ગોવડા, શીલા (જ. 1957, ભદ્રાવતી, કર્ણાટક) : કર્ણાટકનાં ચિત્રકાર. બૅંગાલુરુની કેન સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યારપછી વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ફાઇનલ આર્ટના અભ્યાસ માટે જોડાયાં. ત્યાં સ્નાતક થઈ શાંતિનિકેતનમાં પોસ્ટ-ડિપ્લોમા માટે કર્ણાટકની લલિતકલા અકાદમીની શિષ્યવૃત્તિ લઈ આગળ અભ્યાસ કર્યો. 1983માં ‘નાટ્યવૃંદ’ અને ‘જનપદ’માં પણ કામ કર્યું. લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં ‘ઇન્લેક્સ ફાઉન્ડેશન’ની માનવંતી શિષ્યવૃત્તિથી વધુ અભ્યાસ માટે જોડાયાં. ત્યારે ઇટાલી, હોલૅન્ડ તથા ફ્રાન્સ (પૅરિસ) ફરીને કલાપ્રવૃત્તિ જોવાનો સારો અવકાશ મળ્યો. તેમનું પ્રથમ એકલ પ્રદર્શન બૅંગાલુરુમાં યોજાયું. પછી મુંબઈમાં વિજય બાગોડી સાથે પ્રદર્શન યોજાયું. તેમની કલામાં રસળતા રંગો વચ્ચે આકૃતિઓનો આભાસ દૃષ્ટિગોચર થાય છે. વિવિધ કલામાધ્યમો જેવાં કે તૈલરંગ, છાણ, માટી વગેરેના પ્રયોગો કરી બિનખર્ચાળ છતાં વૈભવી (rich) ચિત્રની અભિવ્યક્તિમાં તેઓ રચ્યાંપચ્યાં રહ્યાં છે. ભોપાલના ભારત ભવન યોજિત દ્વિવાર્ષિકી પ્રદર્શનમાં આંતરરાષ્ટ્રીય કલાકારો સાથે તેમનાં ચિત્રોને સ્થાન મળેલું. રાષ્ટ્રીય પ્રદર્શન, લંડન પ્રદર્શન, ‘ટાઇમલેસ કલા’ પ્રદર્શન, જેવાં પ્રદર્શનોમાં ઉત્સાહથી ભાગ લીધો છે. તેમનાં લગ્ન સ્વિસ કલાકાર ક્રિસ્ટૉફ સ્ટોર્ઝ સાથે થયાં છે.
કનુ નાયક