ગોચર પદ્ધતિ : વ્યક્તિ પરત્વે ફલપ્રાપ્તિ માટેનો સમય નક્કી કરવાની એક જ્યોતિષ પદ્ધતિ. છ વેદાંગોમાંનું એક જ્યોતિષશાસ્ત્ર છે. તે બે વિભાગોમાં વહેંચાયેલું છે : (1) ગણિત જ્યોતિષ અથવા ખગોળ જ્યોતિષ, અને (2) ફલિત જ્યોતિષ. ઘણા લાંબા સમયનાં અવલોકનો અને અનુભવો પરથી વિદ્વાનોએ જ્યોતિષવિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતો નિશ્ચિત કર્યા છે. આ સિદ્ધાંતોનું વ્યવસ્થિત સ્વરૂપ તે ફલજ્યોતિષ. ફલજ્યોતિષના સિદ્ધાંતોને આધારે મનુષ્યની જન્મકુંડળી પરથી તેના ભવિષ્યનું કથન કરી શકાય છે.
જ્યોતિષશાસ્ત્રના બે મુખ્ય પ્રવાહો પ્રવર્તમાન છે : (1) નિરયન પદ્ધતિ અને (2) સાયન પદ્ધતિ. નિરયન જ્યોતિષ પદ્ધતિમાં કાળ (ફલપ્રાપ્તિનો સમય) નક્કી કરવાની બે પદ્ધતિઓ છે : (i) દશા પદ્ધતિ અને (ii) ગોચર પદ્ધતિ.
દશા પદ્ધતિ : કુંડળીમાં પડેલા ગ્રહોનાં બળાબળ પ્રમાણે અમુક ભાવમાં (ઘરમાં) રહીને તે ભાવનું જે ફળ, જન્મકાળના ચંદ્રના રાશિ-અંશાદિ ઉપરથી નિશ્ચિત થયેલી તે ગ્રહની દશા આવે ત્યારે મળે છે તે જાણવાની પદ્ધતિ. આ પદ્ધતિમાં ગ્રહનાં બળાબળ જાણવા માટે અને લગ્નથી જે ભાવ હોય તેમાં રહેલા ગ્રહથી ઉત્પન્ન થતું ફળ શોધી કાઢવા માટે વિધિઓ બતાવેલી છે. તેને જાતકશાસ્ત્ર કહે છે.
આ સિવાય ચંદ્રથી એટલે જન્મરાશિથી ગ્રહ ભિન્ન ભિન્ન રાશિઓમાં ભ્રમણ કરતાં પોતાની શુભત્વ અથવા અશુભત્વરૂપ પ્રકૃતિ પ્રાપ્ત કરી જાતક માટે જે કંઈ શુભાશુભ ફળ બતાવે તેને ગોચર પદ્ધતિ કહે છે. આમાં ચંદ્રના સ્થાનથી ગ્રહ ફરતાં ફરતાં જે રાશિમાં આવે તેના આધારે તે ગ્રહનું શુભ કે અશુભ ફળ જાણી શકાય છે.
આ ફળ ગોચર એટલે કે ગ્રહના ફરવાના કારણે મળતું હોવાથી દશાની જરૂર પડતી નથી એટલે આ એક સ્વતંત્ર પદ્ધતિ છે.
કેટલાક વિદ્વાનો (મુખ્યત્વે દક્ષિણ ભારતના વિદ્વાનો) ચંદ્રથી જે સ્થાનમાં રહી ગ્રહ શુભ ફળ આપતો હોય તેને ગોચરસ્થાન કહે છે અને જે સ્થાનમાં રહી અશુભ ફળ આપે છે તેને વેધસ્થાન કહે છે. પરંતુ મોટે ભાગે ચંદ્રથી ગ્રહ અમુક સ્થાનમાં હોય ત્યારે શુભ ફળ આપે છે અને અમુક સ્થાનમાં અશુભ ફળ આપે છે. સારણીમાં શુભ ફળ આપનાર સ્થાનને ગોચરસ્થાન લખ્યું છે અને અશુભ ફળ આપનારને વેધસ્થાન બતાવ્યું છે, તે પ્રાંતીય ભેદનું કારણ છે. વાસ્તવિક રીતે જન્મરાશિથી અમુક સ્થાનોમાં જવાથી ગ્રહ અશુભ ફળ આપે છે અને અમુક સ્થાનોમાં જવાથી શુભ ફળ આપે છે તે મુખ્ય તત્વ છે.
સૂર્યાદિ ગ્રહોનાં ગોચરસ્થાન અને વેધસ્થાન | ||
ગ્રહો | ગોચરસ્થાન | વેધસ્થાન |
સૂર્ય
ચન્દ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ |
3-6-10-11
1-3-6-7-10-11 3-6-11 2-4-6-8-10-11 2-5-7-11 1-2-3-4, 5, 8, 9, 11, 12 3-6-11 3-6, 10, 11 |
2-4-5-9-12
2-4-5-8-9-12 5-9-12 1-3-5-9-12 3-4-8, 10, 12 6-7-10 5-8-12 1, 2-4-5-7, 8-9-12 |
નોંધ : અહીં જે સ્થાન છે તે જાતકના જન્મરાશિના ચંદ્રથી જ ગણવાનાં છે. સામાન્ય નિયમ તરીકે ચંદ્રથી 11મે પડેલ કોઈ પણ ગ્રહ જાતકને શુભ ફળ આપે છે.
શુભ અસર કરનારને ગોચર અને ખરાબ અસરથી શુભ ફળને નાબૂદ કરનાર ગ્રહને વેધસ્થાન કહેવામાં આવે છે.
ઉદાહરણ :
જાતકની જન્મતારીખ : 22–10–1993
જન્મસમય : 11.45 (સવાર)
સ્થળ : વડોદરા
આ જાતકની બતાવેલ કુંડળીમાં તેના જન્મની રાશિ મકર છે. તેનું આજનું ભવિષ્ય લખાય છે ત્યારનું ગોચર ફળ સામાન્ય રીતે નીચે મુજબ આવે :
આજે ગુરુ તુલા રાશિમાં છે. આ જાતકની જન્મરાશિથી તે દસમો આવે એટલે કે તે દસમો થયો કહેવાય. ગુરુ દસમા સ્થાનમાં યાને વેધસ્થાનમાં છે એટલે તે શુભ ફળ ન આપે. કંઈક અશુભ ફળ આપે. આ રીતે તમામ ગ્રહોની ગણતરી કરી તાત્કાલિક ફળકથન કરી શકાય. આ ફળકથન ગોચર પદ્ધતિનું ગણાય.
ગોચર પદ્ધતિ અને વેધ પદ્ધતિથી પ્રત્યેક ગ્રહનાં પૃથક પૃથક ફળ :
સૂર્ય : (પહેલો) જન્મરાશિથી પહેલો હોય તો ધનનાશ – માંદગી, વધુ પરિશ્રમ, કષ્ટ અને ક્રોધી થાય; (બીજો) ધનહાનિ–માંદગી, છેતરામણ; (ત્રીજો) આવકવૃદ્ધિ, માન–યશવૃદ્ધિ; (ચોથો) ચર્મરોગ, શત્રુપીડા, ઇચ્છા પૂરી ન થાય, શત્રુપીડા; (પાંચમો) બુદ્ધિભ્રમ, વિકલતા, કાર્યહાનિ; (છઠ્ઠો) આનંદપ્રાપ્તિ, પ્રગતિ; (સાતમો) પ્રવાસ, થાક, સ્વાસ્થ્યહાનિ અને યશહાનિ; (આઠમો) ઝઘડા, કજિયા, ભય; (નવમો) નિરાશા, સ્નેહીઓથી વૈમનસ્ય; (દસમો) યશ, સફળતા, વિજય, માનસિક આનંદ; (અગિયારમો) સારી પ્રગતિ, સ્વાસ્થ્યવૃદ્ધિ; (બારમો) મિત્રો સાથે મતભેદ, ક્લેશપ્રાપ્તિ.
ચંદ્ર : (પહેલો) જન્મરાશિ જ યાને પહેલો હોય તો સુખપ્રાપ્તિ અને કામમાં સફળતા મળે; (બીજો) ધનની હાનિ; (ત્રીજો) વિજયપ્રાપ્તિ; (ચોથો) ભય; (પાંચમો) માનસિક ચિંતા; (છઠ્ઠો) રોગનાશ, શત્રુનાશ, શત્રુવિજય; (સાતમો) આનંદપ્રાપ્તિ; (આઠમો) દુ:ખ-દરિદ્રતા, ધનહાનિ; (નવમો) રોગ-મંદવાડ, સ્વાસ્થ્યહાનિ; (દશમો) ધારેલી બાબતો અને મન:કામના સફળ થાય; (અગિયારમો) બંધુવર્ગથી સત્કાર, સુખ, દ્રવ્યપ્રાપ્તિ, યશ, આબરૂની વૃદ્ધિ; (બારમો) દુ:ખપ્રાપ્તિ, ખર્ચ, પ્રિય વસ્તુનો નાશ યા વિયોગ.
મંગળ : જન્મરાશિથી (પહેલો) સગાંઓથી મતભેદ, ગરમીના રોગો, ઉપદ્રવો, માનસિક ઉદ્વેગ; (બીજો) ધનની હાનિ, ક્લેશ, કજિયા, કંકાસ; (ત્રીજો) ધનપ્રાપ્તિ, સાહસથી લાભ, કામોમાં સફળતા, વિજય મળે; (ચોથો) શોકપ્રાપ્તિ, આવકની હાનિ, પેટનાં દર્દો; (પાંચમો) સંતાન અંગે ચિંતા, પરિતાપ, ભાઈઓમાં વેર, વૈમનસ્ય, ધારેલાં કામો પાર ન પડે; (છઠ્ઠો) આદરેલાં કામોમાં સફળતા, શત્રુ પર વિજય અને માનસિક સંતાપનો ઘટાડો; (સાતમો) સ્વાસ્થ્યહાનિ, ગૃહક્લેશ; (આઠમો) જ્વરપીડા, વાગવાથી પીડા, માન-ધનની હાનિ; (નવમો) ખર્ચ, શારીરિક નબળાઈ; (દશમો) વગર વિચાર્યાં કામ પોતાનાથી થાય, અસફળતા, હાનિ; (અગિયારમો) સ્વાસ્થ્ય અને ધનની પ્રાપ્તિ, મિલકતની વૃદ્ધિ; (બારમો) ગરમીના રોગો, ધનનો ખર્ચ.
બુધ : (પહેલો) જન્મરાશિથી પહેલો બુધ હોય તો ધન-દ્રવ્યની હાનિ થાય; (બીજો) ધનપ્રાપ્તિ – વૃદ્ધિના યોગો; (ત્રીજો) શત્રુનો ભય, ક્લેશ-કજિયા, કંકાસ થાય; (ચોથો) ધન-લાભ; (પાંચમો) ગૃહક્લેશ; (છઠ્ઠો) કામોમાં સફળતા; (સાતમો) સગાંઓમાં વિરોધ, કુટુંબમાં ક્લેશ; (આઠમો) ધન-સંતાનપ્રાપ્તિ-ફાયદા-લાભ; (નવમો) આદરેલાં કામોમાં વિલંબ, વિઘ્નો; (દશમો) શરીરસુખવૃદ્ધિ, માનસિક સુખપ્રાપ્તિ, આરોગ્ય અને આનંદની પ્રાપ્તિ; (અગિયારમો) ધન-આરોગ્યપ્રાપ્તિ; (બારમો) કજિયાથી નુકસાન, રાજદ્વારી યા અન્ય બાબતોમાં હાર.
ગુરુ : (એક) જન્મરાશિથી પહેલો ગુરુ હોય તો ખર્ચ-વ્યય વધે, મુસાફરી, દુ:ખ, શત્રુથી વેર વધે; (બીજો) યશની વૃદ્ધિ – આકસ્મિક ધનપ્રાપ્તિ, કુટુંબસુખવૃદ્ધિ; (ત્રીજો) સ્વાસ્થ્યહાનિ, ધંધામાં ગેરલાભ, પ્રવાસ, સ્થાનાન્તર યોગ બને; (ચોથો) સગાં-સ્વજન-કુટુંબથી વિરોધ; (પાંચમો) સંતાનસુખવૃદ્ધિ, લાગવગમાં વધારો; (છઠ્ઠો) શત્રુ, સ્વજન- જ્ઞાતિજનોથી વિરોધ-પીડા; (સાતમો) આનંદદાયક પ્રવાસ – મુસાફરી-યોગ, કુટુંબસુખની વૃદ્ધિ, માન-યશનો વધારો; (આઠમો) સ્વાસ્થ્ય-હાનિ, ધનનાશ; (નવમો) સંતાનસુખવૃદ્ધિ, ધન-સુખ-વૃદ્ધિ; (દસમો) ધન- ધંધો-સંતાનો માટે માનસિક ચિંતા; (અગિયારમો) માન-યશ-હોદ્દાનો વધારો; (બારમો) ધનની હાનિ, ચિંતા.
શુક્ર : (પહેલો) જન્મરાશિથી પહેલો હોય તો ભૌતિક સુખ – દૈહિક સુખ, ધનલાભ થાય; (બીજો) અર્થ–માન–યશ–કીર્તિલાભ; (ત્રીજો) પ્રગતિ – ઉન્નતિ – ધનલાભના યોગો બને; (ચોથો) મિત્રોની વૃદ્ધિ, સુખ-સાધનોની વૃદ્ધિ-પ્રાપ્તિ; (પાંચમો) સંતતિલાભ. ઇતર પણ લાભ; (છઠ્ઠો) સ્વાસ્થ્યની હાનિ – આપત્તિ – નુકસાન થાય; (સાતમો) પરસ્ત્રી, સ્ત્રીજાતિથી અપયશ – અપવાદ મળે. પત્નીને પીડા થાય; (આઠમો) મોજ-શોખનાં સાધનોની વૃદ્ધિ; (નવમો) સંસારસુખની વૃદ્ધિ; (દસમો) ઝઘડા થાય; (અગિયારમો) ધંધામાં સાહસથી લાભ; (બારમો) સર્વ રીતે સુખપ્રાપ્તિ.
શનિ : (પહેલો) જન્મરાશિથી પહેલો શનિ હોય તો શરીરે દુ:ખ, કુટુંબમાં મરણયોગ; (બીજો) ધંધા વગેરેમાં ધનહાનિ – ચિંતા; (ત્રીજો) ધંધામાં સફળતા, માન-યશ-વૃદ્ધિ; (ચોથો) ધન-હાનિ, સ્ત્રી અંગે ચિંતા; (પાંચમો) આવકમાં ઘટાડો – સંતાનવર્ગની ચિંતા, પત્નીને પીડા, કુટુંબમાં મરણ; (છઠ્ઠો) શત્રુનાશ – સુખપ્રાપ્તિ; (સાતમો) સ્ત્રીને સ્વાસ્થ્ય-હાનિ-પીડા-પ્રવાસ; (આઠમો) શત્રુવૃદ્ધિ – શરીરપીડા – સંતાનનાશ યા પીડા, ધનહાનિ; (નવમો) નીતિભ્રષ્ટતા, વડીલનું મરણ – દરિદ્રતાપ્રાપ્તિ; (દસમો) અયોગ્ય કાર્ય કરવાથી માનહાનિ, દ્રવ્યનાશ; (અગિયારમો) ધન-વ્યવસાય-વૃદ્ધિ, યશવૃદ્ધિ; (બારમો) ખોટા ખર્ચ, સંતાનોની માંદગી, કાર્યમાં અસફળતા, વિઘ્નો નડે.
રાહુ : રાહુનું ફળ સૂર્યના ફળની માફક સમજવું. ગોચર-ફળકથન કરતી વખતે ધ્યાનમાં રાખવાની અગત્યની બાબતો :
(1) ગોચર-ફળકથન કરતી વખતે દશા-અંતર્દશાના ફળને પણ મહત્વ આપવું.
(2) સામાન્ય રીતે વેધસ્થાનમાં રહેલો ગ્રહ સારું ફળ આપતો નથી. પણ તે ગ્રહના ગોચરસ્થાનમાં આ દરમિયાન બીજો કોઈ ગ્રહ હોય તો ખરાબ ફળ મળતું નથી.
(3) ગોચરસ્થાનમાં રહેલો ગુરુ સારું ફળ આપે છે પણ તે સમય દરમિયાન ગ્રહના વેધસ્થાનમાં કોઈ ગ્રહ હોય તો સારું ફળ ન મળે.
(4) ઉપર જણાવેલ નિયમો સૂર્ય-શનિ અને ચંદ્ર-બુધ માટે લાગુ પડતા નથી.
(5) મંગળ અને સૂર્ય રાશિના પ્રથમ 10 અંશમાં અસર કરે છે. ગુરુ અને શુક્ર મધ્યભાગમાં એટલે રાશિના 10થી 20 અંશમાં અસર કરે છે, જ્યારે ચંદ્ર અને શનિ રાશિના અંતભાગમાં એટલે 20થી 30 અંશમાં અસર કરે છે. બુધ અને રાહુ આખી રાશિમાં અસર કરે છે.
(6) સૂક્ષ્મતા માટે – નક્ષત્ર ગોચરનો પણ વિચાર કરવો. રાશિફળ કરતાં તે વધુ સૂક્ષ્મ હોય છે.
આ રીતે ગોચર પદ્ધતિ દ્વારા ફળ જાણી શકાય છે; છતાં આ ફળ કંઈક સ્થૂળ આવે છે.
નટવરલાલ પુરોહિત