ગોકાક ધોધ : કર્ણાટક રાજ્યના બેલગામ જિલ્લામાં પશ્ચિમઘાટના ઢોળાવો પરથી પૂર્વ દિશામાં વહેતી ઘટપ્રભા નદીની શાખા ગોકાક નદી ઉપર આવેલો ધોધ. ઘટપ્રભા પણ કૃષ્ણા નદીની શાખારૂપ નદી છે. આમ આ જળધોધનું ભૌગોલિક સ્થાન આશરે 16° 11´ ઉ. અ. અને 74° 52´ પૂ. રે. નજીક છે. પશ્ચિમઘાટ પર્વતમાળાના આશરે 600 મી. ઊંચાઈ ધરાવતા પૂર્વના ઢોળાવો પરથી ગોકાક નદી ઊંડાં કોતરોમાં વહે છે અને તેનો જળપ્રવાહ ખડકાળ ભાગો પરથી લગભગ 55 મીટરની ઊંચાઈએથી નીચે પડે છે, જે ‘ગોકાક ધોધ’ તરીકે ઓળખાય છે.
ગોકાક નદીનું મૂળ પશ્ચિમઘાટના સ્રાવક્ષેત્રવાળા ભાગોમાં આવેલું છે, તેથી તેમાં પાણીપુરવઠો જળવાઈ રહે છે. ભારતમાં આ જળધોધ દ્વારા સૌપ્રથમ ઈ. સ. 1887થી જળવિદ્યુત મેળવવામાં આવે છે. બેલગામ જિલ્લાના પૂર્વના સૂકા અને દુકાળપીડિત ભાગોમાં સિંચાઈ કરવા માટે 1897માં ગોકાક ધોધથી ચાર કિમી. ઉપરવાસમાં ધૂપડાલ પાસે એક આડબંધ બાંધવામાં આવ્યો છે. તેનાથી રચાયેલા વિશાળ જળાશયમાંથી ગોકાક નહેર કાઢવામાં આવેલી છે. જોકે આજે હવે આ સિંચાઈ યોજનામાં સુધારાવધારા કરીને તેને વધુ વિસ્તૃત બનાવવામાં આવી છે. ગોકાક બંધથી ગોકાક રોડ રેલવે સ્ટેશન નજીકમાં છે, જ્યારે ગોકાક શહેર આશરે 10 કિમી. દૂર અગ્નિ ખૂણામાં આવેલું છે.
બીજલ પરમાર