ગોએન્કા પવન કુમાર (જ. 25 સપ્ટેમ્બર 1954, હરપાલપુર, મધ્યપ્રદેશ) : ઑટોમોબાઇલથી અંતરિક્ષ ક્ષેત્રે ગુણવત્તા અને નવાચાર (Innovation) પ્રત્યે પ્રતિબદ્ધ અંતરિક્ષના વિકસતા ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’ની ભાવનાને મૂર્તરૂપ આપવા કટિબદ્ધ વૈજ્ઞાનિક.

પવન કુમારે કૉલકાતાની જૈન હાઈસ્કૂલમાં શાળેય શિક્ષણ લીધું. તેમણે આઈ.આઈ.ટી. કાનપુરમાંથી મિકૅનિકલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની અને અમેરિકાની કોર્નેલ (Cornell) યુનિવર્સિટીમાંથી પી.એચડી.ની પદવીઓ મેળવી. તેઓ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના એડવાન્સ મૅનેજમેન્ટ પ્રોગ્રામના સ્નાતક પણ છે. તેઓએ વર્ષ 1979થી 1993 દરમિયાન અમેરિકાના ડેટ્રોઇટમાં જનરલ મોટર્સ આર ઍન્ડ ડી સેન્ટરમાં કામ કર્યું. ડૉ. ગોએન્કાએ વર્ષ 1993માં પોતાની માતૃભૂમિ માટે અમેરિકા છોડી દીધું અને ભારત આવી ગયા.

પવન કુમાર ગોએન્કા

તેમણે ઑક્ટોબર, 1993માં ઑટોમોબાઇલ ક્ષેત્રે ઉત્પાદન કરતી કંપની મહેન્દ્ર ઍન્ડ મહેન્દ્રમાં જનરલ મૅનેજર (આર ઍન્ડ ડી)નો  હોદ્દો સંભાળ્યો. ત્યાં તેમણે પડકારોને અવસરમાં બદલી નાખ્યા અને ઉન્નત ઑટોમોટિવ કેન્દ્ર વિકસાવ્યું. તેમણે આર ઍન્ડ ડી થકી  અવસંરચનાનું આધુનિકીકરણ કર્યું અને ઑટોમોબાઇલ ઉદ્યોગના માનક સ્થાપિત કરે તેવાં  ઉત્પાદનો બનાવ્યાં. ડૉ. ગોએન્કાના નેતૃત્વમાં કંપનીએ આકર્ષક અને કિફાયત ભાવના  વિશ્વસ્તરીય વાહનો બજારમાં મૂક્યાં. આજે દુનિયામાં શ્રેષ્ઠતમ  માનવામાં આવતી ભારતની ઑટોમોટિવ સપ્લાયર ઇકોસિસ્ટમને સુધારવામાં પણ તેમણે મદદ કરી. મહેન્દ્ર ઍન્ડ મહેન્દ્ર કંપનીમાં ડૉ. ગોએન્કા સતત પ્રગતિ કરતા રહ્યા અને 2016માં કંપનીના મૅનેજિંગ ડાયરેક્ટરની જવાબદારી નિભાવવાની શરૂ કરી. તેમણે જનરલ મૅનેજરના કાર્યકાળ દરમિયાન સ્કોર્પિયોં એસયુવીના વિકાસનું નેતૃત્વ કર્યું, જેને કારણે તેઓ ‘સ્કોર્પિયોમૅન’ કહેવાવા લાગ્યા. ગુણવત્તા અને નવાચાર (Innovation) પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાએ મહિન્દ્રાને ભારતની એક સન્માનિત  વૈશ્વિક બ્રાન્ડ સ્વરૂપે સ્થાપિત કરી.

ભારત સરકારના અંતરિક્ષ વિભાગ દ્વારા 2020માં ભારતીય રાષ્ટ્રીય અંતરિક્ષ સંવર્ધન અને અધિકૃતતા કેન્દ્ર (Indian National Space Promotion and Authorization Centre – IN SPACe) નામની સ્વાયત્ત સંસ્થાની રચના કરવામાં આવી. તેની મુખ્ય ભૂમિકા બિન-સરકારી સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવતી અંતરિક્ષ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા, સક્ષમ કરવા, અધિકૃત કરવા અને દેખરેખ રાખવાની છે. ઉપરાંત તે ઇસરોના અંતરિક્ષ માળખાને અને ઇસરોના પરિસરનો બિન-સરકારી સંસ્થાઓ સાથે સહભાગિતા કરવાની સુવિધા આપે છે. ડૉ. પવન કુમાર  ગોએન્કાએ અંતરિક્ષના વિકસતા ક્ષેત્રમાં ‘મેક ઇન ઇન્ડિયા’ની ભાવનાને મૂર્ત રૂપ આપવા ભારતના અંતરિક્ષ ક્ષેત્રે પોતાના દૃષ્ટિકોણ સાથે IN SPACeનું અધ્યક્ષ (Chairman) સ્થાન સંભાળ્યું. ડૉ. ગોએન્કા ભારતના અંતરિક્ષ ક્ષેત્ર માટે એક અધિક સુલભ અને જાગ્રત  અંતરિક્ષ પારિસ્થિતિક તંત્રના નિર્માણ સાથે એક નવો માર્ગ તૈયાર કરી રહ્યા છે. તેઓએ ઇસરો સાથે સ્ટાર્ટઅપ, ઉદ્યોગસાહસિકો અને સ્થાપિત ઉદ્યોગોના સહયોગ વધારીને નિજી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરે તેવી  નીતિઓને ઘડવામાં  મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. તેમનો  સ્પષ્ટ દૃષ્ટિકોણ આત્મનિર્ભરતા અને  શોધ-સંચાલિત અંતરિક્ષ ઉદ્યોગની પ્રગતિ માટે છે.

ડૉ. ગોએન્કા એસ.એ.ઇ. ઇન્ટરનૅશનલ અને ઇન્ડિયન નૅશનલ એકૅડેમી ઑફ ઍન્જિનિયર્સના ફેલો અને નૅશનલ એકૅડેમી ઑફ ઍન્જિનિયર્સ, યુએસએના સભ્ય છે. તેઓ આઈ. આઈ. ટી. મદ્રાસના બોર્ડ ઑફ ગવર્નર્સના અધ્યક્ષના રૂપમાં કાર્યરત છે. તેઓ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની સ્થાનીય મૂલ્યવર્ધન અને નિકાસને વધારવા માટેની સંચાલન સમિતિના અધ્યક્ષ છે. તેઓ સોસાયટી ઑફ ઇંડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સ, સોસાયટી ઑફ ઑટોમોટિવ એન્જિનિયર્સ ઈન્ડિયા અને ઑટોમોટિવ રિસર્ચ ઍસોસિયેશન ઑફ ઈન્ડિયાની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ હતા.

ડૉ. ગોએન્કાને અનેક  પુરસ્કારો અને સન્માનોથી નવાજવામાં આવ્યા છે. વર્ષ 2025માં તેમને ‘પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા. 2022માં ‘એશિયન સાયંટિસ્ટ’ સામયિક દ્વારા ‘એશિયન સાયંટિસ્ટ-100’ તરીકે પસંદગી પામ્યા, 2016માં પ્રતિષ્ઠિત FISITA પદકથી સન્માનિત કરાયેલા તેઓ પહેલા ભારતીય છે. તેમને  મળેલા કેટલાક અન્ય પુરસ્કારોમાં બર્ટ એલ. ન્યૂકિર્ક પુરસ્કાર (1987), ચાર્લ્સ એલ. મૈકકુએન એચીવમેન્ટ પુરસ્કાર (1985 અને 1991), ઑટોમેટિવ કમ્પોનન્ટ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન (એસીએમએ) દ્વારા લાઇફટાઇમ એચીવમેન્ટ પુરસ્કાર (2022) અને ઑટોકાર ઇન્ડિયા દ્વારા એનાયત થયેલા પુરસ્કાર (2021) સામેલ છે. તેમને વર્ષ 2004માં આઈઆઈટી કાનપુરનો વિશિષ્ટ પૂર્વછાત્ર પુરસ્કાર મળ્યો ભારત સરકારે પદ્મશ્રી આપીને સન્માનિત કર્યાં. વર્ષ 2015માં ડૉક્ટર ઑફ સાયન્સની માનદ પદવીથી સન્માનિત  કરવામાં આવ્યા.

          ચિંતન ભટ્ટ