ગોવિંદદાસ (જ. 1530, શ્રીખંડ, જિ. બર્ધમાન; અ. 1613) : સોળમી સદીના બંગાળી વૈષ્ણવ કવિ. તેમના પિતાનું નામ ચિરંજીવ સેન અને માતાનું નામ સુનંદા હતું. તેમના ભાઈ રામચંદ્ર શક્તિના ઉપાસક હતા. તેવી રીતે તેઓ પણ પહેલાં શક્તિના ઉપાસક હતા, પણ 1577 અને 1580માં તેમના વૈષ્ણવ ગુરુ શ્રીનિવાસ આચાર્ય પાસે તેમણે વૈષ્ણવ દીક્ષા લીધી હતી. ‘સંગીત દામોદર’ના રચયિતા તેમના નાના દામોદરે તેમનો ઉછેર કર્યો હતો.
તેમણે કૃષ્ણભક્તિનાં સેંકડો ઉત્તમ પદો વ્રજબુલિમાં (બંગાળી અને વ્રજભાષાના મિશ્રણવાળી બોલીમાં) લખ્યાં છે. એમના કાળના તેઓ ઉત્તમ વૈષ્ણવ કવિ અને સંસ્કૃતના પંડિત હતા. વૈષ્ણવ વર્તુળમાં તેઓ ‘દ્વિતીય વાચસ્પતિ’ તરીકે ઓળખાતા હતા. વૈષ્ણવોના તત્કાલીન અગ્રણી વિદ્વાન સંત જીવગોસ્વામીએ તેમને ‘કવીન્દ્ર’ અથવા ‘કવિરાજ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા.
રાધા અને કૃષ્ણની પ્રણયલીલા વિશેનાં તેમનાં 450 પદોમાં વર્ણમાધુર્ય તથા વાણી અને અર્થનો સમન્વય જોવા મળે છે. આ પદો મૈથિલી અને વ્રજબુલિની અલંકૃત શૈલીમાં રચાયેલાં છે. પદોના છંદમાં સુંદર ગતિ શબ્દોના ચયન દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. અનુપ્રાસોની છટા પણ અનુપમ છે. તેમાંનું પ્રકૃતિચિત્રણ, નખશિખ-વર્ણન અત્યંત મનોમુગ્ધકારી છે. તેમણે તેમનાં પદોનો સંગ્રહ ‘ગીતામૃત’ નામથી જાતે કર્યો હતો.
ચન્દ્રકાન્ત મહેતા