ગોદાવરી નદી : ભારતની એક પ્રાચીન નદી. તે ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પાસે પશ્ચિમઘાટના ઉત્તર છેડા પરથી ઉદગમ પામી અગ્નિદિશા તરફ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશનાં રાજ્યોમાં 1,465 કિમી. લાંબો માર્ગ કાપી બંગાળની ખાડીને મળે છે. આ નદીનો સ્રાવ પ્રદેશ 3,23,800 ચોકિમી. જેટલો છે.
નદીનો ઉપરવાસ ઉનાળા દરમિયાન છીછરો બનતાં તેમાં નૌકાનયન અશક્ય બને છે.
દક્ષિણના લાવાના ઉચ્ચપ્રદેશ(deccan plateau)માંથી ઉદભવતો તેનો પરિવાહ ઉત્તરમાંથી પૂર્ણા અને અન્ય નદીશાખાઓનું જળ સમાવી લઈ આગળ વધે છે. ત્યારબાદ દક્ષિણમાંથી માંજરા અને ઉત્તરમાંથી ઇન્દ્રાવતી અને સાબરી નદીનાં પાણી લઈ પૂર્વઘાટમાંથી આગળ ધપે છે.
બંગાળના ઉપસાગર પાસે મુખ્ય બે નદીનાળવાળા વિશાળ મુખત્રિકોણ પ્રદેશની તે રચના કરે છે. આ મુખત્રિકોણ પ્રદેશના પ્રવેશ આગળ બંધ બાંધીને વીજઉત્પાદન માટે અને આસપાસના ડાંગર પકવતા 2,600 ચોકિમી.ના ફળદ્રૂપ પટ્ટાને સિંચાઈ પૂરી પાડવાની બહુલક્ષી યોજના કરવામાં આવી છે.
હિંદુ ધર્મમાં પવિત્ર ગણાવાયેલી સાત નદીઓમાં સ્થાન પામેલી આ નદી રામાયણ, મહાભારત અને અન્ય પુરાણોમાં ઉલ્લેખ પામી છે. તેના કિનારે નાસિક, ત્ર્યંબક જેવાં પવિત્ર યાત્રાસ્થાનો છે.
નિયતિ મિસ્ત્રી