ગોલ્ડસ્ટાઇન, જૉસેફ (જ. 18 એપ્રિલ 1940, સુમ્ટર, સાઉથ કેરોલિના, યુ.એસ.) : લઘુ ઘનતાવાળા લાઇપોપ્રોટીન (low density lipoprotein, LDL) વિશે સંશોધનકાર્ય માટે માઇકલ બ્રાઉન સાથે 1985નું શરીરક્રિયાશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર તબીબ. તેમણે તથા માઇકલ બ્રાઉને લઘુ ઘનતાવાળા લાઇપોપ્રોટીનનાં સ્વીકારકો વિશે 12 વર્ષ સુધી સંશોધન કર્યું હતું.
લોહીમાંનું કોલેસ્ટેરૉલ LDL વડે કોષમાં પ્રવેશે છે. આ સંશોધનને કારણે હૃદયરોગ અંગેના જ્ઞાનમાં ઘણો વધારો થયો તથા આહારનિયમન (dieting) અને કસરત વડે હૃદયરોગનો હુમલો અટકાવવાની વિભાવના (concept) વિકસી.
શિલીન નં. શુક્લ