ગ્રહણી (સંગ્રહણી) : માનવશરીરમાં હોજરીની નીચેનું અને નાના આંતરડાની વચ્ચેનું આઠ આંગળનું અંગ. તેને આયુર્વેદમાં ‘પિત્તધરાકલા’ અને અંગ્રેજીમાં ‘ડ્યુઓડિનમ’ કહે છે. આ અંગનું કાર્ય હોજરીએ પચાવેલ આહારરસમાં અન્ય પાચક રસો (પાચક પિત્ત) ભેળવીને અન્નનું વધુ સારી રીતે પાચન કરવાનું અને આહાર-અંશમાંથી સારભાગરૂપ રસ અને મળને અલગ પાડવાનું છે. ગ્રહણી ગ્રહણ કરેલ આહાર-અંશમાંથી રસભાગ શોષીને આગળ મોકલે છે અને અન્ય આહારરસને નાના આંતરડામાં મોકલે છે, જ્યાં તેનું વધુ પાચન થાય છે. જ્યારે વ્યક્તિનો જઠરાગ્નિ મંદ થાય છે ત્યારે ગ્રહણી પોતાનું અન્નપાચનનું કાર્ય બરાબર કરી શકતી નથી અને અન્નાંશમાંથી (કાચો આહારરસ) આમ તથા અપક્વ મળનો મોટા આંતરડા દ્વારા વારંવાર ત્યાગ કરે છે. આ રોગને ‘ગ્રહણી’ કે ‘સંગ્રહણી’ કહે છે.
ગ્રહણી રોગની ઉત્પત્તિનાં કારણો : ભોજન ન કરવું, અતિભોજન કરવું, વિષમ ભોજન કરવું, અજીર્ણ ઉપર ભોજન કરવું, પ્રતિકૂળ (અસાત્મ્ય) આહાર લેવો, વધુ પડતો ભારે, ઠંડો, અતિલૂખો કે દૂષિત (વિકૃત–વાસી–સડેલો) આહાર લેવો, વમન, વિરેચન, સ્નેહન જેવી પંચકર્મ ચિકિત્સા બરાબર ન થવી, બીજા રોગથી દેહ કૃશ–દુર્બળ થવો, તેનાથી તેમજ ઝાડો-પેશાબ-વાછૂટ જેવા કુદરતી વેગોને પરાણે ધારણ કરવાથી તથા દેશ, કાળ અને ઋતુની વિષમતાથી ગ્રહણી (તેમાં રહેલ પાચકરસો કે જઠરાગ્નિ) બગડે છે – વિકૃત થાય છે.
ગ્રહણી દૂષિત થવાનાં લક્ષણો : જ્યારે ગ્રહણી બગડે છે, ત્યારે ચાલુ રોજિંદો અથવા પચવામાં હલકો ખોરાક પણ બરાબર પચતો નથી. અપક્વ અન્નથી વિદગ્ધાજીર્ણ પેદા થાય છે. આ સ્થિતિના અજીર્ણમાં અન્ન વિષમરૂપ બની જાય છે. અજીર્ણ (અપચો indigestion) થવાથી મળ-મૂત્રની અટકાયત, અંગમર્દ, શિર:શૂલ, મૂર્ચ્છા, ભ્રમ (ચક્કર), પીઠ તથા કમર જકડાવી, બગાસાં, તાવ, ઊલટી, ઝાડા, અરુચિ અને અન્ન બરાબર ન પચવું (અવિપાક) વગેરે તકલીફો પેદા થાય છે.
અપક્વ અન્નનું વિષ જો પિત્તદોષ સાથે ભળે તો તેથી પેટમાં દાહ, ખૂબ તરસ, મુખપાક જેવા રોગ, અમ્લપિત્ત (ઍસિડિટી) તથા પિત્તદોષ- (ગરમી)નાં અનેક દર્દો પેદા થાય છે. જો અન્નવિષ કફદોષ સાથે ભળે તો તેથી ટી.બી. (ક્ષય), પીનસ (જૂની શરદી) તથા પ્રમેહ જેવા રોગો જન્મે છે. જો વિષ વાયુદોષ સાથે ભળી જાય તો વાતજન્ય રોગો, મૂત્ર સાથે ભળે તો મૂત્રના રોગો અને જો મળ સાથે ભળે તો ઝાડાના (કુક્ષિ – આંતરડાના) રોગો અને રસ આદિ દેહધાતુઓ સાથે ભળે તો રસાદિ ધાતુદુષ્ટિનાં દર્દો થાય છે.
ગ્રહણીદોષ એટલે શું ? : ગ્રહણીના પાચક રસો કે જેને આયુર્વેદમાં જઠરાગ્નિ કહેલ છે, તેની દુષ્ટિ (વિકાર) ત્રણ પ્રકારે થાય છે : (1) વિષમ એટલે કે વધુ, ઓછા કે અસમતોલ અગ્નિ, (2) તીક્ષ્ણ – અતિ તીવ્ર અગ્નિ, અને (3) મંદ–અતિમંદ–ધીમો. જ્યારે ગ્રહણીની પાચનશક્તિ બરાબર હોય ત્યારે તેને ‘સમાગ્નિ’ કહે છે, જે શ્રેષ્ઠ અવસ્થા છે. સમઅગ્નિ હોય ત્યારે ખોરાકનું બરાબર પાચન થાય છે અને શરીરની બધી ધાતુઓ સમતોલ રહે છે. પણ જ્યારે તે જઠરાગ્નિ વિષમ, તીક્ષ્ણ કે મંદ ત્રણમાંથી કોઈ પણ એક રૂપ ધારણ કરે ત્યારે તેને ‘ગ્રહણીદોષ’ કે ‘દુષ્ટિ’ કહે છે – તે રોગને ‘ગ્રહણીદોષ’ કહેવાય છે.
પાચક અગ્નિના પ્રકારો : ગ્રહણીમાં રહેલો પાચક અગ્નિ (જઠરાગ્નિ) જ્યારે વિષમ થાય અર્થાત્ ક્યારેક ખોરાક પચાવે અને ક્યારેક ન પચાવે, ત્યારે તે વાતદોષથી પેદા થનાર ગ્રહણીવિકારને ‘વિષમાગ્નિ’ કહે છે. ગ્રહણીને પ્રાપ્ત અન્ન તરત જ પાચન થઈ જાય અને જો તેને પૂરતો તથા ભારે ખોરાક ન મળે તો તે ધાતુઓનો ક્ષય કરવા લાગે, ત્યારે તે પિત્તદોષથી દૂષિત ગ્રહણીવિકારને ‘તીક્ષ્ણાગ્નિ’ કહે છે. તેમાંથી જ આગળ જતાં ‘ભસ્મક રોગ’ પેદા થાય છે. ગ્રહણીમાં પ્રાપ્ત આહારમાં જ્યારે કફદોષ ભળે છે ત્યારે તે આહાર અતિમંદ ગતિએ વિલંબથી પચે છે અને ત્યારે તેને ‘મંદાગ્નિ’ કહે છે.
ગ્રહણી રોગનાં મુખ્ય લક્ષણો : જઠરાગ્નિ મંદ થવાથી જ્યારે અપક્વ આહાર-અંશ (મળ) વારંવાર ગુદા માર્ગેથી પ્રવૃત્ત થાય, ત્યારે ‘અતિસાર’ (ઝાડા) કે ‘ગ્રહણી’ રોગ પેદા થાય છે.
ગ્રહણી રોગમાં મુખ્યત્વે આ મુજબ લક્ષણો થાય છે : (1) પાકો કે આમદોષવાળો મળ વધુ પ્રમાણમાં પ્રવૃત્ત થવો, (2) બધું જ અન્ન વિદાહી (જરા પક્વ, જરા અપક્વ તથા દાહકર્તા) બને છે, (3) ઝાડો (મળ) પ્રવાહી રૂપે વારંવાર થાય કે પછી તે ગંઠાઈને કબજિયાત કરે, (4) તૃષા, (5) અરુચિ, (6) લાળ વધુ સ્રવવી, (7) આંખે અંધારાં આવવાં, (8) હાથેપગે સોજા, (9) ટેરવાનાં અસ્થિમાં પીડા, (10) ઊલટી, (11) તાવ, (12) ઓડકારમાં લોખંડ જેવી કે કાચા આમ(મળ)ની ગંધ આવવી, અથવા (13) ખાટા કે તીખા ઓડકાર થવા.
ગ્રહણી રોગના પ્રકારો : દોષોની ર્દષ્ટિએ વાત, પિત્ત, કફ તથા સન્નિપાતજ અને આમગ્રહણી એમ પાંચ પ્રકારો થાય છે; જ્યારે બીજી ર્દષ્ટિએ (1) સંગ્રહણી અને (2) ઘંટીયંત્ર ગ્રહણી એમ બીજા બે પ્રકારો થાય છે.
સંગ્રહણી : પ્રાય: ઝાડા બંધ થવા છતાં જઠરાગ્નિ મંદ હોય અને તેમાં દર્દી વિરુદ્ધ આહાર લે, તો તેથી જઠરાગ્નિ વધુ મંદ થતાં, આહારમાંથી આમદોષ (કફ કે જળસ જેવું તત્ત્વ) વધુ ઉત્પન્ન થાય છે અને તે ઝાડા રૂપે દિવસમાં 2થી 4 વાર થોડા થોડા પ્રમાણમાં ઉદરશૂળ સાથે બહાર આવે છે, ત્યારે તેને સંગ્રહણી કહે છે. આ ઉદરશૂળ દર્દમાં વચ્ચે વચ્ચે 10થી 15 દિવસ દર્દીને સારું જણાય છે. સામાન્ય ઝાડો ઊતરે છે; પરંતુ પછી ફરી સફેદ, ચીકણો અને આમ રૂપે મળ વધુ પ્રમાણમાં કે થોડા પ્રમાણમાં વારંવાર પ્રવૃત્ત થાય છે.
આ ઝાડો દ્રવ (પ્રવાહી) પણ હોઈ શકે અને ઢીલો પણ હોઈ શકે. પ્રાય: મળપ્રવૃત્તિ દિવસના સમયે વધુ થાય છે. રાત્રે શાંતિ રહે છે. આ દર્દમાં ઝાડો આમની દુર્ગંધવાળો હોય છે. ઝાડે જઈ આવ્યા પછી દર્દી ખૂબ થાક અનુભવે છે. પેટમાં આંતરડાંનો અવાજ થાય છે. આળસ, દુર્બળતા અને ગ્લાનિ પણ થાય છે. આ દર્દ ખૂબ લાંબો સમય દર્દીને પીડા કરે છે. ઘણી વાર પેટમાં દાહ થાય છે અને ભોજન સારી રીતે પચતું ન હોવાથી શરીરમાં જડતા કે ભારેપણું (સ્ફૂર્તિનો અભાવ) થાય છે. આમ સંગ્રહણીમાં આમ (કફ કે જળસ તત્વ) મળમાં સવિશેષ બહાર આવે છે અને દર્દી કેડમાં દુખાવો અને પેટમાં મરડાટ સાથે મળપ્રવૃત્તિ અનુભવે છે. આ દર્દીનો ઝાડો પાણીમાં નાખવાથી તે ડૂબી જાય છે.
સૂતેલા રોગીના પડખામાં શૂળ થાય અને જળઘંટીયંત્ર જેવો અવાજ તેના પેટમાં થાય ત્યારે તેવી સંગ્રહણીને ‘ઘંટીયંત્ર’ કહે છે, જે અસાધ્ય છે. આ દર્દમાં પેટમાં પાણીનો ઘડો ઠલવાતો હોય તેવો અવાજ આવે છે અને મળપ્રવૃત્તિ વખતે પણ તેવો અવાજ આવે છે.
ગ્રહણીરોગની ચિકિત્સા : રોગની અતિસારના દર્દની જેમ જ સારવાર કરવાની હોય છે, જેમાં પ્રથમ દર્દીનો ઝાડો સામ છે કે નિરામ તે તપાસીને તેનો આમદોષ દૂર કરવા લંઘન, પાચનકર્તા અને ગ્રાહી ઔષધથી ચિકિત્સા કરવાનો સિદ્ધાંત છે. આ રોગમાં તાલીસાદિ ચૂર્ણ, તાલીસાદિ વટી, કાંકાયન વટી, કપિત્થાષ્ટક ચૂર્ણ, ચિત્રકાદિ વટી, કલ્યાણગુડ, ગ્રહણીકપાટ રસ, મહાગંધક વટી, પંચામૃત પર્પટી, અભયારિષ્ટ, કુટજઘનવટી તથા કુટજાવલેહ પ્રશસ્ત અને પ્રચલિત ઔષધો છે.
પરેજી : ગ્રહણી કે સંગ્રહણીના દર્દમાં તક્ર અર્થાત્ છાશ એ શ્રેષ્ઠ આહાર ને ઔષધ છે. વાતજ ગ્રહણીમાં છાશમાં સિંધાલૂણ નાખવામાં આવે છે, પિત્તજ ગ્રહણીમાં છાશમાં સાકર નાખે છે અને કફજ ગ્રહણીમાં છાશમાં ક્ષાર (ભલ્લાતક ક્ષાર) અને ત્રિકટુ નાખી સારવાર થાય છે. આ રોગમાં જૂના સાઠી ચોખા, મસૂર, તુવેર અને મગની દાળ તથા માખણ વિનાની છાશ, દૂધ, માખણ, દહીં, તલનું તેલ, મધ, દાડમ, જૂનાં કેળાં, કોઠું, જાંબુ, દૂધી તથા તૂરા પદાર્થ લેવાની ભલામણ કરાય છે.
અપથ્ય : આ રોગમાં ઘઉં, વટાણા, અડદ, જવ, ચોળા, કોળું, સરગવો, કંદશાક (બટાટા, શકરિયાં, સૂરણ), નાગરવેલનાં પાન, શેરડી, મીઠાઈ, બોર, કાકડી, ગોળ, ખાર, ભાજીઓ, નારિયેળ, દ્રાક્ષ અને ખાટું તથા મીઠું (ગળ્યું) ભોજન નિષિદ્ધ ગણાય છે.
દર્દીનો આમદોષ પક્વાશયમાં હોય તો દીપન-દ્રવ્યો સાથે અનુલોમન કરાય છે. જો આખા શરીરમાં આમદોષ હોય તો લંઘન કરાવી, પાચન દ્રવ્ય આપીને આમ પકવવામાં આવે છે. હોજરી શુદ્ધ થાય ત્યારે દીપન ઔષધોથી પેયા (સૂપ) બનાવી અપાય. ભૂખ લાગે છતાં ઝાડો-પેશાબ ન ઊતરે તો 3 દિવસ સ્નેહન, સ્વેદન, અભ્યંગ આપી નિરૂહ બસ્તિ અપાય છે. જો પક્વાશય રુક્ષ થાય ને ઝાડો કઠણ થાય તો દર્દીને દીપન, ખાટાં તથા વાયુહર દ્રવ્યોથી સિદ્ધ તેલથી અનુવાસન બસ્તિ (ઍનિમા) અપાય છે. ગ્રહણી રોગ શાંત થયા પછી દર્દીને ઘૃતપાન પ્રયોગ કરાવવો ઉત્તમ ગણાય છે.
ચં. પ્ર. શુક્લ
બળદેવપ્રસાદ પનારા