ગોપાલસ્વામી, એન. (જ. 21 એપ્રિલ નિડામંગલમ્, તમિલનાડુ) : ભારતના મુખ્ય ચૂંટણી-અધિકારી. શાલેય શિક્ષણ તેમણે મન્નારગુડી ખાતે મેળવ્યું. તેઓ તિરુચિરાપલ્લીની સેંટ જૉસેફ કૉલેજમાંથી રસાયણશાસ્ત્રના સ્નાતક બન્યા. દિલ્હી યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રના અનુસ્નાતક બની આ વિષયનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. ત્યારબાદ લંડન યુનિવર્સિટી ખાતે અર્બન ડેવલપમેન્ટ પ્લાનિંગનો અભ્યાસ કરી તેમણે ડિપ્લોમા હાંસલ કર્યો.
સરકારી સેવામાં જોડાવાની ઇચ્છા સાથે 1966માં તેઓ ભારતીય સનદી સેવામાં જોડાયા અને ગુજરાત કેડરના ભારતીય સનદી સેવક નિમાયા. તેઓ 3 જૂન, 2006ના રોજ ભારત સરકારના મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા. સનદી અધિકારી તરીકે તેમની કામગીરીનું મુખ્ય ક્ષેત્ર ગુજરાત રાજ્ય ખાતે રહ્યું હતું. સનદી અધિકારી તરીકે 25 વર્ષ સુધી તેઓએ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે વિવિધ દરજ્જાની કામગીરી બજાવી હતી. આ કામગીરીમાં ગુજરાત કૉમ્યુનિકેશન અને ઇલેક્ટ્રૉનિક્સના મૅનેજિંગ ડિરેક્ટર, ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના મુખ્ય અધિકારી, કચ્છ અને ખેડામાં જિલ્લા મૅજિસ્ટ્રેટ, સુરતના મ્યુનિસિપલ કમિશનર, ગુજરાત સરકારના ગૃહવિભાગના સંયુક્ત સચિવ જેવાં પદોનો સમાવેશ થાય છે. 1992થી 2004ની વચ્ચેના ગાળામાં ભારતની કેન્દ્ર-સરકારમાં પણ તેમણે વિવિધ હોદ્દાઓ પર કામગીરી કરી હતી. તેઓ ગૃહમંત્રાલયના સચિવ, સાંસ્કૃતિક મંત્રાલયના સચિવ, આયોજન પંચના શિક્ષણ સલાહકાર, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના મહામંત્રી જેવા વિવિધ હોદ્દાઓ સાથે સંકળાયેલા હતા. 2004માં તેઓ ચૂંટણી-અધિકારી તરીકે ચૂંટણી-પંચમાં જોડાયા અને જૂન, 2006થી મુખ્ય ચૂંટણી-અધિકારી તરીકે નિયુક્ત થયા. એપ્રિલ, 2009માં નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે આ હોદ્દાની રૂએ કામગીરી સંભાળી. 2005માં આ હોદ્દાની રૂએ તેઓ મતાધિકાર ક્ષેત્રોના સીમાપરિવર્તન (delimitation) પંચના સભ્ય પણ હતા.
વફાદાર, પ્રામાણિક અને ગતિશીલ વ્યક્તિત્વ ધરાવવા ઉપરાંત તટસ્થતા અને સહિષ્ણુતાનાં મૂલ્યોને વળગી રહી તેમણે ચૂંટણી-પંચમાં સરાહનીય કામગીરી કરી છે. તેમની આવી યશસ્વી કારકિર્દીને કારણે 2004ની અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં તેમ જ 2005માં મોરેશિયસની સામાન્ય ચૂંટણીમાં તેઓ ચૂંટણી-નિરીક્ષક નિમાયા હતા.
2011ની વસ્તીગણતરીમાં અત્યંત ઉપયોગી પુરવાર થાય તેવું વિશિષ્ટ સૉફ્ટવેર તેમણે ડિઝાઇન કર્યું હતું જે આગામી વસ્તી-ગણતરીમાં અગત્યની ભૂમિકા ભજવે એવું છે. હિંદુ હસ્તલિપિઓનો તેમનો ઊંડો અભ્યાસ તેમને પ્રાચીન ભારતીય હિંદુ સાહિત્ય તરફ દોરી ગયો. પરિણામે પ્રાચીન ભારતીય ગ્રંથ ઋગ્વેદની 30 વિવિધ હસ્તપ્રતોને યુનેસ્કોની મેમરી ઑવ્ વર્લ્ડ રજિસ્ટરમાં સ્થાન અપાવવાનું બહુમાન સંપૂર્ણ રીતે તેમને ફાળે જમા છે. આ માટે લગભગ 2003થી સતત ચાર વર્ષ દરમિયાન તેમણે સક્રિય પ્રયાસો કર્યા હતા. વેદોની અને પ્રાચીન હિંદુ લિપિઓની જાળવણી માટે યુનેસ્કોએ 5 કરોડની સહાય જાહેર કરીને તેમના પ્રયાસોનો યોગ્ય પ્રતિભાવ પાડ્યો હતો.
હિંદુ ધર્મ અનુસરવા સાથે કપાળમાં લાંબું-પાતળું તિલક કરી તેઓએ તેમના વ્યક્તિત્વમાં ભારતીયતાની વિશિષ્ટ પહેચાન ઊભી કરી છે. નિવૃત્તિનાં અંતિમ વર્ષોમાં તેમણે દિલ્હીની એક સંસ્થામાં ફલજ્યોતિષ(ઍસ્ટ્રૉલૉજી)ના અભ્યાસનો આરંભ કર્યો છે. આગામી પેઢીઓ ઋગ્વેદ જેવા પ્રાચીન ભારતીય મહામૂલા ગ્રંથોનો સંપર્ક ગુમાવી ન બેસે તે માટે તેઓ પ્રાચીન પ્રકારની પાંચ ગુરુકુલ સંસ્થાઓની રચના કરી ઋગ્વેદનું અધ્યયન આ સંસ્થાઓ દ્વારા કરાવવાની દિશામાં પ્રયત્નશીલ છે.
નિવૃત્તિના બેએક માસ પૂર્વે તેમણે ભારતના રાષ્ટ્રપતિને ખાસ ભલામણ દ્વારા તેમના સાથી ચૂંટણી કમિશનર નવીન ચાવલાને મુખ્ય ચૂંટણી કમિશનર બનતાં અટકાવવાની દરખાસ્ત કરી હતી. તેમનું આ પગલું ભારે વિવાદાસ્પદ અને ચર્ચાનાં અનેક વમળો પેદા કરનારું હતું. અલબત્ત, ભારતના રાષ્ટ્રપ્રમુખે તેમની આ ભલામણને ‘કાર્યક્ષેત્ર બહાર’ની ગણાવી વિવાદનો અંત આણ્યો હતો. 2015માં પદ્મભૂષણના ઍવોર્ડથી તેઓ સન્માનિત થયા છે.
રક્ષા મ. વ્યાસ