ગોસ્વામી, અતુલાનંદ

February, 2011

ગોસ્વામી, અતુલાનંદ (જ. 1 મે 1935, કોકિલા આધારસત્ર, રંગદોઈ, જિ. જોરહટ, આસામ; અ. 27 જુલાઈ 2022, ગુવાહાટી) : અસમિયા વાર્તાકાર. તેમના પિતાનું નામ નરેન્દ્રનાથ અને માતાનું નામ કામદાદેવી હતું. તેમણે 1957માં બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તે પછી બી.એ.ની ડિગ્રી મેળવી. તેમનાં લગ્ન અનિમા સાથે થયાં હતાં. તેઓ અંગ્રેજી, હિંદી, બાંગ્લા અને સંસ્કૃત ભાષાઓની જાણકારી ધરાવે છે. તેમણે કરવેરા-સુપરિન્ટેન્ડેન્ટ તરીકે સેવાઓ આપી અને 1993માં તેમાંથી તેઓ સેવાનિવૃત્ત થયા. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ચેનેહ જરિર ગાઁઠિ’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે નાની વયે લેખનકાર્ય શરૂ કર્યું હતું. તેમણે 7 વાર્તાસંગ્રહો, 1 નવલકથા, અંગ્રેજીમાં 1 વાર્તાસંગ્રહ ઉપરાંત અનૂદિત ગ્રંથો આપ્યા છે. ‘હમદોઈ પુલાર જોન’ (1966), ‘ગલ્પ’ (1967), ‘રાજપાટ’ (1976), ‘પલાતક’ (1984), ‘આશ્રય’ (1993) અને છેલ્લે ‘ચેનેહ જરિર ગાઁઠિ’ તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહો છે. ‘નામઘરિયા’ (1990) તેમની નવલકથા છે. ‘નિગ્રો કપલ ઇન સર્ચ ઑવ્ શિવ’ (1994) એ અંગ્રેજીમાં લખેલો વાર્તાસંગ્રહ છે. અંગ્રેજીમાં ‘પ્લેસિઝ ઑવ્ વર્શિપ ઍન્ડ પિલ્ગ્રિમેજિઝ’ (1984) અને ‘રીડિંગ્ઝ ઇન ધ હિસ્ટરી ઍન્ડ કલ્ચર ઑવ્ આસામ’ (1984) તેમના સંપાદિત નિબંધો છે. આ ઉપરાંત તેમણે 2 ઊડિયા નાટકો ‘શ્વેત પદ્મ’ અને ‘વનહંસી’; બંગાળી વાર્તાસંગ્રહ ‘ગુડ બાય મિ. ચિપ્સ’ અને ‘એકુષ્ટિ બંગાળી ગલ્પ’ અસમિયામાં અનૂદિત કર્યા છે.

અતુલાનંદ ગોસ્વામી

તેઓ આસામ સાહિત્ય સભા, ઑથર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા ઍન્ડ કામરૂપ અનુસંધાન સમિતિના સભ્ય (1987–1992) રહ્યા હતા. 1988–1992 સુધી તેઓ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીની જનરલ કાઉન્સિલના સભ્ય તથા વિવેકાનંદ કેન્દ્રના ત્રૈમાસિક ‘વિવેક જાગૃતિ’ના તંત્રી રહેલા. તેમને આસામ સાહિત્ય સભા ઍવૉર્ડ, કથા ઍવૉર્ડ, અંબિકાગિરિ રાયચૌધરી સાહિત્ય બોતા, કુમાર કિશોર સોનવરણી બોતા, સ્નેહ ભારતી સાહિત્ય સન્માનથી વિભૂષિત કરવામાં આવ્યા છે.

તેમની ‘નામઘરિયા’ નવલકથા પરની ધારાવાહિક દૂરદર્શન અને આકાશવાણી પરથી પ્રસ્તુત કરાઈ હતી. નૅશનલ બુક ટ્રસ્ટ દ્વારા તેમને 12 અન્ય ભાષાઓમાં અનુવાદકાર્ય માટે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ અંગ્રેજી, ઊડિયા અને બંગાળી ભાષાઓમાંથી અસમિયામાં અનુવાદ કરે છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ચેનેહ જરિર ગાઁઠિ’ 14 વાર્તાઓનો સંગ્રહ છે. તે વાર્તાઓ સરળ ભાષામાં સામાજિક વાસ્તવિકતા અને તેમના માનવતાભર્યા આગ્રહોની અભિવ્યક્તિને કારણે મહત્વપૂર્ણ છે. જીવનમાં પ્રતિરોધો અને સંઘર્ષોનો સામનો કરતા સમાજના નીચલા અને મધ્યમ વર્ગનાં પાત્રો પ્રત્યેની તેમની સહાનુભૂતિના અને તેમની પ્રભાવશાળી અભિવ્યક્તિના કારણે આ કૃતિ અસમિયામાં લખાયેલ ભારતીય કથાસાહિત્યમાં ગૌરવપૂર્ણ સ્થાન પામી છે.

બળદેવભાઈ કનીજિયા