ગોત્યે, તેઓફીલ (જ. 31 ઑગસ્ટ 1811, તરબિસ, ફ્રાન્સ; અ. 23 ઑક્ટોબર 1872, નયી–સર–સેન) : ફ્રેન્ચ કવિ, નવલકથાકાર, વિવેચક અને પત્રકાર. ફ્રાન્સના સાહિત્યજગતમાં પ્રારંભિક રોમૅન્ટિસિઝમમાંથી ઓગણીસમી સદીના અંતભાગમાં સૌન્દર્યવાદ અને પ્રકૃતિવાદ તરફ વળવાના સંક્રાંતિકાળના યુગમાં તેમણે વ્યાપક પ્રભાવ પાડ્યો હતો. તેમનું મોટા ભાગનું જીવન પૅરિસમાં વીત્યું હતું. અભ્યાસનો પ્રારંભ ચિત્રકલાથી કર્યો. પણ થોડા જ સમયમાં તેમને પ્રતીતિ થઈ ચૂકી કે તેમની સર્જનાત્મકતાને કાવ્યલેખન વિશેષ ફાવે તેમ છે. રોમૅન્ટિક ઝુંબેશ તરફ ખાસ્સો સમભાવ હોવાથી, 1830માં પૅરિસમાં વિક્ટર હ્યૂગોનું નાટક સર્વપ્રથમ ભજવવાના પગલે પગલે જે સાંસ્કૃતિક સંઘર્ષ આરંભાયો તેમાં સક્રિયપણે ભાગ લીધો. આના પરિણામે ‘હિસ્ટરી ઑવ્ રોમૅન્ટિસિઝમ’ (1874) તથા ‘કન્ટેમ્પરરી પૉર્ટ્રેટ્સ’(1874)માં આ સમયગાળાનું હળવું નિરૂપણ કરવાની સાથોસાથ પોતાના તથા અન્ય રોમૅન્ટિકવાદીઓનાં વિચારવલણના અતિરેકની ટીકા પણ કરી છે.
તેમનાં શરૂઆતનાં કાવ્યો 1830માં પ્રગટ થયાં. ‘એલબરટસ’ નામનું લાંબું વર્ણનકાવ્ય 1832માં પ્રગટ થયું. આ જ સમયગાળામાં તે રોમૅન્ટિસિઝમના સિદ્ધાંતો છોડીને ‘કલા ખાતર કલા’ વાદના પુરસ્કર્તા બની રહ્યા. ‘એલબરટસ’ની પ્રસ્તાવના તથા તેમની સુખ્યાત નવલકથા ‘મૅડમ ઝેલ દ મૉપિન’(1835)માં વ્યક્ત થયેલાં મંતવ્યોનાં પરિણામે ફ્રાન્સનાં સાહિત્યિક વર્તુળોમાં ભારે ચકચાર મચી હતી, કારણ કે રૂઢિગત સદાચારની ભારોભાર ઉપેક્ષા કરવા સાથે સૌન્દર્યની સર્વોપરીતા પર તેમણે ભાર મૂક્યો હતો.
1850માં તેમણે પાંચ મહિના માટે સ્પેનની મુલાકાત લીધી તે તેમના સાહિત્યસર્જન માટે ખૂબ ફળદાયી નીવડી. એ પ્રવાસના પરિણામે ‘એસ્પાના’(1845) કાવ્યસંગ્રહમાં કેટલીક ઉત્તમ કાવ્યરચનાઓ તથા ‘વૉયેજ ઍન એસ્પન’(1845)માં કેટલાંક ઉત્તમ ગદ્યલખાણો મળી રહ્યાં. આ પ્રવાસથી બીજો પણ એક લાભ થયો. તેમને હવે લાગ્યું કે પત્રકારત્વના સતત ભારે દબાણમાંથી આ રીતે આવકાર્ય અને રાહતરૂપ છુટકારો મેળવવા પ્રવાસ કરવો જોઈએ. મોટા કુટુંબને નિભાવવા પત્રકાર તરીકેનો વ્યવસાય સ્વીકારવાની ફરજ પડી હતી; પરંતુ તેમની આ પરિસ્થિતિ વિશે ઘણી વાર તે વલોપાત કરતાં જણાવતા કે પત્રકારત્વમાં કેટલીક ઉત્તમ કવિતા વેડફાઈ જતી હતી.
ગ્રીસના પ્રવાસ દરમિયાન તેમના કલાવિષયક સિદ્ધાંતો અને ખાસ તો પ્રશિષ્ટ કલાપ્રકારો વિશેનો તેમનો પ્રશંસાભાવ વિશેષ સુર્દઢ બન્યાં. તે માનતા કે કલામાં કશું અંગત તત્વ ભળવું ન જોઈએ; નીતિના પાઠ શીખવવાની જવાબદારી કલાએ ઉપાડવાની હોય નહિ. કલાકારનો ઉદ્દેશ કેવળ સ્વરૂપગત સંપૂર્ણતા સિદ્ધ કરવાનો જ હોય. કવિતામાં તેમણે એક ટૅકનિક વિકસાવી અને તે માટે ‘transposing art’ જેવો શબ્દપ્રયોગ કર્યો. કોઈ ચિત્રકૃતિ કે અન્ય કોઈ પણ કલાકૃતિનો આસ્વાદ માણતી વખતે જે અનુભૂતિ થતી તેનું યથાતથ નિરૂપણ તે આ શૈલીમાં સિદ્ધ કરી શકતા. આ રીતે લખાયેલાં કાવ્યોનો સંગ્રહ ‘ઇનૅમલ્સ ઍન્ડ કેમિઓઝ’(1852)માં તેમની સુંદરતમ રચનાઓ છે.
તેમની કાવ્યોચિત અને સ્વૈરવિહારી કલ્પનાશક્તિનો તેમની કેટલીક ટૂંકી વાર્તાઓ તથા અમુક નવલકથાઓની લખાવટ તથા માવજતને સરસ લાભ મળ્યો છે. તેમનો સાહિત્યિક ફાલ વિપુલ અને વૈવિધ્યપૂર્ણ છે; પરંતુ એમાંથી કેવળ કલાવિવેચના અને નાટ્યવિવેચન જ લક્ષમાં લેવાય તોપણ એમની સાહિત્યિક પ્રતિષ્ઠા સુનિશ્ચિત બની રહે. આમાના કેટલાક વિવેચનલેખો ‘હિસ્ટરી ઑવ્ ડ્રામા ઇન ફ્રાન્સ ફૉર ટ્વેન્ટિફાઇવ યર્સ’ (6 ગ્રંથો) (1858 –59)માં સુલભ થયા છે. બૅલેના વિવેચક તરીકે તો તેમનું સ્થાન અજોડ લેખાય છે. તેમણે નાટકો પણ લખ્યાં છે. વળી અન્ય કર્તાના સહયોગમાં લખાયેલ બૅલે ‘ગિઝેલ’ ખૂબ લોકપ્રિય નીવડ્યું હતું. ફ્લૉબેર, સિંટ બૉવ, ગૉનકોર્ટ ભાઈઓ, બોનવીલ તથા બૉદલેર જેવા તેમના ઘણા સમકાલીન નામાંકિત સર્જકો ગોત્યેની સાહિત્યિક પ્રતિભાનો આદર કરતા હતા.
મહેશ ચોકસી