ષમાં ‘ગ્રહલાઘવ’ના ગણિતનું ચલણ રહ્યું છે. ગ્રહલાઘવ ભારતભરમાં મોટા ભાગે માન્ય ગ્રંથ ગણાયો છે.

વર્તમાનનું ગ્રહગણિત જ્યા-ચાપની (પ્રત્યેક અંશની, પ્રત્યેક કળા અને વિકળા પર્યંતની) સૂક્ષ્મતાને કારણે વધારે ગ્રાહ્ય મનાય છે અને તેથી ઘણી સારણીઓનો ઉપયોગ કરવો પડે છે, જ્યારે ભારતીય સિદ્ધાંતગ્રંથોમાં 24 જ્યાપિંડોની સારણીઓ દ્વારા ગ્રહસ્થિતિ લાવવામાં આવે છે અને આમ ગણિતની જટિલતા નિવારવા માટે ગણેશ દૈવજ્ઞે બુદ્ધિકૌશલ્ય વાપરી સરળતા કરી આપી છે.

‘ગ્રહલાઘવ’માં મધ્યમાધિકાર, સ્પષ્ટાધિકાર, પંચતારાધિકાર, ત્રિપ્રશ્નાધિકાર, ચંદ્રગ્રહણાધિકાર, સૂર્યગ્રહણાધિકાર, માસગ્રહણ, સ્થૂળ ગ્રહસાધન, ઉદયાસ્તાધિકાર, છાયાધિકાર, નક્ષત્રછાયાધિકાર, શૃંગોન્નતિ, ગ્રહયુતિ અને મહાપાત એમ ચૌદ અધિકારો (અધ્યાયો) છે અને તેમાં બધા મળી 187 શ્લોકો છે. ગ્રહલાઘવના પ્રસિદ્ધ ટીકાકાર મલ્લારિ અને વિશ્વનાથના કહેવા મુજબ એક પંદરમો અધિકાર પંચાંગ ગ્રહણાધિકાર નામનો પણ છે. કેટલીક વખત શ્લોકસંખ્યામાં પણ થોડા શ્લોકો વધારે કહેવાયા છે. ગણેશ દૈવજ્ઞના પંચાંગ-ઉપયોગી ‘બૃહત્તિથિચિંતામણિ’ અને ‘લઘુતિથિચિંતામણિ’ ગ્રંથો પ્રસિદ્ધ છે.

‘ગ્રહલાઘવ’ ઉપર ગંગાધરની, મલ્લારિની અને વિશ્વનાથની ટીકા 1508થી  1534 સુધીમાં લખાયેલી છે. તે સિવાય બીજી ઘણી ટીકાઓ લખાયેલી છે અને પઠન-પાઠનમાં આ ગ્રંથનો આજદિન સુધી ઉપયોગ થતો આવ્યો છે.

ભારતી જાની