ગોવર્ધનતીર્થ : મથુરાની પશ્ચિમે 24 કિમી. પર આવેલા ગોવર્ધન પર્વત પરનું શ્રી વલ્લભાચાર્યના પુષ્ટિ-સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ. આ પર્વતની ઊંચાઈ આશરે 30.5 મીટર અને લંબાઈ 6.5થી 8 કિમી. જેટલી છે. દ્રોણાચલ પર્વતશૃંખલામાંથી તેનું નિર્માણ થયું છે તેવી એક માન્યતા છે. શ્રી રામદૂત હનુમાને દક્ષિણના સાગરતટ પર સેતુ બાંધવાના હેતુથી હિમાલય પર્વતનો એક ટુકડો ઊંચકીને દક્ષિણ તરફ કૂચ કરી; પરંતુ સેતુ બાંધવાનું કામ પૂરું થયું એવા સમાચાર મળતાં હનુમાને તે ટુકડો આ સ્થળે મૂક્યો. ભગવાન શ્રીકૃષ્ણે આ પર્વતને સાત દિવસ સુધી પોતાની કનિષ્ઠિકા પર ઊંચકી સખત વરસાદમાંથી લોકો અને ગાયોને બચાવ્યાં હતાં એવું શ્રીમદભાગવતમાં નિરૂપણ છે.
પર્વતની વચ્ચે વસેલા નાના નગરમાં માનસી ગંગા નામનો પવિત્ર કુંડ છે. ભરતપુરના રાજવીઓએ આ કુંડની આજુબાજુ ઘાટ બાંધ્યા અને દિવાળીના તહેવાર દરમિયાન ત્યાં દીપદાન કરવાની પ્રથા શરૂ કરી.
ગોવર્ધનપૂજાનો અને અન્નકૂટનો ઉત્સવ કારતક સુદ એકમને દિવસે યોજાય છે. આ માસમાં પુષ્ટિમાર્ગી વૈષ્ણવો આ પર્વતની 20 કિમી. જેટલી પરિક્રમા કરે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે