ગોમ્ફ્રીના (Gomphrena) : કુળ Amarantaceaeનો કોઈ પણ ઋતુમાં ઊગી શકતો, 30થી 40 સેમી. ઊંચો મોસમી ફૂલનો છોડ. ગુ. બટન, અં. Globe Amaranthus = Bachelor’s button. જાંબલી રંગનો પ્રકાંડ; સપ્ટેમ્બરથી નવેમ્બર અને જાન્યુઆરીથી એપ્રિલ સુધી લાલાશ પડતા કે જાંબલી કે સફેદ, જાંબુડા કે કેસરી રંગના નાના પરિમિત મુંડક પુષ્પવિન્યાસમાં આવતાં પુષ્પો; પાતળા કાગળ જેવાં સૂકાં નિપત્રો; ફૂલો ક્યારેય કરમાતાં નથી એટલે તો સૂકાં ફૂલ પણ શોભા માટે વપરાય છે. છોડ નીચા અને ફેલાતા હોવાથી ફૂલોથી ભરેલા લાગે છે એટલે સીમા પર આકર્ષક લાગે છે.

આ વનસ્પતિને સુંદર પુષ્પો માટે બગીચામાં ઉગાડવામાં આવે છે. તેની બે જાતો ગુજરાતમાં ઉગાડાય છે : G. celosioides Mart અને બીજી G. globosa L..

મ. ઝ. શાહ