ગોવિંદાચાર્ય : ગોંડપાદાચાર્યના શિષ્ય. કેવલાદ્વૈત મતની ગુરુશિષ્યપરંપરામાં નારાયણ, બ્રહ્મા, વસિષ્ઠ, શક્તિ, પરાશર, વ્યાસ, શુક, ગૌડપાદ, ગોવિંદ અને શંકરાચાર્ય – એ ક્રમમાં નામાવલિ છે. આ પરંપરામાં નારાયણ અને બ્રહ્મા દૈવ કોટિના ગુરુ છે. વસિષ્ઠ, શક્તિ, પરાશર અને વ્યાસ આર્ષ કોટિના છે. શુક, ગૌડપાદ અને ગોવિંદ સિદ્ધ કોટિના છે. આ પરંપરામાં આદ્ય શંકરાચાર્યે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરી હતી એમ કહેવામાં આવે છે. ગોવિંદાચાર્ય વિશે ખાસ ચોક્કસ માહિતી મળતી નથી. સિવાય એ કે બાળ શંકરે નર્મદા નદીના તટ પર તેમની પાસે સંન્યાસદીક્ષા લીધી અને યોગવિદ્યા શીખ્યા; પણ શંકરાચાર્યે બ્રહ્મવિદ્યા તો ગૌડપાદ પાસેથી બદરિકાશ્રમમાં મેળવ્યાની વાત જાણીતી છે.
એસ્થર સોલોમન