ગોલામ (1973) : અસમિયા કૃતિ. સૌરભકુમાર ચાલિહાનો વાર્તાસંગ્રહ. તે સાહિત્ય અકાદમીના પુરસ્કાર માટે પસંદ કરાયો હતો (1974). સૌરભકુમાર નવી વાર્તાના અસમિયા લેખક તરીકે જાણીતા છે. એમણે સાઠ પછીની પેઢીમાં ઉત્કૃષ્ટ વાર્તાકાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમાં ઘટનાવિહીન વાર્તાઓના પ્રયોગો છે. એમણે બાહ્ય ઘટના કરતાં માનવીના ચિત્તના આંતરવ્યાપારોનું સુશ્લિષ્ટ નિરૂપણ કર્યું છે. એમાં અસમના આદિવાસીઓની જીવનરીતિનો તથા તેમની સમસ્યાઓનો પરિચય પણ મળે છે. જે વાર્તા પરથી આ વાર્તાસંગ્રહનું નામકરણ થયું છે તેમાં આદિવાસીઓનું કહેવાતા ભદ્રસમાજે કેવું શોષણ કર્યું છે તેનું તાર્દશ ચિત્ર છે.
ઇન્દિરા ગોસ્વામી