ગૉલ્ફ : મૂળ સ્કૉટલૅન્ડની પણ યુરોપખંડમાંથી વિશ્વના વિવિધ દેશોમાં પ્રસરેલી લોકપ્રિય રમત. આ મેદાની રમતનું પગેરું આપણને પંદરમી સદી સુધી લઈ જાય છે. 4,500થી 5,500 મી. જેટલી લંબાઈની લગભગ 60 હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં રેતીના ટેકરા, ખાઈ, પાણીનાં ખાબોચિયાં અસમાન સપાટીવાળું ઘાસ વગેરે જેવા અવરોધો હોય ત્યાં આ રમત રમાય છે. આવા અવરોધો પ્રાકૃતિક ના હોય તો કૃત્રિમ ઊભા કરવામાં આવે છે. ગૉલ્ફના મેદાનમાં સામાન્યત: 100 મી.થી 550 મી. સુધીની લંબાઈના 18 પ્રક્ષેપમાર્ગો હોય છે, તે દરેક ટીઇંગ ગ્રાઉન્ડ, ફેર વે, પુટિંગ ગ્રીન તથા કપમાં હોય છે. દરેક કપનું સ્થાન સ્પષ્ટ દેખાય તે માટે તેની નજીક ધ્વજ રોપેલો હોય છે.

ગૉલ્ફ એ સફેદ રબરના નાના દડાને ગૉલ્ફસ્ટિક વડે ચોકસાઈપૂર્વક ફટકારવાની રમત છે, જેમાં ખેલાડીએ દડાને ટીઇંગ ગ્રાઉન્ડ પરથી ગૉલ્ફસ્ટિક (club) વડે ઓછામાં ઓછા ફટકા લગાવી પ્રક્ષેપમાર્ગના બીજા છેડે ગ્રીનની મધ્યમાં સ્થાપેલી નાની ગબી(hole)માં મોકલી આપવાનો હોય છે. ગૉલ્ફ ક્લબ લાકડાના યા સ્ટીલના શૉર્ટ, મીડિયમ, લૉંગ એમ વિવિધ નંબરવાળા હોય છે અને ખેલાડી તે પૈકી વધુમાં વધુ 14 પ્રકારના ગૉલ્ફ ક્લબોનો ઉપયોગ કરી શકે છે.

ગૉલ્ફ એ વૈયક્તિક રમત છે અને બે, ત્રણ અથવા ચાર ખેલાડીઓ વચ્ચે રમાય છે. ગૉલ્ફ રમવાની બે મુખ્ય પદ્ધતિઓ છે : (1) સ્ટ્રોક પ્લે – તેમાં ખેલાડીએ એક યા વધારે રાઉન્ડ માટે લીધેલા ફટકા ગણવામાં આવે છે અને સૌથી ઓછા ફટકા લેનાર વિજયી ગણાય છે. (2) મૅચ પ્લે – તેમાં ખેલાડીએ જીતેલા હોલ્સની ગણતરી થાય છે અને જે પક્ષ જીતવાનાં બાકી રહેલાં હોલ્સ કરતાં વધારે હોલ્સ વહેલો જીતી જાય તે વિજયી ગણાય છે. વિશ્વકક્ષાએ આ રમતનું સંચાલન કરતી રૉયલ ઍન્ડ એન્શન્ટ ગૉલ્ફ ક્લબ, સેન્ટ ઍન્ડ્રૂઝ, ફાઇફ, સ્કૉટલૅન્ડ સંસ્થા છે.

ચિનુભાઈ શાહ