ગોદાર્દ, ઝાં-લૂક (જ. 3 ડિસેમ્બર 1930, પૅરિસ, ફ્રાંસ; અ. 13 સપ્ટેમ્બર 2022, રોલે, સ્વીટ્ઝર્લેન્ડ) : આધુનિકતાના નવા મોજા (new wave) માટે જાણીતા ફ્રેન્ચ ફિલ્મસર્જક, દિગ્દર્શક અને પટકથાલેખક. શિક્ષણ ન્યોં(સ્વિટ્ઝર્લૅન્ડ)માં અને પૅરિસમાં લીધેલું.

ઝાં-લૂક ગોદાર્દ

પ્રથમ લગ્ન અભિનેત્રી અન્ના કરીના સાથે (1960), જે છૂટાછેડામાં પરિણમ્યું. બીજું લગ્ન એની વિઆઝેમ્સ્કી સાથે (1967), તેના પણ છૂટાછેડા થયા. 1949થી 1956 સુધીની કારકિર્દીની શરૂઆતનાં આ વર્ષો પૅરિસ અને સ્વિટ્ઝર્લૅન્ડ વચ્ચે આંટા મારવામાં પસાર થયાં; જેમાં તેમણે ડિલિવરી બૉય, કૅમેરામૅન, ઝુરિક ટેલિવિઝનના આસિસ્ટંટ એડિટર અને બાંધકામના કામદાર તથા છાપાના કટારલેખક તરીકે કામ કર્યું હતું. 1950માં આંદ્રે બાઝીન, ફ્રાંસ્વા ત્રુફો, જેક્વેરા રિવેટી, એરિક રોહમર અને ક્લાઉડ શેબ્રોલ જેવા બુદ્ધિજીવી સર્જકો સાથે મુલાકાતની તક પ્રાપ્ત થઈ. 1950–51માં તેમણે ફિલ્મોનું વિવેચન શરૂ કર્યું. 1952માં વિશ્વવિખ્યાત ફિલ્મ-મૅગેઝિન ‘કેહીયર ડુ સિનેમા’, જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે, તેમાં ફિલ્મનાં વિવેચન લખવાનો મોકો મળ્યો. 1954માં બંધના બાંધકામ અંગેની પહેલી દસ્તાવેજી ફિલ્મ ‘ઑપરેશન બેટોન’ બનાવી. 1956માં ધંધાકીય રીતે ફિલ્મના સંકલનમાં ઝંપલાવ્યું. 1957માં પૅરિસમાં ટ્વેન્ટિએથ સેન્ચ્યુરી ફૉક્સની ઑફિસમાં પબ્લિસિટી વિભાગમાં કામ કર્યું. ત્યાં તેમની મુલાકાત નિર્માતા જ્યૉર્જિસ દ બ્યુરિગાર્દ સાથે થઈ. આ નિર્માતાની ત્રણ લઘુફિલ્મોનું તેમણે દિગ્દર્શન કર્યું. 1959માં બ્યુરિગાર્દ સાથે સ્વતંત્ર રીતે પ્રથમ ફીચર ફિલ્મ ‘ઍ બુટ દ સોફેલ’નું દિગ્દર્શન કર્યું. આખા વિશ્વમાં આ ફિલ્મે ચકચાર જગાવી. આજે પણ આ ફિલ્મ સદાબહાર ફિલ્મ તરીકે પ્રખ્યાત છે. 1964માં તેમની પત્ની અન્ના કરીના સાથે સ્વતંત્ર ફિલ્મ કંપનીની સ્થાપના કરી. 1965માં રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને ડાબેરી વિચારસરણીના આગેવાન બન્યા. 1968માં ફ્રાન્સની આર્કાઇવના અધ્યક્ષપદેથી હેન્રી લાંગ્લ્વાને દૂર કરતાં તેમણે તેનો સખત પ્રતિકાર કર્યો. આ પ્રતિકારની ઉગ્રતા એટલી બધી વધી કે 1968નો ફ્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બંધ કરવો પડ્યો. 1968થી 1972માં તેમની રાજકીય પ્રવૃત્તિ ખૂબ વધી ગઈ. તે માર્કસ, લેનિન અને માઓવાદી ગ્રૂપના સક્રિય સભ્ય બન્યા. 1971માં એક મોટરસાઇકલ અકસ્માતમાં મરણતોલ ઘાયલ થયા. 1972માં ચર્ચાસ્પદ ફિલ્મ ‘ટુટ વા બિયન’નું નિર્માણ કર્યું.

1960માં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘એ બુટ દ સોફેલ’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવૉર્ડ તેમને મળ્યો હતો.

તેમની અગત્યની ફિલ્મોમાં ‘એ બુટ દ સોફેલ’ (1960), ‘યુન ફામ એ યુન ફામ’ (1961), ‘લ તીત સોલ્દા’ (1963), ‘લે કારા બીનીએ’ (1963), ‘લ મે પ્રી’ (1963), ‘બાં દે આ પાર્ત’ (1964), ‘યુન ફામ મારી’ (1964), ‘પી એરો લ ફુ’ (1965), ‘મૅસ્ક્યુલીન-ફેમીનીન’ (1966), ‘મૅડ ઇન યુ.એસ.’ (1966), ‘લા શીન્વાઝ’ (1967), ‘વીક એન્ડ’ (1967), ‘લ ગાઈ સાવાર’ (1968), ‘વન પ્લસ વન’ (1968), ‘વાં દે’ (1970), ‘તુ વા બી એ’ (1971), ‘ન્યૂમરો દ’ (1975), ‘પાશીઓ’ (1982), ‘પ્રીનો કારતેં’ (1983), ‘હેઈલ મેરી’ (1984) અને ‘કિંગ લિયર’ (1987) નોંધપાત્ર છે.

તેઓ સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિક હતા. એમણે સ્વેચ્છા મૃત્યુ પસંદ કરેલું.

પીયૂષ વ્યાસ