ગોગૉલ, નિકલાઈ વસિલ્યેવિચ (જ. 19 માર્ચ 1809, સૉરોચિંત્સી, પોલ્તાવા નજીક, યુક્રેન; અ. 21 ફેબ્રુઆરી 1852, મૉસ્કો) : રૂસી વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. એમના પિતા નાના જમીનદાર હતા, એમણે પણ થોડું નાટ્યલેખન કર્યું હતું. સરકારી કારકુન, શિક્ષક અને પછી ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે શરૂઆતમાં
એમણે કામ કરી જોયું. એમના પ્રારંભિક લેખન તરફ કોઈનું ધ્યાન નહોતું ગયું; પરંતુ મહાન રૂસી કવિ પુશ્કિનને યુક્રેનની લોકકથાઓમાં ગોગૉલે ઉમેરેલ કલ્પનાનું તત્ત્વ ગમ્યું હતું. 1835માં ગોગૉલે ત્રણ વાર્તાઓ લખી : ‘નેવ્સ્કી – માર્ગ’, ‘તસવીર’ અને ‘એક પાગલની રોજનીશી’. એમાં એક સરકારી નોકરિયાત એવું માનતો હોવાનું ગોગૉલે લખ્યું હતું કે જાણે એ સ્પેનનો રાજા છે. ‘મીર ગોરદ’ વાર્તાસંગ્રહમાં એમની જાણીતી વાર્તા ‘તારાસ બુલ્બા’ અને ‘નાક’ પ્રસિદ્ધ થઈ હતી. એમાં નાના જમીનદારનું ખરી પડેલું નાક સુંદર વસ્ત્રોમાં સજીધજી આકર્ષક ઘોડાગાડીમાં ફરવા નીકળતું અને એની પાછળ એનો માલિક દોડતો રહેતો, એવી તરંગ-કથા ગોગૉલે લખી હતી. 1836માં તત્કાલીન રશિયાના ભ્રષ્ટ જીવન અંગેનું એમનું વિશ્વસાહિત્યનું અજોડ હાસ્યનાટક ‘ઇન્સ્પેક્ટર-જનરલ’ રજૂ થયું. આ નાટકે ભારે વિરોધવંટોળ જગાવ્યો. ગોગૉલ તે પછી બાર વર્ષ વિદેશમાં રહ્યા, જ્યાં તેમણે ‘ઓવરકોટ’ નામની ટૂંકી વાર્તા અને ‘મૃતાત્માઓ’ નામની જાણીતી નવલકથા લખી. વિવેચકો માને છે કે ‘ઓવરકોટ’ વાર્તાથી આધુનિક ટૂંકી વાર્તાનું સ્વરૂપ ઘડાયું. ‘મૃતાત્માઓ’થી ગોગૉલને ખૂબ કીર્તિ મળી; પરંતુ રૂઢિવાદીઓએ એમની સામે કરડી આંખ કરી. ‘ઇન્સ્પેક્ટર-જનરલ’ નાટકથી તત્કાલીન અમલદારો અને ભ્રષ્ટ નોકરશાહી તો એમની સામે ધૂંઆપૂંઆ હતાં જ. જીવનના અંતિમ તબક્કામાં ખૂબ ભારે હૃદયે એમણે ચાર વર્ષ પથારીમાં ગાળ્યાં. ‘મૃતાત્માઓ’ નવલકથાનો બીજો ભાગ બાળી નાખી, પોતાનો વધુ બહિષ્કાર થશે એ બીકમાં ને બીકમાં એ મૃત્યુ પામ્યા.
ગોગૉલ સમૃદ્ધ ભાષાશૈલી અને તરંગી કથાપાત્રો માટે જાણીતા હતા. એમણે રૂસી સમાજના નિમ્ન વર્ગનું ખૂબ સહાનુભૂતિપૂર્વક વાસ્તવવાદી ચિત્રણ કર્યું હતું.
હસમુખ બારાડી