ગોવિંદજી (જ. 24 ઑક્ટોબર 1933, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : વિશ્વવિખ્યાત જીવભૌતિકશાસ્ત્રી. તેમના પિતા વિશ્વેશ્વરપ્રસાદ પ્રસિદ્ધ કેળવણીકાર હતા. ગોવિંદજી બાળપણથી જ જિજ્ઞાસુ હતા. તેમને વિસ્તૃત ચર્ચાઓ કરવાનો પુષ્કળ શોખ હતો. તેમણે અલ્લાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી બી.એસસી. અને એમ.એસસી.ની ઉપાધિઓ સર્વપ્રથમ ક્રમે આવીને મેળવી હતી. તેમણે 1956માં ભારત છોડ્યું અને યુ.એસ.માં જઈ વસ્યા. હાલમાં તેઓ ઇલિનૉઇસ વિશ્વવિદ્યાલયમાં જીવભૌતિકશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે.

તેમણે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા ઉપર અત્યંત નોંધપાત્ર સંશોધનો કર્યાં છે. આ પ્રક્રિયાના મુખ્ય બે તબક્કાઓ છે : (1) પ્રકાશપ્રક્રિયા અને (2) કાર્બન-ડાયૉક્સાઇડનું સ્થાપન. ગોવિંદજીનું કાર્યક્ષેત્ર પ્રકાશ-

વનસ્પતિશાસ્ત્ર

પ્રક્રિયા ઉપરનું છે. તેમણે રૅબિનૉવિચની સાથે રહી પ્રકાશપ્રક્રિયામાં સક્રિય એવી હરિતકણમાં આવેલી પ્રકાશરંજક-પદ્ધતિ–1 (photopigment system-I) અને પ્રકાશરંજક-પદ્ધતિ–2(photopigment system-II)નાં બંધારણ વિશેનાં સંશોધનો કરી તેની પાયાની સમજૂતી આપી. તેમણે ‘પ્રકાશશક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર; પ્રકાશસંશ્લેષણનો પ્રકાશ-રાસાયણિક (photochemical) ર્દષ્ટિકોણ’; ‘પ્રકાશસંશ્લેષણનો પ્રકાશરાસાયણિક તબક્કો’ અને ‘ક્લૉરોફિલ પ્રસ્ફુરણ અને પ્રકાશસંશ્લેષણ’ જેવા પ્રકાશસંશ્લેષણની ક્રિયાવિધિની સમજૂતી આપતા અત્યંત મહત્ત્વના સંશોધનલેખો 1967માં પ્રસિદ્ધ કર્યા અને ‘પ્રકાશસંશ્લેષણ’ (photosynthesis) નામનું પુસ્તક 1969માં લખ્યું. તેમણે જે. આમેસ્ઝ અને ડી. સી. ફૉર્ક સાથે ‘વનસ્પતિઓ અને બૅક્ટેરિયા દ્વારા પ્રકાશોત્સર્જન’ નામનું બીજું પુસ્તક 1986માં લખ્યું. 1990માં કોલમૅન, ડબ્લ્યૂ. જે. સાથે ‘સાયંટિફિક અમેરિકન’ નામના અત્યંત પ્રતિષ્ઠિત સંશોધનાત્મક સામયિકમાં ‘વનસ્પતિઓ કેવી રીતે ઑક્સિજન બનાવે છે ?’ (How plants make oxygen ?) – એ વિશે તેમણે વિસ્તૃત લેખ આપ્યો. 1995માં તેમણે ‘‘કૉત્સ્કીથી 60 વર્ષો ક્લૉરોફિલ ‘એ’નું પ્રસ્ફુરણ’’ (sixty years since Kautsy chlorophyll a fluorescence) વિશે સુંદર સમીક્ષાલેખ આપ્યો હતો.

ન્યૂ મેક્સિકોની લૉસ અલમોસની પ્રયોગશાળામાં યોજાયેલ એક પરિસંવાદમાં તેમના વિશે અપાયેલો પરિચય આ પ્રમાણે છે :

‘આપણે બધા પ્રકાશસંશ્લેષણને આધારે જીવીએ છીએ અને પ્રકાશસંશ્લેષણ ગોવિંદજીના આધારે જીવે છે.’ આથી વધારે એક મહાન વૈજ્ઞાનિકનો પરિચય શો હોઈ શકે ?

બળદેવભાઈ પટેલ