ગોર્બાચૉવ, મિખાઈલ (જ. 2 માર્ચ 1931, પ્રિવોલેનોય, રશિયા; અ. 30 ઑગસ્ટ 2022, મોસ્કો, રશિયા) : 1917ની રશિયાની ક્રાંતિ દ્વારા સ્થપાયેલા સોવિયેત સંઘની આંતરિક તેમજ બાહ્ય નીતિમાં ધરમૂળથી પરિવર્તન લાવનાર, (70 વર્ષના ગાળા બાદ) સમાજવાદી અભિગમના સ્થાને મુક્ત અર્થનીતિ અપનાવનાર, શસ્ત્રો અને લશ્કરી ખર્ચમાં ઘટાડો કરી પૂર્વ-પશ્ચિમ વચ્ચેના ઠંડા યુદ્ધને દેશવટો દઈ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં શાન્તિનું વાતાવરણ ઊભું કરનાર તથા શાન્તિનો નોબેલ પુરસ્કાર (1990) પ્રાપ્ત કરનાર સોવિયેત સંઘ(રશિયા)ના સર્વોચ્ચ નેતા (1985–1991).
ગોર્બાચૉવનો જન્મ કૉકેસસની ઉત્તરે એક ખેડૂતના ઘરે થયેલો. 16 વર્ષની ઉંમરે (1946) તેમણે ટ્રૅક્ટર ઉપર કામ શરૂ કરેલું અને ત્યારબાદ 1950માં મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં ન્યાયશાસ્ત્રના વિષયમાં સ્નાતક થયા. 1967માં કૃષિ-અર્થશાસ્ત્રનો અભ્યાસ તેમણે પત્રવ્યવહાર દ્વારા કર્યો.
તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત સ્ટાવરોપોલ શહેરના સામ્યવાદી પક્ષમાં જોડાવાની સાથે થઈ (1952). 1955થી 1962ના ગાળામાં તેઓ સામ્યવાદી પક્ષના યુવક મંડળ–કોન્સોમોલ–માં જોડાયા અને થોડા જ સમયમાં સ્ટાવરોપોલના મંડળના ઉપરી નિમાયા. ત્યારબાદ 1962માં બીજા નંબરના અને 1970–78માં પહેલા સેક્રેટરીના પદ ઉપર પહોંચ્યા. તેમની રાહબરી નીચે ખેતીની પેદાશ વધતાં તેમની ઉપર મૉસ્કોની નજર પડી અને તેમને સામ્યવાદી પક્ષની મધ્યસ્થ સમિતિમાં લેવામાં આવ્યા. ચેરનેન્કોના મદદનીશ તરીકે તેમને ખેતીનો વિભાગ સોંપાયો અને 1980માં તેમની યશસ્વી કારકિર્દીને લક્ષમાં લઈને તેમને પૉલિટબ્યૂરોના સભ્ય તરીકે લેવામાં આવ્યા અને ખેતી ઉપરાંત અર્થકારણ અને વિચારસરણીના ક્ષેત્રમાં તેમને કામ સોંપવામાં આવ્યું.
1984માં તેમણે કૅનેડા અને બ્રિટનની મુલાકાત લીધી. બન્ને દેશોમાં તેમની કાર્યદક્ષતાથી સૌ કોઈ પ્રભાવિત થયા અને તેમની વિકસતી નેતાગીરીને રસથી નિહાળતા થયા. 11 માર્ચ, 1985ના રોજ ચેરનેન્કોના અવસાન બાદ બીજે જ દિવસે તેમની સામ્યવાદી પક્ષના સામાન્ય મંત્રી તરીકે વરણી કરવામાં આવી અને તે સાથે રશિયાના તેમજ દુનિયાના ઇતિહાસનું નવું પ્રકરણ શરૂ થયું. 1985માં સત્તારૂઢ થયા બાદ 1991માં તેમણે સત્તાત્યાગ કર્યો તે છ વર્ષના ગાળા દરમિયાન રશિયાના રાજકારણ અને અર્થકારણમાં આમૂલ પરિવર્તન આવ્યું અને તેની દૂરગામી અસરો સર્વત્ર ફેલાઈ.
રશિયાની અત્યાર સુધીની નેતાગીરીની સરખામણીમાં ગોર્બાચૉવે નાની ઉંમરે (55) સત્તા ગ્રહણ કરી. તે સાથે એમની સામેના પડકારો પણ વિષમ અને વિકટ હતા. આર્થિક વિકાસનો દર ઘટી ગયો હતો; ખેતીના ક્ષેત્રે ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો હતો; વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીમાં પશ્ચિમની સરખામણીમાં રશિયા પાછું પડી રહ્યું હતું. સંરક્ષણનો ખર્ચ અસહ્ય બન્યો હતો. કેન્દ્રીકરણના ગેરફાયદા વરતાવા લાગ્યા હતા. પશ્ચિમની પ્રગતિ, નવી ટૅક્નૉલૉજી, આકર્ષક જીવનશૈલી અને તે બધાંનાં જાહેર માધ્યમો દ્વારા થતા વેગીલા પ્રચારથી રશિયાની યુવાન પેઢી આકર્ષાઈ હતી. પશ્ચિમના વ્યક્તિસ્વાતંત્ર્ય અને તેના વિવિધ ઉન્મેષો પણ તેમને સ્પર્શી ગયા હતા. ટૂંકમાં, રશિયા કટોકટીને આરે આવ્યું હતું અને તેમાંથી બહાર નીકળવા માટે નવી નીતિ અને નવા પ્રસ્થાનની જરૂર હતી. રશિયાની આંતરિક તેમજ બાહ્ય નીતિમાં, તેનાં રાજકારણ તથા અર્થકારણમાં પરિવર્તન જરૂરી બન્યું હતું. યુવાન પેઢીની સ્વાતંત્ર્ય માટેની એષણા પણ પૂરી કરવાની હતી. જે જરૂરી અને અનિવાર્ય હતું તેને શક્ય બનાવવા માટે પગલાં લેવાનાં હતાં.
રશિયાના સમાજમાં સરમુખત્યાર ઉપરાંત સત્તાનાં ત્રણ કેન્દ્રો હતાં : સામ્યવાદી પક્ષ, નોકરશાહી અને લશ્કર. આ ત્રણેયનાં માનસ અને અભિગમમાં પરિવર્તન લાવવાનું હતું અને તેમાં જનસમુદાયનો સ્વૈચ્છિક સાથ-સહકાર મેળવવાનો હતો. આ દિશામાં આગળ વધવા માટે સૌથી પહેલી જરૂર હતી પશ્ચિમ સાથેની તંગદિલી ઓછી કરવાની અને પૂર્વ-પશ્ચિમ વચ્ચે શાન્તિનું વાતાવરણ સર્જવાની. આ માટે લશ્કરી ખર્ચમાં ઘટાડો કરવાનો હતો અને નિ:શસ્ત્રીકરણની દિશામાં આગળ વધવાનું હતું.
આર્થિક ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે કેન્દ્રીકરણ દૂર કરી બજારલક્ષી, મુક્ત સાહસ ઉપર અવલંબિત અર્થકારણ અપનાવવું જરૂરી હતું. આ પ્રકારના આર્થિક સુધારાઓની સાથે સરમુખત્યારશાહીના કારણે વર્ષોથી જામી ગયેલા બંધિયાર વાતાવરણમાં મોકળાશ અને ખુલાવટની તાતી જરૂર હતી. વાણીસ્વાતંત્ર્ય અને લેખનની સ્વતંત્રતા તેમાં અભિપ્રેત હતી. લેનિન અને સ્ટાલિન દ્વારા જે અડીખમ વ્યવસ્થાતંત્ર ગોઠવાયું હતું તેને દૂર કરીને સર્વદેશીય નવવિધાન કરવું જરૂરી હતું. આ ઉદ્દેશો સિદ્ધ કરવા માટે ગોર્બાચૉવે બે સિદ્ધાન્તો પ્રતિપાદિત કર્યા : ‘પેરેસ્ટ્રોઇકા’ અને ‘ગ્લાસનોસ્ટ’. ‘પેરેસ્ટ્રોઇકા’ નવી રચના, સર્વદેશીય પરિવર્તન માટે; તો ‘ગ્લાસનોસ્ટ’ દ્વારા મુક્ત સમાજ ઊભો કરવાનો હતો. મુક્ત અર્થકારણ અને રાજકારણ માટે મુક્ત સમાજ જરૂરી ગણવામાં આવ્યો.
ગોર્બાચૉવની સ્થિતિ 1933માં આર્થિક કટોકટી સામે ઝૂઝતા અમેરિકાના નેતા રૂઝવેલ્ટના જેવી હતી. જેમ રૂઝવેલ્ટે રેડિયોનો વ્યાપક ઉપયોગ કરી પ્રજા સાથે સીધો સંપર્ક સાધવામાં સફળતા મેળવી તેમ ગોર્બાચૉવે ટેલિવિઝનનો બહોળો ઉપયોગ કરી પ્રજાને પરિવર્તન માટે પ્રતિબદ્ધ કરી. ગોર્બાચૉવની મોટી સિદ્ધિ એ હતી કે તેમણે જે કાંઈ પરિવર્તન સાધ્યું તેમાં સંપૂર્ણ શાન્તિમય પદ્ધતિ અપનાવી. રશિયાનો ભૂતકાળ જોતાં આ એક નવું પ્રસ્થાન હતું. આ પ્રક્રિયામાં તેમણે ગુપ્તચર સંસ્થા(KGB)નો ઉપયોગ ન કર્યો તે પણ એક મોટી સિદ્ધિ હતી.
ગોર્બાચૉવ ઉતાવળમાં હતા. સત્તાસ્થાને આવ્યા પછી બની શકે તેટલા થોડા સમયમાં તેમને ઘણું આટોપી લેવાનું હતું. અમેરિકા સાથેની શસ્ત્રોની તીવ્ર હરીફાઈમાંથી ઊગરવા માટે 1985માં જ તેમણે જિનીવામાં રેગનને મળવાનું ગોઠવ્યું. અમેરિકાની અંતરિક્ષમાં અણુયુદ્ધ પ્રસરાવવાની યોજના (સ્ટારવૉર) પડતી મુકાય એ જરૂરી હતું; કારણ કે ખર્ચાળ હોવા ઉપરાંત તેનો બોજ સહન કરવા રશિયા તૈયાર ન હતું; પરંતુ રેગનને સમજાવવામાં તેઓ અસફળ રહ્યા. રેગનને મન રશિયા એક ‘દુષ્ટ સામ્રાજ્ય’ (‘ઇવિલ એમ્પાયર’) હતું અને તેની ઉપર વિશ્વાસ મૂકી શકાય તેમ ન હતું. પોતાની નીતિની વિશ્વસનીયતા વધારવા માટે ગોર્બાચૉવે સ્વેચ્છાએ અણુધડાકા બંધ કરવાની નીતિ અપનાવી. 1987માં મધ્યમ કક્ષાનાં અણુશસ્ત્રો દૂર કરવા માટે બન્ને મહાસત્તાઓ વચ્ચેના કરાર થતાં નિ:શસ્ત્રીકરણની દિશામાં પહેલું જરૂરી અને અગત્યનું પગલું લેવાયું. એકમેક વચ્ચે વિશ્વસનીયતાના નિર્માણની પ્રક્રિયા (‘કૉન્ફિડન્સ બિલ્ડિંગ’) આગળ વધી, જેના પરિણામે 1991માં બુશ સાથે ‘સ્ટાર્ટ’ (‘સ્ટ્રૅટિજિક આર્મ્સ રિડક્શન ટૉક્સ’) સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા અને 30 % જેટલાં લાંબા અંતરનાં અણુશસ્ત્રો ઘટાડવામાં આવ્યાં. દરમિયાન ગોર્બાચૉવે લશ્કરોમાં ઘટાડો કર્યો અને લશ્કરી ઉત્પાદનના સ્થાને નાગરિક ઉત્પાદનની શરૂઆત કરી. નિ:શસ્ત્રીકરણના કરાર ઉપર સહી કરવામાં જે કલમ વપરાઈ તે આ પ્રકારના ઉત્પાદન માટે તૈયાર કરવામાં આવી હતી. યુદ્ધકીય વાતાવરણને શાન્તિમાં પલટવા માટે ગોર્બાચૉવે પૂર્વ યુરોપમાં વૉર્સો કરારની રૂએ રાખવામાં આવેલાં લશ્કરોમાં ઘટાડો કર્યો અને વૉર્સો કરારનું વિસર્જન કર્યું.
બ્રેઝનેવે 1979માં અફઘાનિસ્તાનમાં લશ્કરી હસ્તક્ષેપ શરૂ કરેલો જેના પરિણામે ફરીને અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડું યુદ્ધ વકર્યું હતું. અફઘાનિસ્તાનના આ યુદ્ધની ખુવારી જોઈને ગોર્બાચૉવે તેને ‘લોહીનીંગળતો ઘા’ (‘બ્લીડિંગ વુન્ડ’) કહ્યો અને સોવિયેત સૈન્યોને પાછાં બોલાવી લીધાં. ગોર્બાચૉવના આ પગલાથી અમેરિકાએ પણ તેમાં રસ લેવો બંધ કર્યો. પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પહેલી જ વાર ઠંડું યુદ્ધ ઓસરવા લાગ્યું.
નિ:શસ્ત્રીકરણ, અણુશસ્ત્રોની પ્રયોગબંધી, લશ્કરોમાં અને લશ્કરી ખર્ચમાં ઘટાડો, વિદેશમાંનાં સૈન્યોની વાપસી વગેરેને લીધે દેશવિદેશમાં એક નવી હવા ઊભી થઈ. ગોર્બાચૉવની શાન્તિપ્રિયતા વિશેની શંકાઓ દૂર થઈ. વિદેશના આ નવા વાતાવરણની સાથે, ગોર્બાચૉવે ઘરઆંગણે મુક્ત સમાજની રચના માટે પગલાં લીધાં. પ્રેસને, લેખકોને, ટીકાકારોને, સમીક્ષકોને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય મળ્યું. સાખારૉવ જેવા પ્રસિદ્ધ લેખકનો છુટકારો કરવામાં આવ્યો. સોવિયેત નાગરિકો છૂટથી હરવાફરવા લાગ્યા અને તેમનો વિદેશ સાથેનો સંપર્ક વધવા લાગ્યો. અત્યાર સુધી સરકાર તરફી રહેલાં છાપાંઓ(‘ઇઝ્વેસ્ટિયા’ અને ‘પ્રવદા’)માં સરકારની ટીકા થવા લાગી. ગોર્બાચૉવની ‘ગ્લાસનોસ્ટ’ની નીતિના કારણે સમાજમાં નવો પવન ફૂંકાવા લાગ્યો.
પરંતુ ખુલાવટની આ નીતિ સાથે સમાજનું મુક્ત અર્થતંત્રના પાયા ઉપરનું નવવિધાન કરવાના કાર્યમાં જોઈતી સફળતા ન મળી. એટલું જ નહિ પણ તેમાં વિઘ્નો અને રુકાવટો ઊભાં થયાં. મુક્ત સાહસ, મુક્ત બજાર, નફો મેળવવાની વૃત્તિ રશિયાના લોકો માટે નવી વસ્તુઓ હતી અને એ અંગેની ફાવટ ન હતી. રાજ્યનિયંત્રિત અને રાજ્યાશ્રિત અર્થકારણ સમાપ્ત થતું ગયું, પણ નવા મુક્ત અર્થકારણ તરફનાં પગલાં કષ્ટદાયી બન્યાં. ચીજવસ્તુઓ અર્દશ્ય થઈ ગઈ. ભાવોમાં અનહદ વધારો થયો. અછતની પરિસ્થિતિ સર્જાતાં લોકોનો અસંતોષ અને કચવાટ વધ્યાં. વાણીસ્વાતંત્ર્ય હોવાથી આ વિશેની ચર્ચાઓ છૂટથી થવા લાગી અને સરકારની અને તેની નવી નીતિની ટીકા થવા લાગી.
ગોર્બાચૉવની આર્થિક છૂટછાટની નીતિ સામ્યવાદી પક્ષ તેમજ તેમના ટેકેદારો સ્વીકારી શક્યા નહિ અને તેઓએ નકારાત્મક વલણ અપનાવ્યું. બીજી તરફ યુવાન અને સ્વાતંત્ર્યવાંછુ લોકોએ સુધારાનો વેગ વધારવાની હિમાયત કરી. રૂઢિચુસ્ત અને પરિવર્તનવાદીઓનાં વિરોધી જૂથો વચ્ચે રસ્તો કાઢવાના પ્રયાસમાં ગોર્બાચૉવની સ્થિતિ કફોડી બની.
રાજકીય ક્ષેત્રે પ્રમુખનું સર્વોપરી સ્થાન ગ્રહણ કર્યા પછી પોતાના સલાહકારોની પસંદગી કરવામાં પણ ગોર્બાચૉવે સમતુલનની નીતિ અપનાવી. જહાલ અને મવાળ તત્વોને સાથે રાખવાનું કાર્ય દુષ્કર બન્યું. આંતરિક રાજકારણના આ પ્રશ્નોની સાથે અત્યાર સુધી સોવિયેત સંઘના અંકુશ નીચે રહેલા પૂર્વ યુરોપના દેશોમાં હલચલ શરૂ થઈ, સામ્યવાદી પક્ષ જોખમમાં મુકાયો અને એક પછી એક દેશમાં તેનું વિસર્જન થયું. સોવિયેત સંઘના આધિપત્ય સામે અવાજ ઊઠ્યો, જેના પરિણામે એક તરફ બર્લિનની દીવાલ તૂટવાનો ઇતિહાસનો સાંકેતિક બનાવ બન્યો તો બીજી તરફ બાલ્ટિક સમુદ્રને કિનારે આવેલાં ત્રણ રાજ્યો–લિથુઆનિયા, ઇસ્ટોનિયા અને લેટવિયા–માં સ્વતંત્ર થવાની ચળવળ ચાલી. આમ ગોર્બાચૉવને એકીસાથે ઘરઆંગણાનાં તેમજ વિદેશનાં, આર્થિક તેમજ રાજકીય ક્ષેત્રે ગંભીર સમસ્યાઓનો સામનો કરવાનો આવ્યો.
પશ્ચિમના સાત વિકસિત દેશો (‘ગ્રૂપ ઑવ્ સેવન’, G. 7) તરફથી અને ખાસ તો અમેરિકા તરફથી જે નાણાકીય સહાય મળવાની હતી તે પૂરતા પ્રમાણમાં ન મળતાં ગોર્બાચૉવની આર્થિક વિટંબણાઓમાં ઓર વધારો થયો. શાંતિ અને છૂટછાટની નીતિથી ગોર્બાચૉવ પશ્ચિમની દુનિયામાં ખૂબ લોકપ્રિય બન્યા; પરંતુ ઘરઆંગણે તેઓ પ્રત્યે ધિક્કારની લાગણી ઊભી થઈ. સૌથી વધુ કમનસીબી તો એ હતી કે શાંતિ સ્થાપવાની નીતિમાં જેમ જેમ ગોર્બાચૉવ છૂટછાટ મૂકતા ગયા તેમ તેમ પશ્ચિમ તેનો સ્વીકાર કરતું રહ્યું અને તે નીતિ ગોર્બાચૉવની અને સોવિયેત સંઘની વધતી જતી નબળાઈના કારણે લેવાઈ રહી છે તેમ મનાવા લાગ્યું. અમેરિકાના સામર્થ્ય સામે ઊભા રહેવાની શક્તિ ધરાવતો સોવિયેત સંઘ આમ પશ્ચિમની નજરમાં ઊતરતા સ્થાને મુકાવા લાગ્યો; જે ગોર્બાચૉવ માટે આપત્તિરૂપ બન્યું. બાલ્ટિક રાજ્યો સામે ગોર્બાચૉવે લશ્કરો મોકલ્યાં તે તેમની શાંતિની નીતિ સાથે બંધબેસતું નહોતું, તેથી પણ તેમની ટીકાઓ થઈ.
ફ્રાન્સની 1789ની ક્રાંતિની યાદ આપતી હોય તેમ, 1989ના નવેમ્બરમાં બર્લિનની દીવાલ તૂટી. પૂર્વ અને પશ્ચિમ જર્મનીના લોકોએ તેમજ સમગ્ર યુરોપે આ બનાવને વધાવી લીધો. આમ, સમગ્ર યુરોપમાં સ્વાતંત્ર્ય અને મુક્તિની એક નવી હવા ઊભી થઈ જેનાં મૂળ ગોર્બાચૉવે શરૂ કરેલી નીતિમાં પડેલાં હતાં.
1985–91ના છ વર્ષના ટૂંકા ગાળા દરમિયાન દુનિયાના ઇતિહાસમાં એક પ્રકરણ પૂરું થયું અને બીજાની શરૂઆત થઈ. વૈશ્વિક ધોરણે એકીસાથે ઘણા ફેરફારો થયા અને તે પણ શાંતિથી અને લોહીનું એક ટીપું પાડ્યા સિવાય. આ પરિવર્તન શક્ય બન્યું તેનો યશ ગોર્બાચૉવને મળવો જોઈએ. ઠંડું યુદ્ધ સમાપ્ત થયું. શસ્ત્રદોટ અટકી અને લશ્કરોમાં તેમ શસ્ત્રોમાં મોટા પાયે કાપની શરૂઆત થઈ. દુનિયાએ કરવટ બદલી અને યુદ્ધને બદલે શાંતિ તરફ વળી. વીસમી સદીનાં મોટાં પરિવર્તનોમાં રશિયાની 1917ની ક્રાંતિની ગણના થતી હતી તેમ હવે આ બનાવોએ રશિયામાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું.
આ પરિવર્તનના કારણે દુનિયાના અન્ય વિસ્તારોમાં પણ દૂરગામી પરિણામો આવ્યાં. ઘણા દેશોએ લોકશાહી તરફ પગરણ કર્યાં. તે સાથે અત્યાર સુધી કોયડારૂપ રહેલા પ્રશ્નોનો ઝડપી ઉકેલ શક્ય બન્યો. પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની ગોર્બાચૉવની ઉદાર નીતિના કારણે એક બની શક્યાં. બીજી તરફ રશિયાની તાબેદારીમાંથી છૂટવાની તક મળતાં પૂર્વ યુરોપના દેશો માટે નવું સ્વતંત્ર જીવન શરૂ થયું. છેલ્લાં 45 વર્ષથી પૂર્વ અને પશ્ચિમમાં વહેંચાયેલા યુરોપ માટે નવો દિવસ ઊગ્યો અને નવું ભાવિ શક્ય બન્યું. વર્ષોથી અટવાતા પ્રશ્નો જેવા કે કંબોડિયા તથા નામિબિયા ઉકેલની દિશામાં આગળ વધ્યા. તે જ પ્રમાણે નિકારાગુઆનો પ્રશ્ન પણ સરળ બન્યો. આરબો અને ઇઝરાયલ વચ્ચે શાન્તિ અને સુલેહની મંત્રણાઓનાં દ્વાર ખુલ્લાં થયાં. વર્ષોથી અટવાતા દક્ષિણ આફ્રિકાના રંગદ્વેષના પ્રશ્નમાં પણ પ્રગતિ થઈ.
આ નવા વાતાવરણના સર્જનમાં ગોર્બાચૉવનો ફાળો જેટલો મોટો તેટલો જ યશસ્વી હતો. દુનિયાના રાજકારણ અને અર્થકારણમાં આવેલું આ પરિવર્તન અમેરિકા માટે એક અત્યંત આવકાર્ય ઘટના હતી. લોકશાહીકરણની સાથે મુક્ત અર્થતંત્રનો આ નવો યુગ અમેરિકાને અનુકૂળ હતો એટલું જ નહિ તેને માટે તે એક મોટો, શકવર્તી વિજય હતો. ઠંડા યુદ્ધની સમાપ્તિની સાથે હવે દુનિયામાં એક જ મહાસત્તા રહેતી હતી. દુનિયા ઉપર વર્ચસ્ સ્થાપવાની તક હવે અમેરિકા માટે ખુલ્લી થઈ હતી.
આથી અમેરિકાનાં સામયિકોએ ગોર્બાચૉવની પ્રશસ્તિ કરી અને તેમને દસકાના સૌથી મહાન માણસ તરીકે નવાજ્યા. ગોર્બાચૉવમાં તેમને એકીસાથે કૉપરનિકસ, ડાર્વિન તથા ફ્રૉઇડનાં દર્શન થયાં. તે જ પ્રમાણે તેમનામાં પોપ અને માર્ટિન લ્યૂથરનું સંમિશ્રણ થયેલું દેખાયું. 1990માં ગોર્બાચૉવને શાંતિનો નોબેલ પુરસ્કાર આપીને પશ્ચિમની દુનિયાએ તેમનું બહુમાન કર્યું.
પરંતુ રશિયાની સ્થિતિ ભિન્ન, અનિશ્ચિત અને કંઈક અંશે સ્ફોટક હતી. સામ્યવાદી અર્થવ્યવસ્થા તૂટી હતી પણ તેનું સ્થાન લેવા માટે મુક્ત અર્થતંત્ર તૈયાર ન હતું. 500 દિવસોમાં આર્થિક પરિવર્તન લાવવાની શાટાલિનની યોજનાને શરૂઆતમાં ગોર્બાચૉવે ટેકો આપ્યો હતો પણ પછીથી તેનો સ્વીકાર કરવા તેમની તૈયારી હતી નહિ. ગોર્બાચૉવની મહેચ્છા સામ્યવાદને સંપૂર્ણ રીતે મિટાવી દેવાની નહોતી; પરંતુ સમાજવાદને વધુ માનવીય સ્વરૂપ આપવાની હતી. ભાવિ સમાજ વિશેના તેમના ખ્યાલ પ્રમાણે આધ્યાત્મિક ભાવના સાથે સ્વાતંત્ર્ય, સંસ્કૃતિ પ્રત્યે સદભાવ, માનવતા અને લોકશાહીનો સુમેળ થાય તેમ તેઓ ઇચ્છતા હતા; પરંતુ સુધારાની જે પ્રક્રિયા તેમણે શરૂ કરી તે ભવિષ્યમાં કેવો આકાર લેશે અને તેના અવરોધમાં કેવાં પરિબળો ઊભાં થશે તેનો ખ્યાલ તેઓ કરી શકે તેમ ન હતા. સિત્તેર વર્ષથી ચાલી આવેલી જીવનપ્રથાને તદ્દન ઊલટી દિશામાં લઈ જવાનો આ પુરુષાર્થ શાન્તિમય રીતે હાથ ધરવાનો હતો. જે પ્રથાના તેઓ ફરજંદ હતા તેનો ધ્વંસ કરવાનું કાર્ય તેમને કરવાનું હતું. વળી, એકીસાથે આંતરિક તેમ બાહ્ય નીતિમાં ફેરફારની આવશ્યકતા હતી. પશ્ચિમને અનુકૂળ થવામાં તેઓ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ પશ્ચિમ તરફથી જેટલું દબાણ થયું તેટલી સહાય પ્રાપ્ત થઈ નહિ.
ઘરઆંગણાના વિવિધ પ્રશ્નોમાં તેઓ રૂઢિચુસ્તો (સામ્યવાદી-તરફી) અને પ્રગતિવાદીઓ (મુક્ત લોકશાહી સમાજની તરફદારી કરતા) વચ્ચે ત્રિશંકુની સ્થિતિમાં મુકાઈ ગયા. તે સાથે તેમના સાથી-કાર્યકરોની પસંદગીમાં તેઓ ઊણા ઊતર્યા. તેમના સાથીઓની વફાદારી વિશે તેમને તેમના નિકટના મિત્રોએ ચેતવણી આપી હતી; પરંતુ તેમણે તેની તરફ દુર્લક્ષ સેવ્યું, જે તેમને માટે વિઘાતક પુરવાર થયું. તેમના નિકટના સાથીઓએ જ તેમને પદભ્રષ્ટ કરવાનું ષડ્યંત્ર ગોઠવ્યું.
વળી જેમની નિમણૂક તેમણે કરી હતી તે યેલ્ત્સીને આર્થિક ઉદારીકરણની નીતિમાં વધારે ઉતાવળ કરવાની જોરદાર માગણી કરી જે ગોર્બાચૉવ સ્વીકારી શકે તેમ ન હતું. યેલ્ત્સીન સાથેનો આ મતભેદ વિસ્તરતો ગયો અને જ્યારે ગોર્બાચૉવની ગેરહાજરીમાં તેમના સાથીઓએ સત્તા હાથ ધરવા પ્રયાસ કર્યો ત્યારે તેમનો વિરોધ કરીને યેલ્ત્સીને ઉદારમતવાદી લોકોનો ટેકો મેળવીને નેતૃત્વ દાખવ્યું, જે ગોર્બાચૉવના સત્તાત્યાગનું નિમિત્ત બન્યું. લશ્કરમાંથી કમી કરાયેલા લોકોને જોઈતું કામ મળ્યું નહિ અને બેકારોની સંખ્યા વધતી ચાલી. ભાવવધારો અને માલની અછતના કારણે લોકો બેહાલ થયા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એકદમ વણસી અને ગુનાઓનું પ્રમાણ ગંભીર રીતે વધી ગયું. મોટા પ્રમાણમાં છૂટછાટ આપવાની નીતિમાં ફેરફાર કરવો શક્ય ન હતો. પરિણામે સમાજજીવનનાં ઘણાં ક્ષેત્રોમાં પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ.
ઉપરાંત સ્ટાલિનના સમયથી સમવાયમાં સમાવિષ્ટ રાષ્ટ્રીય જૂથો મોકળાશ મળતાં સ્વાયત્ત અને સ્વતંત્ર રાષ્ટ્રો તરીકે ગણાવા ઉત્સુક થયાં. પરિણામે ઠેર ઠેર વંશીય અને રાષ્ટ્રીય જૂથોનો વિદ્રોહ શરૂ થયો. ગોર્બાચૉવ માટે આ એક અણધારી આફત હતી.
રશિયા અને તેના ભાવિ વિશે અનેક પ્રશ્નો ઊભા થયા છે. રાજ્ય, એક પક્ષ અને નોકરશાહીને અધીન પદ્ધતિમાંથી પશ્ચિમમાં પ્રચલિત થયેલી લોકશાહી તરફ રશિયા પ્રયાણ કરશે ? એકપક્ષીય વ્યવસ્થામાંથી બહુપક્ષીય પદ્ધતિ વિકસશે ? સત્તાધારીઓ અને લોકો વચ્ચેનો અનુબંધ સ્થપાશે ? સ્વાયત્ત કે સ્વતંત્ર બનેલાં પ્રજાસત્તાકો રાજકીય અને આર્થિક ઘટક તરીકે સ્થિરતા પ્રાપ્ત કરી શકશે ? એક તરફ પશ્ચિમ તરફથી રખાયેલી આશાઓ ફળીભૂત થઈ નથી; તો બીજી તરફ જૂની નિશ્ચિતતાઓ અર્દશ્ય થઈ છે અને અસ્થિરતા તથા બિનસલામતી વધતી રહી છે. રશિયામાં પ્રગટ થતો રાષ્ટ્રવાદ કેવું સ્વરૂપ લેશે એ કહેવું મુશ્કેલ છે.
ગોર્બાચૉવનું યથાર્થ મૂલ્યાંકન ભવિષ્યનો ઇતિહાસકાર કરશે; એટલું કહેવું પર્યાપ્ત છે કે તેમના દ્વારા રશિયાનું જે નવસંસ્કરણ થયું તે મોટે અંશે અફર હતું. ખુલાવટની નીતિના સ્વીકાર સાથે તેમનું કાર્ય પૂરું થયું છે એવું તેમનું કથન વાજબી હતું; પરંતુ રશિયાનું વિઘટન, એક સમયની અમેરિકાની સમકક્ષ ગણાતી મહાસત્તાની અવનતિ અને તેના કારણે દુનિયાની બદલાયેલી પરિસ્થિતિ વગેરે તેમની નેતાગીરીની નબળી બાજુ બતાવે છે. પરિવર્તનના જે પવનને તેમણે છૂટો દોર આપ્યો તેમાં જ તેઓ અનિચ્છાએ ઢસડાઈ ગયા તે પણ હકીકત છે. પણ તેમના સત્તાત્યાગની પ્રક્રિયા રક્તવિહીન રહી તેમાં તેમની નીતિનો વિજય જોઈ શકાય છે. પલટાતા યુગનાં એંધાણ પારખી તેમણે જે પરિવર્તન હાથ ધર્યું તેમાં મૂળભૂત રીતે તેઓ સફળ થયા અને તેમાં જ તેમની નીતિની યથાર્થતા સમાયેલી છે.
દેવવ્રત પાઠક